Sun Jul 26 2026

Logo

મહિલાઓ માટે બચત-રોકાણનું મહત્ત્વ શા માટે વધી રહ્યું છે?

2026-07-26 09:09:00
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

આપણા દેશમાં હવે ઝડપી ગતિએ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે. શહેરોની મહિલાઓની જેમ હવે આ મામલે ગ્રામ્ય મહિલાઓ પણ પાછળ નથી રહી

 

જયેશ ચિતલિયા

 

 ઇતિહાસ કહે છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ જોખમોને વધારે સારી રીતે ટાળી શકતી હોય છે. તેથી તે નાણાં ઇન્વેસ્ટ કરવામાં પણ જોખમ લેવાનું ટાળતી હોય છે.

 

આ વાત સારી છે કે ખરાબ? એ બંને છે. એનો આધાર મહિલા આ જોખમને કેવી રીતે ટાળે છે આમ તો સ્ત્રી ઇન્વેસ્ટમેન્ટની બાબતોને સમજવામાં સંકોચ અનુભવતી હોય છે, પરંતુ જોખમોથી બચવાનો એમનો કુદરતી સ્વભાવ હોય છે.

 

દંપતી તરીકે તમે તમારાં નાણાંનો વહીવટ કરો એ વાત સારી કહેવાય. એક પરિસ્થિતિની કલ્પના કરો :  એક પતિ ખૂબ ઉત્સાહી ઇન્વેસ્ટર છે, જ્યારે પત્ની જોખમોને ટાળવાનું પસંદ કરતી હોય છે. આને કારણે પૉર્ટફોલિયોે સંતુલિત થાય છે. 

 

જોકે અમુક રીતે આ અભિગમ મહિલાઓની વિરુદ્ધમાં જઈ શકે છે, કારણ કે તે ફિક્સ્ડ ડિપોઝિટ્સ વગેરે જેવાં માત્ર ઋણ સાધનોનાં રોકાણોને જ વળગી રહેતી હોય છે. પરિણામે એમનો ફાઇનાન્શિયલ પૉર્ટફોલિયોે નીચો રહે છે.

 

મહિલાની જવાબદારી

 

બે દાયકા પહેલાંની સરખામણીમાં આજના સમયમાં વધારે સંખ્યામાં સ્ત્રીઓ જૉબ કે  બિઝનેસ કરી રહી છે અને એ પહેલાં કરતાં વધારે કમાતી થઈ છે. બીજી તરફ, આપણા  કાયદાઓમાં સુધારાને કારણે મહિલાઓને પણ પેરેન્ટ્સની મિલકતમાં પુરુષો જેટલો જ સમાન હક્ક પ્રાપ્ત થયો છે. તેથી વધુ ને વધુ મહિલાઓને પૈતૃક સંપત્તિ વારસામાં મળવા લાગી છે, પરંતુ એમને આ સંપત્તિનો વહીવટ કેવી રીતે કરવો એની સમજ હોતી નથી અથવા   મર્યાદિત હોય છે. પતિનું નિધન થવાથી કે છૂટાછેડા લેવાથી કે એકલા રહેવાનું પસંદ કરવા જેવી પ્રતિકૂળ પરિસ્થિતિને સંભાળવાની પણ જરૂર રહેતી હોય છે. એમના પર પરિવારની જવાબદારી પણ હોય છે.  

 

આ બધા વચ્ચે પુરુષની સરખામણીમાં મહિલાનું આયુષ્ય વધારે રહેતું હોય છે, જેથી એમણે આર્થિક બાબતોમાં વધુ ને વધુ શિક્ષિત રહેવું જરૂરી છે. 

 

કેટલાક વિચારવા જેવા સવાલ

 

પતિ-પત્ની ભવિષ્યનું સાથે મળીને આયોજન કરે છે ત્યારે એમણે શું ધ્યાનમાં રાખવું એ કેટલાક સાદા સવાલોથી સમજીએ.

 

- તમારે મન પૈસા એટલે શું? એનું મહત્ત્વ કેટલું? પત્ની કમાવાનું બંધ કરી દે તો શું થાય? પતિ કમાવાનું બંધ કરી દે તો શું થાય? શું તમારું કોઈ બજેટ છે? શું તમે બજેટને વળગી રહેશો? તમારાં લક્ષ્ય કેવાં હશે? જોખમ વિશે તમારુંં શું માનવું છે? ધારો કે કોઈ એક જણ પૈસા ગુમાવી દે તો શું થાય? ધારો કે કોઈ એકને કંઈ થઈ જાય તો શું થાય?

 

જિંદગીના વિવિધ તબક્કાને આધારે મહિલાઓ માટે આવા સવાલોનું મહત્ત્વ વધુ હોય છે. પરિવારની આર્થિક સલામતી જળવાય એ જોવાની એમની પણ જવાબદારી હોય છે, પછી તે કમાતી હોય કે ગૃહિણી હોય. તમારું લક્ષ્ય નક્કી કરવા માટે સાથે બેસીને નિર્ણયો લેવા એ બહુ જ સારી બાબત કહેવાય અને વાતચીત કરતા રહેવાથી તમારી સફર સરળતાપૂર્વક આગળ વધતી રહેશે. યોગ્ય અપેક્ષાઓ નિશ્ર્ચિત કરવા માટે લક્ષ્યો સમાન હોય અને નાણાંના સંચાલન વિશેની વાતચીત થતી રહે એ બહુ જ મહત્ત્વનું  છે.

 

કઈ બાબત ધ્યાનમાં રાખવી?

 

દંપતી તરીકે નાણાંનો વધારે સારી રીતે વહીવટ કરવા માટે તમે આ વાત અપનાવી શકો છો. એટલું ધ્યાન રાખવું કે તમારે કેટલો ખર્ચ કરવો છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. 

 

લાઇફ પાર્ટનર હોય એ તો બહુ સારી વાત કહેવાય, પરંતુ તમારે સ્વતંત્ર બનવાની પણ જરૂર છે. ક્યારેક તમે કોઈને પણ પૂછવાની જરૂર વગર તમારી મરજી મુજબ ખર્ચ કરી શકો છો. તેથી તમારા એકાઉન્ટમાં થોડાક પૈસા અલગ સાચવી રાખવા જોઈએ અને જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે સ્વયંને માટે કે સંતાનો માટે કે માતાપિતા માટે, ક્યાંક ફરવા જવાના ખર્ચ માટે. એમ કરતી વખતે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે આયોજનપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરો. એક સમયે તમારી આવક ચાલુ હોય, પણ ધારો કે અણધારી ઘટનાઓને લીધે આવક બંધ થઈ જાય તો તમે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય એ તમારી જરૂરિયાતોને પહોંચી વળે એટલા હોવા જોઈએ. એટલા માટે જ એનું વ્યવસ્થિત પ્લાનિંગ અને મૅનેજમેન્ટ મહત્ત્વનાં બને છે. આ વિષયમાં વધુ વિગતવાર વાત ફરી ક્યારેક કરીશું.