Sun Aug 23 2026

Logo

પશ્ચિમ બંગાળના માલદા કાંડની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી

2026-04-02 21:50:40
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના માલદામાં  SIR મુદ્દે  સાત ન્યાયિક અધિકારીઓના ઘેરાવ અને હુમલાની ઘટનાની તપાસ હવે સીબીઆઇ ને સોંપવામાં આવી છે. આ પૂર્વે સુપ્રીમ કોર્ટે આજે આ મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારને કડક ભાષામાં ઠપકો આપ્યો હતો.  સુપ્રીમ કોર્ટે  ચૂંટણી પંચને જરૂર પડે તો તપાસ એજન્સીની પસંદગી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેની બાદ ચૂંટણી પંચે સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો. માલદા કાલિયાચક ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં કુલ 18 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.  જ્યારે બાકીના આરોપીઓની શોધ હજુ પણ ચાલુ છે.

પ્રદર્શનકારીઓએ સાત ન્યાયિક અધિકારીઓને ઘેરી લીધા હતા

આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ બુધવારે  માલદાના કાલિયાચક 2  માં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસની બહાર ભીડ એકત્ર થઈ હતી અને SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામો દૂર કરવા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધીઓએ શરૂઆતમાં ન્યાયિક અધિકારીઓ સાથે મુલાકાત કરવાની માંગ કરી હતી. જોકે, જ્યારે આ માંગણી પૂર્ણ ન થઈ  ત્યારે  પ્રદર્શનકારીઓએ  સાત ન્યાયિક અધિકારીઓને ઘેરી લીધા હતા.

ગુરુવારે સવારે ફરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા

તેની બાદ ગુરુવારે સવારે ફરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જૂના માલદા બ્લોક હેઠળના મંગલબારીમાં સ્થિત નારાયણપુરમાં BSF કેમ્પ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 12 બ્લોક કરવામાં આવ્યો હતો. વિરોધીઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એકઠા થયા હતા અને વાહનોની અવરજવર અટકાવી દીધી હતી. આ વિરોધ માલદાના ઇંગ્લિશ બજાર વિસ્તારમાં જદુપુર ખાતે NH-12 પર થયો હતો.

કોર્ટે અધિકારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય સશસ્ત્ર દળોને તૈનાત કરવાનો આદેશ

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના માલદાના કાલિયાચકમાં SIR મુદ્દે ગ્રામજનોએ ત્રણ મહિલા સહિત સાત ન્યાયિક અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો અને તેમને બંધક બનાવ્યા હતા. જે મુદ્દે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. તેમજ આ ઘટનાને ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવો અને અધિકારીઓનું મનોબળ નીચું કરવાનો  પૂર્વયોજિત, સુનિયોજિત અને પ્રેરિત  પ્રયાસ ગણાવ્યો હતો.આ ઉપરાંત કોર્ટે અધિકારીઓની  સુરક્ષા માટે કેન્દ્રીય સશસ્ત્ર દળોને તૈનાત કરવાનો પણ આદેશ આપ્યો છે.