Sat Aug 15 2026

Logo

મહિલા રોકાણકાર  લેભાગુ સલાહકારો કે ઇન્ફ્લ્યુઅન્સર્સથી સાબદા રહો...

2026-08-02 10:03:00
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

આ અગાઉ આપણે મહિલાઓ માટે બચત અને રોકાણનું મહત્ત્વ શા માટે વધી ગયું એ વિશે ચર્ચા કરી.  આજે મહિલાઓમાં ફાઇનાન્સિયલ લિટરસી વધી રહી છે. એટલું જ નહીં, સોશ્યલ  મીડિયા  મારફત સલાહકારી સર્વિસિસ અને સમજણ આપવાની પ્રવૃત્તિ પણ વધી છે. જોકે આમાં સાચું માર્ગદર્શન મેળવવું વધુ મહત્ત્વનું છે

 

જયેશ ચિતલિયા

 

આજની મહિલા અનેકવિધ દૃષ્ટિએ વિકાસની દિશામાં આગળ વધી રહી છે, જેની સાથે સતત આર્થિક દૃષ્ટિએ પણ આત્મનિર્ભર બનતી જાય છે. અગાઉ ચર્ચાને આગળ વધારીએ તો એક સર્વેક્ષણ મુજબ 22 ટકા મહિલા પોતાની આવકમાંથી મહત્તમ રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સની યોજનામાં કરે છે. એ પછી ગોલ્ડ અને ઇક્વિટી શૅર્સનો વારો આવે છે. 34 ટકા મહિલા હજી બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, પીપીએફ વગેરે જેવાં પરંપરાગત સાધનોમાં જ રોકાણ કરે છે. આશરે 30 ટકા મહિલા ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટે ડિજિટલ પ્લૅટફૉર્મની સલાહ-માર્ગદર્શન પર વિશ્ર્વાસ રાખે છે, જ્યારે 20 ટકા મહિલા મિત્રો પરિવારના સભ્યોની સલાહને આધારે રોકાણ કરે છે, જ્યારે 15 ટકા મહિલા પર્સનલ ફાઇનાન્સના લેખો વાંચીને રોકાણનો નિર્ણય લે છે.

 

આ સર્વેક્ષણ અનુસાર 70 ટકા મહિલા કહે છે કે તેમણે હવે ફાઇનાન્સિયલ ક્ષેત્રના મામલે સ્વતંત્ર અથવા પોતાના જીવનસાથી સાથે મળીને નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે. તે હવે મની મૅનેજમેન્ટ મામલે પણ આત્મનિર્ભર બનવા સક્ષમ બનતી જાય છે. મહિલાએ પોતાની યોગ્ય પદ્ધતિ દ્વારા નાણાંનો વહીવટ કરવા વિશે જીવનસાથી સાથે કે સંતાનો સાથે વાતચીત કરતા રહેવું એ ખૂબ જ મહત્ત્વનું છે. અમુક લક્ષ્ય અને અપેક્ષા નિશ્ર્ચિત કરવાથી દરેકને કઠિન સમયમાં સહાયતા મળે છે. ખરેખર તો મહિલા હોય કે પુરુષ, દરેકે વહેલાસર આર્થિક આયોજન કરી લેવું જોઈએ, જેથી ઇન્વેસ્ટમેન્ટ તમે નક્કી કરેલી વ્યૂહરચના અનુસારનું બની રહે અને તમને તથા તમારા પરિવારને લાભ અપાવતું રહે.

 

એક ઉદાહરણ લઈએ : જો તમે એક લક્ષ્યનું આયોજન કરો અને તમારા જીવનસાથી બીજા લક્ષ્યનું આયોજન કરે, જેમાં તમે બન્ને એક સાથે માસિક રકમ અલગ અલગ રીતે ફાળવતા રહે. જો તમે જોખમથી દૂર રહેવા માગતા હો તો તમે ઋણ (ડેબ્ટ) સાધનોમાં વધારે રકમ ઇન્વેસ્ટ કરી શકો, જ્યારે તમારાં જીવનસાથી ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરે. આ રીતે તમે એક પરિવાર તરીકે નાણાંની જુદી-જુદી રીતે ફાળવણી કરી શકો છો, જેને બૅલેન્સ નીતિ પણ કહી શકાય, અહીં એક જોખમથી દૂર રહે છે અને એક જોખમ ઉપાડે છે. આ નીતિ રીતિ  પરસ્પર સમજૂતી સાથે   થાય એ જરૂરી છે.

 

મહિલાએ કઈ વાતથી સાવધ રહેવું?

 

એકલી રહેતી મહિલાઓને એમનાં આર્થિક આયોજન માટે વધારે સતર્ક રહેવું પડે. અત્યારના સમયમાં સોશ્યલ મીડિયા કે અન્ય માધ્યમો મારફત રોકાણ સલાહકારી સેવા મોટેપાયે ઉપલબ્ધ થાય છે, પરંતુ તેમાંથી પ્રમાણિક સલાહને પસંદ કરવાનું કપરું હોય છે. મહિલા બીજાઓ પર વિશ્ર્વાસ જલદી કરી લેતી હોય છે, જેમ તેમનામાં કરકસરનો સારો ગુણ હોય છે તો લોભમાં ફસાઈ જવાની નબળાઈ પણ છે.  

 

 મહિલાની આવી સાઇકૉલૉજીને ધ્યાનમાં રાખી લેભાગુઓ વિવિધ યોજનાઓ ઑફર કરતા હોય છે, જેમાં મોટાં અને ખોટાં વચનો આપી ફસાવાની ચાલ હોય છે. 

 

ફાઇનાન્સિયલ ઇન્ફ્લ્યુઅર્ન્સસની દુકાનો ખૂલતી જ જાય છે, જેમાં વળી મહિલા ફાઇનાન્સિયલ ઇન્ફલ્યુઅન્સસર્ર્ પણ મેદાનમાં આવતી જાય છે, જે મહિલાને ઝડપી આકર્ષી લે છે. અહી સવાલ મહિલાનો નથી, પણ આંધળો વિશ્ર્વાસ કોઈના પર પણ કરાય નહીં.

 

શીખવા-સમજવાની તૈયારી રાખો

 

બીજી બાજુ એવું પણ જોવામાં આવે છે કે મહિલા પરિવારની જવાબદારી, સંતાનોના ઉછેર-શિક્ષણ, (પોતે નોકરી કરતી હોય કે પ્રોફેશનલ અથવા હાઉસવાઇફ હોય તો પણ) પોતાના શોખ, સપનાં, લક્ષ્યને સાથે રાખી જીવતી હોય છે, પણ તેને પામવા કે પૂરાં કરવા વધુ સંઘર્ષમાં રહે છે, કારણ કે આર્થિક બાબતમાં મોટાભાગની મહિલા  ‘આ  તેને નહીં ફાવે... આ તેનું કામ નહી’ જેવો સંદેહ ધરાવતી હોવાથી આર્થિક બાબતમાં દરમિયાનગીરી કરવાનો કે નિર્ણય લેવાનું-સમજવાનું પણ ટાળે છે. આ કારણે પણ તેને અને પરિવારને નુકસાન થઈ શકે છે.

 

બીજી  તરફ, વેકેશનની મજા માણવાની વાત હોય કે કોઈ ઘર ખરીદવાની વાત હોય કે નિવૃત્તિ લેવાની હોય તો  શરૂઆત ઇક્વિટીઝમાં નાના રોકાણથી કરો, જેમાં સમજણનો અભાવ હોય કે રિસ્ક લેવાની માનસિકતા ન હોય તો ફશ માર્ગે રોકાણ કરી શકો, જે નાની રકમ સાથે શિસ્તબદ્ધ રોકાણનો બહેતર વિકલ્પ છે. 

 

અત્યારના સમયમાં આ સૌથી ઉત્તમ વિકલ્પ છે. નાની રકમ સાથે જુદા જુદા ફંડ્સમાં રોકાણ કરો, જેથી કયા ફંડની કામગીરીનો અંદાજ મળે તેમ રોકાણને વાળી શકાય. આ તમામ બાબત સાચી સલાહ અને આયોજન માગી લે છે, જેથી મહિલા રોકાણકાર પોતાના સાચા સલાહકાર સાથે મસલત કરી આગળ વધે એ બહેતર છે.