Sun May 17 2026

Logo

વેકેશનમાં રાજસ્થાન-દિલ્હી ફરવાનો વિચાર છે? તો જાણી લો નવી ટ્રેનનું ટાઈમટેબલ અને રૂટ!

2026-05-16 17:21:51
Author: Devayat Khatana
Article Image

ભાવનગર/અમદાવાદ: હાલ વેકેશનની સીઝનમાં ટ્રેનની કન્ફર્મ ટિકિટ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેટલું જ અઘરું છે. જો કે પશ્ચિમ રેલવેની એક જાહેરાતથી રાજસ્થાન કે દિલ્હી ફરવા જવાનું વિચારી રહેલા ગુજરાતીઓને કન્ફર્મ ટિકિટનું ટેન્શન થોડું હળવું થઈ શકે છે. વેકેશનની સીઝન દરમિયાન મુસાફરોની માંગને ધ્યાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાં દ્વારા ગુજરાતથી આબુ રોડ તેમજ દિલ્હીને જોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
રેલવેના જણાવ્યા અનુસાર, વેકેશનની સીઝન દરમિયાન મુસાફરોની માંગને ધ્યાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી એક મહત્વપૂર્ણ વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ભાવનગર ટર્મિનસ અને શકૂર બસ્તી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 29 મે થી 26 જૂન સુધી દર શુક્રવારે ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચાલશે. 

રેલવે દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, ટ્રેન નંબર 09257 ભાવનગર ટર્મિનસ-શરૂર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 29 મે, 2026 થી 26 જૂન, 2026 સુધી દર શુક્રવારે ભાવનગર ટર્મિનસથી બપોરે 14:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે શનિવારે સવારે 10:55 કલાકે શકૂર બસ્તી પહોંચશે. ટ્રેન નંબર 09258 શકુર બસ્તી-ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 30 મે, 2026 થી 27 જૂન, 2026 સુધી દર શનિવારે શકૂર બસ્તીથી બપોરે 13:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે સવારે 08:50 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

બંને દિશામાં આ ટ્રેન  ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ, ચાંદખેડા રોડ, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, અજમેર જંક્શન, કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી જંક્શન, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ. સ્ટેશનો પર રોકાશે. 

આ વિશેષ ટ્રેનમાં દ્વિતીય શ્રેણી, શયનયાન, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી તથા સેકન્ડ એસી શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 09257 માટે ટિકિટોની બુકિંગ 17 મે, 2026 (રવિવાર) થી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે તેમ રેલવેએ જણાવ્યું હતું.