જીન્સ એ આજના સમયમાં દરેક વ્યક્તિના વોર્ડરોબનો એક અનિવાર્ય અને દૂર ના કરી શકાય એવો હિસ્સો બની ગઈ છે. ઓફિસ જવાની વાત હોય કે કોઈ પાર્ટી હોય કે કેઝ્યુઅલ આઉટિંગ... આપણામાંથી અનેક લોકોની પહેલી પસંદ હોય છે જીન્સ. હવે જો તમે પણ જીન્સ પહેરતાં હોવ તો તમને ખ્યાલ હશે કે જીન્સની જમણી બાજુએ આપેલા મોટા ખિસ્સાની અંદર એક નાનકડું ખિસ્સું ચોક્કસ જ જોયું હશે. આ ખિસ્સાને કોઈન્સ કે પછી બીજી કોઈ મહત્ત્વની ટચુકડી વસ્તુ રાખવા માટે બનાવવામાં આવ્યું હશે એવી આપણી સર્વસામાન્ય સમજ હશે. પરંતુ હકીકત આના કરતાં એકદમ અલગ છે. આજે આ સ્ટોરીમાં અમે તમને આ ટચુકડી પોકેટનું બિગ સિક્રેટ જણાવવા જઈ રહ્યા છીએ...
તમને જાણીને નવાઈ લાગશે જીન્સમાં જમણાં ખિસ્સાની ઉપર જોવા મળતું આ નાનકડું પોકેટ એ કોઈ ડિઝાઇન કે સિક્કા રાખવા માટે નથી બનાવવામાં આવ્યું? તેની પાછળ 150 વર્ષ કરતાં પણ જૂનો ઇતિહાસ અને એક ચોક્કસ ટેકનિકલ કારણ છુપાયેલું છે. જી હા એકદમ સાચું વાંચ્યુ તમે.
જીન્સના પોકેટમાં નાના ખિસ્સાને ઓફિશિયલ ભાષામાં 'વોચ પોકેટ' કહેવામાં આવે છે. જીન્સ બનાવનારી દુનિયાની સૌથી જૂની અને પ્રખ્યાત કંપનીના ઓફિશિયલ બ્લોગ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ખિસ્સાની શરૂઆત 1879માં એટલે કે આજથી આશરે 150 વર્ષ પહેલાં થઈ હતી.
એ જમાનામાં કાઉબોય એટલે ગાયો ચરાવનારા, હોર્સ રાઈડર્સ, રેલવેમાં કામ કરતા મજૂરો અને ખાણકામ કરતા મજૂરો મોટાભાગે ડેનિમ એટલે કે જીન્સ પહેરતા હતા. એ સમયે આજના જેવી કાંડા ઘડિયાળનો જમાનો નહોતો, પરંતુ સાંકળવાળી ગોળ ઘડિયાળ એટલે કે 'પોકેટ વોચ'નો ભારે ટ્રેન્ડ હતો. કાઉબોય અને મજૂરો કામ કરતી વખતે અથવા ઘોડેસવારી કરતી વખતે પોતાની કિંમતી પોકેટ વોચને શર્ટના ખિસ્સામાં કે જીન્સના મોટા ખિસ્સામાં રાખતા હતા. પરંતુ સતત હલચલ થવાના કારણે ઘડિયાળ વારંવાર નીચે પડીને તૂટી જતી હતી અથવા તેના કાંચ પર સ્ક્રેચ પડી જતા હતા.
મજુરોની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જીન્સ પેન્ટ બનાવતી કંપનીએ જીન્સના આગળના મોટા ખિસ્સાની અંદર એક નાનું, ચુસ્ત ખિસ્સું બનાવ્યું, જેમાં પોકેટ વોચ બરાબર ફિટ થઈ જાય અને ઘોડેસવારી કરતી વખતે કે ભારે કામ કરતી વખતે પણ બહાર ન પડે. આ ખિસ્સાના કારણે ઘડિયાળ એકદમ સુરક્ષિત રહેતી હતી.
જ્યારે કંપનીએ જીન્સના પેટન્ટ અધિકારો મેળવ્યા, ત્યારે આ 'વોચ પોકેટ' તેનો એક મુખ્ય હિસ્સો હતો. સમય બદલાયો, પોકેટ વોચની જગ્યાએ પહેલા કાંડા ઘડિયાળ આવી અને હવે સ્માર્ટવોચ અને મોબાઈલ ફોન આવી ગયા છે. પરંતુ જીન્સની આ ઓરિજિનલ ડિઝાઇન અને તેની લોકપ્રિયતાને જાળવી રાખવા માટે દુનિયાભરની તમામ બ્રાન્ડ્સે આ નાના ખિસ્સાને આજે પણ હટાવ્યું નથી. આજે પણ તે જીન્સની 'ક્લાસિક લુક' ઓળખ માનવામાં આવે છે.
છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.