Wed Aug 19 2026

Logo

'ગજની' ફેમ એક્ટરનું પ્રદીપ રાવતનું નિધન! બ્લડ કેન્સરના આ ૮ લક્ષણોને ભૂલથી પણ ન કરો ઈગ્નોર...

2026-08-05 17:07:52
Author: Darshana Visaria
Article Image

'ગજની', 'લગાન' અને 'મહાભારત' જેવી સુપરહિટ ફિલ્મો અને ટીવી સીરિયલોમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતનારા પ્રખ્યાત બોલીવૂડ એક્ટર પ્રદીપ રાવતનું ચોથી ઓગસ્ટના રોજ 74 વર્ષની વયે નિધન થતાં ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રદીપ લાંબા સમયથી બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝૂઝી રહ્યા હતા. તાજેતરમાં તેમની બીમારી ઉથલો મારતા તબિયત લથડી હતી અને મંગળવારે સાંજે મુંબઈ નજીક આવેલા ભિવંડીની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે. ઈન્ડિયન ફિલ્મ અને મનોરંજન જગતમાં તેમનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. તેમણે હિન્દી ફિલ્મો સિવાય તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી સાઉથની ફિલ્મોમાં પણ વિલનના પાત્રો ભજવીને પોતાની ખાસ ઓળખ બનાવી હતી. પરંતુ શું તમે જાણો છો કે બોલીવૂડમાં સફળતા મળવા છતાં તેમણે સાઉથ સિનેમા તરફ કેમ પ્રયાણ કર્યું હતું?

પ્રદીપ રાવતે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત આઈકોનિક ટેલિવિઝન સિરિયલ 'મહાભારત' માં અશ્વત્થામાના દમદાર પાત્રથી કરી હતી. આ રોલથી તેમને ઘર-ઘરમાં ઓળખ મળી. ત્યારબાદ તેમણે બોલિવૂડની 'સરફરોશ', 'લગાન' અને 'ગજની' જેવી ઘણી હિટ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું. 

હિન્દી ફિલ્મોમાં કામ કર્યા બાદ પ્રદીપ રાવતે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કદમ મૂક્યો હતો. સાઉથમાં તેમનો પહેલો મોટો અને અગત્યનો બ્રેક દિગ્ગજ ફિલ્મ મેકર એસ.એસ. રાજામૌલી (S.S. Rajamouli)ની 2004માં આવેલી તેલુગુ ફિલ્મ 'સ્યે' (Sye)માં મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે 'ભિક્ષુ યાદવ' નું ભયાનક વિલનનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકો અને વિવેચકો દ્વારા ભારે પ્રતિસાદ મળ્યો હતો અને આ રોલ માટે તેમને એવોર્ડ પણ મળ્યો હતો.

બ્લડ કેન્સરને સૌથી ખતરનાક રોગોમાંથી એક માનવામાં આવે છે. દિલ્હીની બીએલકે મેક્સ હોસ્પિટલના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ગરિમા સિંહ ના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે બ્લડ કેન્સરથી ૭૦,૦૦૦ થી વધુ લોકો પોતાના જીવ ગુમાવે છે અને ૧ લાખથી વધુ નવા કેસ સામે આવે છે. આ બીમારી વિશે જાગરૂકતા અને સમયસર નિદાન જ બચાવનો એકમાત્ર ઉપાય છે.

બ્લડ કેન્સર શું છે અને તેના મુખ્ય ૩ પ્રકારો
ડો. ગરિમા સિંહ અનુસાર, બ્લડ કેન્સર એવા રોગોનો સમૂહ છે જે લોહી, બોન મેરો અને લસિકા તંત્રને પ્રભાવિત કરે છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે:
લ્યુકેમિયા
લિંફોમા
મલ્ટીપલ માયલોમા
ભારતમાં બાળકો અને યુવાનોમાં પણ આ બીમારી જોવા મળે છે. કેટલાક બ્લડ કેન્સર ધીમે ધીમે વધે છે જ્યારે કેટલાક અત્યંત આક્રમક હોય છે જેને ત્વરિત ઈલાજની જરૂર પડે છે.

બ્લડ કેન્સરના મુખ્ય લક્ષણો
વાત કરીએ બ્લડ કેન્સરના પ્રમુખ લક્ષણો વિશે તો શરૂઆતમાં લોકો આ લક્ષણોને સામાન્ય બીમારી સમજીને અણગણતા હોય છે, પરંતુ નીચે મુજબના લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ-
સતત તાવ રહેવો અને મટવો નહીં
કોઈ પણ કારણ વગર અચાનક વજન ઘટવું
સતત અને ભારે થાક અનુભવાવો
વારંવાર ઈન્ફેક્શન (સંક્રમણ) થવું
રાત્રે પુષ્કળ પરસેવો થવો
ગળા કે બગલના ભાગે લિમ્ફ નોડ્સમાં સોજો આવવો
શરીરે સામાન્ય વાગવાથી પણ સરળતાથી ચામડી પર કાળી-નીલી ચોટ પડવી કે લોહી વહેવું
હાડકામાં દુખાવો કે અશક્તિ અનુભવાવી

બ્લડ કેન્સર થવાના મુખ્ય જોખમી પરિબળો:
બ્લડ કેન્સરનું કોઈ એક ચોક્કસ કારણ નથી, પરંતુ વધતી ઉંમર, આનુવંશિક વિકાર (Genetic Disorders), અગાઉ લીધેલી કેમોથેરાપી કે રેડિયેશન, ધૂમ્રપાન (Smoking) અને બેન્ઝીન જેવા રસાયણોના સંપર્કમાં આવવાથી તેનું જોખમ વધી જાય છે.