Tue Apr 21 2026

Logo

વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026: ભારતની રેન્કિંગમાં સુધારો પણ ખુશીમાં હજુ પાછળ, ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પણ ટોપ-10માં...

2026-03-21 11:06:00
Author: Darshana Visaria
Article Image

વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ફિનલેન્ડે સતત 9મી વખત વિશ્વના સૌથી ખુશહાલ દેશ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત માટે આ રિપોર્ટ મિશ્ર સમાચાર લાવ્યો છે, કારણ કે રેન્કિંગમાં થોડો સુધારો થયો હોવા છતાં ભારત તેના પાડોશી દેશો કરતા હજુ પણ પાછળ છે.

ફિનલેન્ડ સતત નવમી વખત નંબર વન
ફિનલેન્ડે 10માંથી 7.764 રેટિંગ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉત્તમ સામાજિક સુરક્ષા, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને વ્યક્તિગત આઝાદીને કારણે ત્યાંના લોકો સૌથી વધુ સંતુષ્ટ છે. ટોપ-10માં આઈસલેન્ડ (બીજું) અને ડેનમાર્ક (ત્રીજું) સ્થાન ધરાવે છે. આ વખતે કોસ્ટા રિકા ચોથા સ્થાને રહીને સૌને ચોંકાવી દીધા છે.

વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સમાં ભારત 116મા સ્થાને રહ્યું છે. 2024માં ભારત 126મા અને 2025 માં 118મા નંબરે હતું. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ભારતમાં વૃદ્ધોના જીવન સંતોષના સ્તરમાં વધારો થયો છે. જોકે, ઝડપથી વધતી અર્થવ્યવસ્થા હોવા છતાં ખુશહાલીમાં ભારત હજુ ઘણું પાછળ છે.

રિપોર્ટનો સૌથી ચોંકાવનારો પાસુ તો એ છે કે આર્થિક અને રાજકીય કટોકટી વેઠી રહેલા દેશો ભારત કરતા આગળ છે. વાત કરીએ ભારતના પડોશી દેશ પાકિસ્તાનની તો પાકિસ્તાન આ યાદીમાં ભારતથી 12 સ્થાન આગળ 104મા સ્થાન પર છે. ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ છતાં ખુશહાલ ટોપ-10 દેશોની યાદીમાં સામેલ થઈ 8મા નંબરે આવે છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાલમાં ઈઝરાયલ અને અમેરિકા સાથે યુદ્ધમાં ઉતરેલું ઈરાન 97મા સ્થાને રહીને ભારત કરતા સારી સ્થિતિમાં છે.

દુનિયાના શક્તિશાળી ગણાતા દેશોનો દબદબો આ સૌથી ખુશહાલ દેશોની યાદીમાં ઘટતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ કોઈપણ મુખ્ય અંગ્રેજી ભાષી દેશ ટોપ-10માં સ્થાન હાંસિલ કરી શક્યો નથી. આ યાદીમાં અમેરિકા 23મા સ્થાને, કેનેડા 25મા સ્થાને, યુકે 29મા સ્થાને અને ઓસ્ટ્રેલિયા 15મા સ્થાને કરવામાં આવ્યો છે. વાત કરીએ દુનિયાના સૌથી દુખી દેશોની તો આ દેશોની યાદીમાં ગરીબી અને આંતરવિગ્રહથી પીડાઈ રહેલાં અફઘાનિસ્તાન અને સિયેરા લિયોન યાદીમાં સૌથી નીચેના સ્થાને આવે છે.