Wed Aug 19 2026

Logo

કોણ છે પ્રોફેસર તારિક મંસૂર? AMUના પૂર્વ વાઇસ ચાન્સેલર કે જેમને ભાજપે ફરી સોંપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની કમાન

2026-08-17 17:38:46
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા આગામી સમયની રાજકીય રણનીતિઓને ધ્યાનમાં રાખીને નવી રાષ્ટ્રીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં ઉત્તર પ્રદેશના અનેક મહત્વના નેતાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, જેમાં બે જૂના ચહેરાઓને પુનરાવર્તિત કરાયા છે. 

આ યાદીમાં સૌથી મહત્વનું નામ પ્રોફેસર તારિક મંસૂરનું છે, જેમને વર્ષ 2023 બાદ ફરી એકવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય (MLC) પ્રોફેસર મંસૂર ભાજપ સંગઠનમાં એક મહત્વપૂર્ણ બૌદ્ધિક ચહેરો માનવામાં આવી રહ્યા છે. 

પ્રોફેસર તારિક મંસૂર લાંબા સમયથી ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેઓ વર્ષ 2017થી 2023 દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન એએમયુના શતાબ્દી મહોત્સવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. 

આ ઉપરાંત 2019માં CAA અને NRC આંદોલન સમયે તેમણે પરિસ્થિતિ સંભાળવા કેમ્પસમાં પોલીસ ફોર્સ બોલાવી હતી, જે AMUના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું. તેમના પરિવાર સાથે સંઘના સંબંધો એટલા નિકટ છે કે તેમના પુત્રના લગ્નમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ ખાસ હાજરી આપી હતી.

સામાજિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો ડૉ. તારિક મંસૂર મુસ્લિમ સમુદાયની કુરેશી સમુદાયમાંથી આવે છે, જેને મુસ્લિમ સમાજમાં પછાત એટલે કે 'પસમાંદા' વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ, અલીગઢમાં સર્જરી વિભાગના પ્રોફેસર રહી ચૂક્યા છે. 
આ સાથે તેઓ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય, IIM લખનઉના બોર્ડ ઓફ ગવર્નર્સ અને વર્ષ 2023માં પદ્મ પુરસ્કાર સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. શિક્ષણ મંત્રાલયની લઘુમતી શિક્ષણ માટેની રાષ્ટ્રીય મોનિટરિંગ કમિટીમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

ભાજપ દ્વારા પ્રોફેસર તારિક મંસૂરને રાષ્ટ્રીય સંગઠનમાં ફરી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાની પાછળ પાર્ટીની એક સ્પષ્ટ રણનીતિ હોવાનું દેખાય રહ્યું છે. ભાજપ છેલ્લા કેટલાક સમયથી પ્રબુદ્ધ અને પસમાંદા મુસ્લિમ વર્ગને પક્ષ સાથે જોડવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યો છે. એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના પૂર્વ કુલપતિ અને તબીબી ક્ષેત્રના વિદ્વાનને કેન્દ્રીય ટીમમાં ઉચ્ચ સ્થાન આપીને પાર્ટીએ મુસ્લિમ સમુદાયમાં પોતાની સ્વીકાર્યતા અને વિશ્વસનીયતા વધારવાની દિશામાં પગલું ભર્યું છે.