Mon Jul 27 2026

Logo

World Environment Day 2026: બાળકોને પર્યાવરણના રક્ષક બનાવવા છે? રમત-રમતમાં શીખવો પ્રકૃતિપ્રેમના આ પાઠ...

2026-06-05 10:06:00
Author: Darshana Visaria
Article Image

આજના આધુનિક અને પ્રદૂષણથી ઘેરાયેલા સમયમાં પર્યાવરણનું સંરક્ષણ કરવું એ માત્ર મોટેરાઓની જ જવાબદારી નથી રહી, પરંતુ બાળકોમાં પણ નાનપણથી જ આ અંગે સમજ કેળવવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે. જો બાળકોમાં બાળપણમાં જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીના સંસ્કાર રેડવામાં આવે, તો તેઓ મોટા થઈને ભવિષ્યમાં પર્યાવરણના સાચા રક્ષક બની શકે છે. 

દર વર્ષે પાંચમી જૂનના રોજ ઉજવવામાં આવતો ‘વર્લ્ડ એન્વાયર્ન્મેન્ટ ડે’ આ માટેની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. સારી વાત એ છે કે બાળકોને પર્યાવરણ પાઠ શીખવવા માટે લાંબાલચક ભાષણોની જરૂર નથી હોતી, પરંતુ કેટલીક મજેદાર પ્રવૃત્તિઓ દ્વારા તેઓ રમતા-રમતા ઘણું બધું શીખી શકે છે. આજે અમે તમને આ સ્ટોરીમાં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે બાળકોને પર્યાવરણ સાથે જોડી શકશો... 

ટ્રી પ્લાન્ટેશનને બનાવો ફેમિલી એક્ટિવિટી: 
વર્લ્ડ એન્વાયર્ન્મેન્ટ ડેના ખાસ અવસરે બાળકોને ટ્રી પ્લાન્ટેશન અને તેની નિયમિત સંભાળ રાખવાની જવાબદારી સોંપો. જેમ-જેમ તેઓ પોતાના હાથે વાવેલા છોડને મોટો થતો જોશે, તેમ-તેમ પ્રકૃતિ પ્રત્યે તેમનો લગાવ આપોઆપ વધશે. આ પ્રવૃત્તિ તેમનામાં ધીરજ અને જવાબદારીની ભાવના પણ જગાડે છે.

નેચરલ વોક પર લઈ જાઓ: 
જી હા, બાળકોને પર્યાવરણ સાથે જોડવા માટે તમે બાળકોને કોઈ નજીકના પાર્ક, બગીચા કે કુદરતી વાતાવરણ ધરાવતી જગ્યાએ ફેરવવા લઈ જાઓ. ત્યાં તેમને અલગ-અલગ પ્રકારના વૃક્ષો, છોડ, પક્ષીઓ અને પતંગિયાઓ વિશે રસપ્રદ માહિતી આપો. પુસ્તકો જ્ઞાન આપે છે, પરંતુ પ્રકૃતિને નજીકથી જોવાનો પ્રત્યક્ષ અનુભવ બાળકના મગજ પર વધુ ઊંડી અસર છોડે છે.

કચરો અલગ-અલગ રાખવાની રમત રમાડો: 
ઘરમાં સૂકા અને ભીના કચરાને અલગ રાખવાની પ્રક્રિયાને એક ગેમમાં બદલી નાખો. બાળકોને અલગ-અલગ રંગના ડસ્ટબિન આપો અને કયો કચરો કયા ડબ્બામાં નાખવો તે વિશે પ્રોત્સાહિત કરો. આનાથી તેઓ કચરાના વ્યવસ્થાપનનું મહત્વ ખૂબ જ સરળતાથી સમજી જશે અને પર્યાવરણ બચાવવાની દિશામાં આ સૌથી મોટું પગલું ગણાશે. 

ડીઆઈવાય રિસાયકલ પ્રોજેક્ટ્સ કરાવો: 
બાળકોને ક્રાફ્ટિંગ ખૂબ ગમે છે. ઘરમાં પડેલી જૂની પ્લાસ્ટિકની બોટલો, કાર્ડબોર્ડના બોક્સ કે નકામા કન્ટેનરોનો ઉપયોગ કરીને નવી અને ઉપયોગી વસ્તુઓ બનાવવાનું તેમને શીખવો. આનાથી તેમની સર્જનાત્મકતા ખીલશે અને 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાની સાથે વસ્તુઓનો પુનઃઉપયોગ કરવાનું મહત્વ પણ સમજાશે.

બાળકોમાં નાનપણથી જ પાડો આ નાની પણ મહત્વની આદતો:
બાળકોને રોજિંદા જીવનમાં પર્યાવરણ બચાવવાના કેટલાક સરળ નિયમો પડાવવાની ચેલેન્જ આપો. જેમ કે-
બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો.
રૂમમાંથી બહાર નીકળતી વખતે લાઈટ-પંખા બંધ કરવા.
પાણીનો બગાડ અટકાવવો.

આ નાની-નાની આદતો અને મજેદાર ચેલેન્જ બાળકોના ભવિષ્યને અને પૃથ્વીને વધુ લીલીછમ અને સુરક્ષિત રાખવામાં પાયાનો પથ્થર સાબિત થશે.