Sun Jul 26 2026

Logo

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ શું બોલ્યા સ્પીકર ઓમ બિરલા?

2026-03-12 13:27:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ સ્પીકર ઓમ બિરલા પ્રથમ વખત ગૃહમાં આવ્યા અને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે. વિપક્ષના નેતાને પણ ક્યારેય બોલતા રોકવામાં આવ્યા નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, સંસદના નિયમો સર્વોપરી છે અને કોઈપણ વ્યક્તિ નિયમથી ઉપર નથી. પીએમ પણ ગૃહમાં બોલતા પહેલા નોટિસ આપે છે.  

ઓમ બિરલાએ કહ્યું, તમામ સભ્યોના વિચાર અને ચિંતા સામે આવી શકે તે માટે ગૃહમાં ગત બે દિવસમાં 12 કલાક જેટલી ચર્ચા થઈ.આ ગૃહ 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.  હું ઓછું બોલતા સાંસદોને બોલવા માટે પ્રેરિત કરતો રહ્યો છું. કારણકે બોલવાથી લોકતંત્રનો સંકલ્પ મજબૂત થાય છે.

તેમણે કહ્યું કે, કેટલાક લોકો માને છે કે ગૃહના નેતા દરેક નિયમથી ઉપર છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, આવો કોઈ નિયમ નથી. આ નિયમ મને વારસામાં મળ્યા છે અને તેનું પાલન કરવું ફરજિયાત છે. પછી ભલે તે વડા પ્રધાન કેમ ન હોય, નિયમ 372 અંતર્ગત તેમણે પણ અધ્યક્ષની મંજૂરી લેવી ફરજિયાત છે. તેમણે કહ્યું કે, ચર્ચા દરમિયા કેટલાક લોકોએ માઈક બંધ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચેર પાસે માઈક બંધ કરવાનું બટન નથી હોતું. વિપક્ષમાંથી અનેક લોકો આ ચેર પર બેઠા છે, તેમને આ અંગે ખબર હશે.

આ ઉપરાંત ઓમ બિરલાએ જણાવ્યું હતું કે મહિલા સભ્યોને ઓછી તક આપવામાં આવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ મને એ વાતનો ગર્વ છે કે મારા કાર્યકાળ દરમિયાન તમામ મહિલા સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. બજેટ પરની ચર્ચા દરમિયાન કેટલીક મહિલા સભ્યોએ ટ્રેઝરી બેન્ચ તરફ જઈને સૂત્રોચ્ચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ એક અણધારી ઘટના હતી, તેથી મેં ગૃહમાં સત્તા પક્ષના નેતાને ગૃહમાં ન આવવા વિનંતી કરી હતી. મારો પ્રયાસ રહે છે કે ભલે મોડી રાત સુધી બેસવું પડે, પરંતુ હું દરેકના બોલ્યા પછી જ ગૃહમાંથી જાઉં છું. મને ખુશી છે કે જે કોઈ પણ ગૃહમાં બોલવા માંગતું હતું, તેમને મેં એક વર્ષની અંદર જ બોલવાની તક આપી છે.

બિરલાએ કહ્યું કે, 10 ફેબ્રુઆરી 2026ના રોજ વિપક્ષના કેટલાક સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. બંધારણ દ્વારા સ્થાપિત લોકતંત્રની આ પરંપરામાં મને અતૂટ વિશ્વાસ છે. બિરલાએ કહ્યું કે, વિપક્ષના આ પ્રસ્તાવને સ્વીકારીને હું  બે દિવસ ગૃહની કાર્યવાહીથી દૂર રહ્યો હતો.