Fri May 01 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: મતદાર યાદીમાંથી 91 લાખ નામો સાફ!

2026-04-07 11:16:00
Author: Devayat khatana
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદીમાં પંચે મોટી કાર્યવાહી કરતા અંદાજે 91 લાખ જેટલા મતદારોના નામ યાદીમાંથી દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675 મતદારો તપાસના દાયરામાં હતા, જેમાંથી ઝીણવટભરી ચકાસણી બાદ 27,16,393 નામો અયોગ્ય ઠરતા તેને કાઢી નાખવામાં આવ્યા છે. 

આ પૂર્વે અગાઉ ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયેલી યાદી અને હાલની પ્રક્રિયાને ગણતા કુલ બાદ કરાયેલા નામોની સંખ્યા હવે 90,83,345 સુધી પહોંચી ગઈ છે. જિલ્લાવાર આંકડાઓની વાત કરીએ તો, મતદાર યાદીમાંથી સૌથી વધુ નામો મુર્શિદાબાદ જિલ્લામાં દૂર કરવામાં આવ્યા છે, જ્યાં અંદાજે 4.55 લાખ મતદારોને અયોગ્ય જાહેર કરાયા છે. ત્યારબાદ ઉત્તર 24 પરગણામાં 3.25 લાખ, માલદામાં 2.39 લાખ, દક્ષિણ 24 પરગણામાં 2.22 લાખ અને નાદિયામાં 2.08 લાખ જેટલા નામો કાઢી નાખવામાં આવ્યા છે. 

આ ઉપરાંત ઉત્તર દિનાજપુરમાં 1.76 લાખ અને હુગલીમાં 1.20 લાખ જેટલા મતદારોને લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે લિસ્ટને અંતિમ ઓપ આપતા પહેલા દરેક નામની કાયદેસરની સમીક્ષા કરવામાં આવી છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ હેઠળના 60 લાખથી વધુ મતદારોમાંથી 32 લાખથી વધુને યોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીનાને અયોગ્ય ઠેરવાયા છે. 

જો કે હજુ પણ અંદાજે 22,163 મતદારોના કેસ ઉકેલાઈ ગયા છે પરંતુ તેના પર ડિજિટલ હસ્તાક્ષર બાકી હોવાથી આગામી સમયમાં કાઢી નાખવામાં આવેલા નામોની સંખ્યામાં થોડો વધારો થઈ શકે છે. મહત્વની વાત એ છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર જે મતદારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, તેમને આ નિર્ણય સામે ન્યાયિક ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરવાની તક પણ આપવામાં આવશે.