આજે 21મી મેના રોજ ઈન્ટરનેશનલ ટી ડે... ચાના શોખીનો તો દુનિયાના ખૂણે-ખૂણે જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય એવી ચા વિશે સાંભળ્યું છે જેની કિંમત એક લક્ઝરી કાર જેટલી હોય? હા, આ કોઈ કલ્પના નથી પણ વાસ્તવિકતા છે. ગ્લોબલ માર્કેટમાં એક એવી દુર્લભ ચા અસ્તિત્વ ધરાવે છે, જેના માત્ર એક કપની કિંમત જ લાખો રૂપિયામાં થાય છે. ચાલો આજે ઈન્ટરનેશનલ ટી ડે પર વાત કરીએ દુનિયાની સૌથી મોંઘી ચા વિશે...
આપણે ત્યાં ભારતમાં સામાન્ય રીતે ચાની કિંમત રૂપિયા 10થી શરૂ કરીને મોટી હોટલોમાં રૂપિયા 500 સુધીની હોઈ શકે છે. પરંતુ ચીનના વુઈ પર્વતો (Wuyi Mountains) માં પાકતી 'દા હોંગ પાઓ' (Da Hong Pao) નામની ચાની કિંમત સાંભળીને સારા-સારા અમીરોના હોશ ઉડી જાય છે. આ ચાની કિંમત આશરે રૂપિયા 9 કરોડ પ્રતિ કિલોગ્રામ છે! એટલે કે, આ ચાના માત્ર એક કપની કિંમતમાં તમે એક શાનદાર લક્ઝરી કાર ખરીદી શકો છો.
વાત કરીએ કે આ 'દા હોંગ પાઓ' ચા કેમ આટલી મોંઘી છે એની તો આ ચા આટલી મોંઘી હોવાનું મુખ્ય કારણ તેની અછત છે. ચીનના ફુજિયાન પ્રાંતના વુઈ પર્વતોના ખડકો પર તેના માત્ર ત્રણથી ચાર જ ઓરિજિનલ છોડ બચ્યા છે. આ ખાસ અને સદીઓ જૂના છોડમાંથી દર વર્ષે ખૂબ જ મર્યાદિત માત્રામાં ચાની પત્તીઓ લણવામાં આવે છે.
ચીની સંસ્કૃતિમાં આ ચાને 'રાષ્ટ્રીય સંપત્તિ' એટલે કે નેશનલ ટ્રેઝરનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રાચીન સમયમાં આ ચા માત્ર ચીનના રાજા-મહારાજાઓ માટે જ અનામત રાખવામાં આવતી હતી. આ છોડની સુરક્ષા માટે ચીન સરકારે ખાસ સૈનિકો પણ તૈનાત કર્યા છે. એવું માનવામાં આવે છે કે આ ચા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. તેના સેવનથી શરીરની અનેક ગંભીર બીમારીઓ દૂર થાય છે અને તે ત્વચાના ગ્લો તેમજ લાંબા આયુષ્ય માટે રામબાણ ઈલાજ ગણાય છે.
વર્ષ 2002માં એક હરાજી દરમિયાન આ ખાસ ચાની માત્ર 20 ગ્રામ પત્તીઓ આશરે રૂપિયા 20 લાખથી વધુની કિંમતમાં વેચાઈ હતી, જે તે સમયના સોનાના ભાવ કરતાં પણ 30 ગણી વધારે હતી. આજના સમયમાં આ અસલી ચા મેળવવી સામાન્ય માણસ માટે જ નહીં પણ વિશ્વના અબજોપતિઓ માટે પણ એક મોટો પડકાર છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી દેશ-વિદેશની અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...