Fri Sep 11 2026

Logo

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ કાર્યકરની હત્યા મુદ્દે રાહુલ ગાંધીના મમતા સરકાર પર પ્રહાર

2026-04-26 18:57:27
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ કાર્યકરની હત્યા મુદ્દે રાહુલ ગાંધીના મમતા સરકાર પર પ્રહાર

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં પહેલા ચરણનું મતદાન થઈ ગયું છે. હવે બીજા ચરણના મતદાન માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળના આસનસોલમાં કોંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટર્જીની હત્યાથી રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીએમસી સરકારને ઘેરી છે. તેમણે મમતા સરકારને આતંકવાદનો પર્યાય ગણાવીને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે.

કોંગ્રેસ હિંસક રાજકારણ સામે ક્યારેય નહીં ઝૂકે

રાહુલ ગાંધીએ આ હત્યા અંગે મમતા સરકારને ઘેરી હતી. તેમજ કહ્યું કે બંગાળમાં હવે લોકશાહી નથી પરંતુ તૃણમૂલ દ્વારા આતંકનું શાસન છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ હિંસક રાજકારણ સામે ક્યારેય  નહીં ઝૂકે. 

કોંગ્રેસ ઉમેદવાર પ્રસેનજીત પુઈટંડીના નજીકના સાથી

કોંગ્રેસ કાર્યકરની આસનસોલમાં ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસા દરમિયાન હત્યા કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીનો દાવો છે કે દેબદીપ આસનસોલ ઉત્તરના પાર્ટી ઉમેદવાર પ્રસેનજીત પુઈટંડીના ખૂબ જ નજીકના સાથી હતા. પશ્ચિમ બંગાળ કોંગ્રેસનો આરોપ છે કે શાસક તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોએ દેબદીપ પર જીવલેણ હુમલો કર્યો અને તેના પર નિર્દયતાથી હુમલો કર્યો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેનું મોત નીપજ્યું હતું.

કોંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટરજીની હત્યા ખૂબ જ નિંદનીય

રાહુલ ગાંધીએ એક્સ પર એક પોસ્ટ શેર કરીને  લખ્યું કે, ચૂંટણી પછી ટીએમસી સાથે સંકળાયેલા  ગુંડાઓ દ્વારા કોંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટરજીની હત્યા ખૂબ જ નિંદનીય છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.રાહુલ ગાંધીએ કહ્યું કે  વિરોધીઓને ડરાવવા, ધમકાવવા અને  હત્યા કરવી ટીએમસીનું અસલી ચરિત્ર બની ગયું છે. તેમણે ઉમેર્યું અમારી રાજનીતિ ક્યારેય હિંસા પર આધારિત રહી નથી અને ન હશે. અમે અમારા કાર્યકરો ગુમાવ્યા છે, છતાં અમે હંમેશા અહિંસા અને બંધારણનો માર્ગ પસંદ કર્યો છે. આ અમારી વિરાસત  છે અને સંકલ્પ છે.