Mon Sep 07 2026

Logo

મોહસિન નકવી આપશે એશિયા કપ ટ્રોફી, ભારતીય ટીમ જીતી તો શું થશે? ફાઇનલ પહેલા હલચલ તેજ

2026-09-06 14:49:00
Author: Mumbai Samachar Team
મોહસિન નકવી આપશે એશિયા કપ ટ્રોફી, ભારતીય ટીમ જીતી તો શું થશે? ફાઇનલ પહેલા હલચલ તેજ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય એટલે એક હાઈફીવર જોવા મળે. આવો એક રોમાંચ ફરી એકવાર જોવા મળશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હરમનપ્રીતની કેપ્ટનશીપમાં સતત ત્રણ મોટી મેચ જીતી ચૂકી છે. હવે તેની ટક્કર પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ સાથે છે. જે રીતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફોર્મમાં જોવા મળી રહી છે એ જોતા એવું લાગે છે કે, તે હરીફ ટીમના ખેલાડીઓને પરસેવો લેવડાવી શકે એમ છે. 

T20 એશિયા કપમાં વિવાદ એ સમયે ઊભો થયો છે જ્યારે 13 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશલ સ્ટેડિયમમાં થનારી ભારત-પાકિસ્તાનની મેચમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવી મુખ્ય અતિથિ તરીકે આવવાના છે અને તે વિજેતા ટીમને ટ્રોફી આપવાના છે. મુદ્દો એવો ચર્ચામાં છે કે, ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ હવે એના હાથે ટ્રોફી લેશે કે પછી નક્વી ફરી પોતાની મનમાની કરીને ટ્રોફીને છુપાવીને રાખશે?

વિમેન્સ ટી૨૦ એશિયા કપ ૨૦૨૬માં ટ્રોફીને લઈને વિવાદ ઊભો થઈ શકે છે. ૧૩ સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસિન નકવી મુખ્ય અતિથિ હશે. પાકિસ્તાની મીડિયા આઉટલેટ જિયો સુપરના અહેવાલ મુજબ, વિજેતા ટીમને ટ્રોફી પણ તેમના જ હસ્તે એનાયત કરવામાં આવશે.

મોહસિન નકવી એસીસીના અધ્યક્ષ હોવાની સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન પણ છે. આ જ કારણ છે કે જો ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચીને ખિતાબ જીતે છે, તો પાછલા વર્ષની ઘટનાઓ ફરી એકવાર ચર્ચામાં આવી શકે છે. હાલમાં ભારતીય ટીમ તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી.

મેન્સ એશિયા કપમાં થયો હતો વિવાદ

ગયા વર્ષે મેન્સ ટી૨૦ એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પછી સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે નકવી પાસેથી વિજેતા ટ્રોફી અને મેડલ લેવાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. જોકે ભારતીય ખેલાડીઓએ વ્યક્તિગત પુરસ્કારો જરૂર મેળવ્યા, પરંતુ વિજેતા ટ્રોફી સમારોહમાં સ્વીકારવામાં ન આવી.

કુલદીપ યાદવ, શિવમ દુબે અને તિલક વર્માને તેમના પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે પાકિસ્તાનના સલમાન અલી આગાએ ઉપવિજેતા કેપ્ટન તરીકે ઇનામી રકમ મેળવી હતી. ત્યાર પછી મોહસિન નકવી એશિયા કપની ટ્રોફી લઈને મેદાન પરથી રફચક્કર થઈ ગયા હતા. તે ઘટના પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી ટ્રોફી મેળવવા માટેના પ્રયાસો થવાના અહેવાલો સામે આવ્યા હતા. હાલમાં તે ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલના મુખ્યાલયમાં જ રાખવામાં આવી છે.

વિમેન્સ એશિયા કપમાં હજુ ભારતીય ટીમે ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરવાનું બાકી છે. જો ટીમ ફાઇનલ સુધી પહોંચે છે અને ચેમ્પિયન બને છે, તો સૌથી વધુ નજર એ વાત પર રહેશે કે પુરસ્કાર સમારોહમાં ટ્રોફી લેવાની પ્રક્રિયા કેવી રહે છે.

હાલ તો એટલું નક્કી છે કે 13 સપ્ટેમ્બરે દુબઇમાં યોજનારી ફાઇનલ બાદ મોહસિન નકવી વિજેતા ટીમને ટ્રોફી પ્રદાન કરશે. ભારતના ફાઇનલમાં પહોંચવા અને ટ્રોફી જીતવાની સ્થિતિમાં આ એવોર્ડ ફંકશન લોકોનું ધ્યાન ખેંચી શકે છે.