Mon Sep 07 2026

Logo

વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ, હુમલાખોરનું મોત, સામે આવી તસવીર

Washington DC   2026-05-24 08:15:00
Author: Mumbai Samachar Team
વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ, હુમલાખોરનું મોત, સામે આવી તસવીર

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં શનિવારે સાંજે એ સમયે દોડધામ મચી ગઈ જ્યારે વ્હાઇટ હાઉસ નજીક અચાનક ગોળીબાર થવા લાગ્યો. સાંજે લગભગ 6 વાગ્યે 17 સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ વિસ્તારમાં તૈનાત સુરક્ષા એજન્સીઓને પહેલા તો એવું લાગ્યું કે કદાચ કોઈ સામાન્ય વિવાદ થયો છે, પરંતુ થોડી જ સેકન્ડોમાં મામલો ગંભીર બની ગયો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ બેગ લઈને સિક્રેટ સર્વિસ ચેકપોઇન્ટ તરફ આગળ વધ્યો. ત્યાં હાજર અધિકારીઓ કંઈ સમજે તે પહેલાં જ તેણે બેગમાંથી પિસ્તોલ કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળીબાર થતાં જ નાસભાગ મચી ગઈ અને સુરક્ષાકર્મીઓએ તરત જ મોરચો સંભાળી લીધો.

હુમલાખોર ગોળી વાગવાથી ઘાયલ, હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત

સિક્રેટ સર્વિસના એજન્ટોએ જવાબી કાર્યવાહી કરતા હુમલાખોર પર ગોળીઓ ચલાવી. ગોળીબારમાં હુમલાખોર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું. પછીથી તેની ઓળખ 21 વર્ષીય નસીરે બેસ્ટ તરીકે થઈ હતી, જે મેરીલેન્ડનો રહેવાસી હતો.

ગોળીબાર દરમિયાન એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો હતો. જો કે, અધિકારીઓએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે તેને હુમલાખોરની ગોળી વાગી હતી કે પછી જવાબી કાર્યવાહી દરમિયાન તે ઘાયલ થયો હતો. સાવચેતીના ભાગરૂપે સિક્રેટ સર્વિસના એક એજન્ટને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર હતા

ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા. સુરક્ષા એજન્સીઓએ તરત જ સમગ્ર વિસ્તારમાં લોકડાઉન કરી દીધું હતું. જો કે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હુમલાખોર વ્હાઇટ હાઉસની બાઉન્ડ્રી સુધી પહોંચી શક્યો ન હતો અને ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા.

સુરક્ષા એજન્સીઓની રડારમાં હતો હુમલાખોર

તપાસમાં સામે આવ્યું છે કે નસીરે બેસ્ટ પહેલાં પણ કેટલીય વાર સુરક્ષા એજન્સીઓની નજરમાં આવી ચૂક્યો હતો. અહેવાલો અનુસાર, જૂન 2025માં સિક્રેટ સર્વિસના એજન્ટોને ધમકી આપવાના આરોપસર તેની અટકાયત કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ યુવક માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી પીડાતો હતો.