કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સીએમ સુવેન્દુ અધિકારી દ્વારા રાજ્યમાં કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યના 232 ગેરકાયદે મદરેસાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 100 મદરેશાને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
22 જિલ્લાઓની તપાસ કરવામાં આવી હતી
આ અંગે સરકારના લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ મંત્રી ખુદીરામ ટુડુએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે રાજ્યની મદરેસાઓનું નિરીક્ષણ કર્યું છે. જેમાં 22 જિલ્લાઓ અને કોલકાતાના વિવિધ વિસ્તારોમાં આવેલા મદરેસા પાસેથી સંચાલન, શિક્ષકો, વિદ્યાર્થીઓ, માળખાગત સુવિધાઓ અને ભંડોળના સ્ત્રોતો અંગેની વિસ્તૃત માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
2132 મદરેસા માન્ય મંજૂરી સાથે કાર્યરત
જ્યાં 2132 મદરેસા માન્ય મંજૂરી સાથે કાર્યરત છે. જ્યારે 2396 મદરેસા કોઈપણ સરકારી બોર્ડ કે સંબંધિત સત્તામંડળની પરવાનગી વિના ચાલી રહ્યા છે.
232 મદરેસાઓને તાત્કાલિક બંધ કરવાના આદેશ
આ અંગે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એકત્રિત કરવામાં આવેલી માહિતીની ચકાસણી કરવા માટે રાજ્યમાંથી એક વિશેષ ટીમ મોકલવામાં આવી હતી. ચકાસણીના પરિણામોના આધારે 232 મદરેસાઓને તાત્કાલિક બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે 100 મદરેસાઓમાં ગંભીર અનિયમિતતાઓ જોવા મળી હતી અને તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
માલદામાં સૌથી વધુ 45 મદરેસા બંધ
મદરેસા શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બંધ થયેલા મદરેસાઓની યાદીમાં માલદા મોખરે છે. જ્યાં લગભગ 45 મદરેસા બંધ થયા છે. ત્યારબાદ ઉત્તર દિનાજપુરનો ક્રમ આવે છે. જ્યાં આશરે 37-38 મદ્રાસાઓ બંધ થયાં છે.
દક્ષિણ 24 પરગણામાં લગભગ 32 મદરેસા બંધ
દક્ષિણ 24 પરગણામાં લગભગ 32 મદરેસા બંધ થયા છે. જ્યારે મુર્શિદાબાદ અને નાદિયામાં પ્રત્યેકમાં આશરે 25 મદરેસા બંધ થયાની નોંધ થઈ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મદરેસાની સ્થળ-તપાસ કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.