- કે.પી. સિંહ
જલગ્રાહી દેડકાને અંગ્રેજીમાં ‘વૉટર હોલ્ડિંગ ફ્રૉગ’ કહેવામાં આવે છે. આ દેડકાની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ પોતાની ત્વચા દ્વારા ઝડપથી પાણી શોષી શકે છે અને બહાર પણ કાઢી શકે છે. આ જ કારણ છે કે તેઓ આખી જિંદગી પાણી નથી પીતા. દેડકાની શારીરિક રચના એવી હોય છે કે તેમની માંસપેશીઓ અને ત્વચાની વચ્ચે પાણી એકઠું થઈ જાય છે. આ પાણીને આખા શરીરમાં પહોંચાડી શકાય છે. જ્યારે કોઈ દેડકા કે ટોડને દબાવવામાં આવે છે ત્યારે તેની અંદરથી એક પ્રવાહી પદાર્થ નીકળે છે. આ પ્રવાહી પદાર્થ મુખ્યત્વે પાણી જ હોય છે. રણપ્રદેશ અને સૂકા વિસ્તારોમાં રહેતા દેડકા પોતાના શરીરમાં પાણી એકઠું કરી શકે છે, તેથી આ દેડકાઓને જલગ્રાહી દેડકા કહે છે, પરંતુ વાસ્તવિક જલગ્રાહી દેડકો માત્ર ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે. શરીરમાં પાણી ગ્રહણ કરવાની ક્ષમતા વિશ્ર્વના તમામ દેડકાઓ કરતાં વધુ હોય છે. ઑસ્ટ્રેલિયાના જલગ્રાહી દેડકાની પાણી શોષવાની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે આફ્રિકાનો પાણીમાં રહેતો પંજાવાળો દેડકો પોતાના શરીરમાં માત્ર એક ટકા પાણી એકઠું કરી શકે છે, જ્યારે ઑસ્ટ્રેલિયાનો જલગ્રાહી દેડકો પોતાના શરીરમાં 50 ટકા સુધી પાણી એકઠું કરી શકે છે.
જલગ્રાહી દેડકો ઑસ્ટ્રેલિયાનો એક વિશિષ્ટ દેડકો છે. તે દેખાવમાં સામાન્ય દેડકા જેવો નથી દેખાતો, પરંતુ યુરોપના સામાન્ય ટોડ જેવો દેખાય છે. એટલા માટે જ ઑસ્ટ્રેલિયાની બહાર જલગ્રાહી દેડકાને ‘ટોડ’ કહેવામાં આવે છે. જલગ્રાહી દેડકાની અનેક જાતિઓ છે. જલગ્રાહી દેડકો અત્યંત સૂકાં સ્થળોએ રહેનારો દેડકો છે. તે ઉનાળામાં કોઈ ભેજવાળી જગ્યા શોધે છે અને પછી માટીમાં લગભગ ત્રણ ફૂટ ઊંડો ખાડો બનાવે છે. આ જ ખાડામાં તે આખો ઉનાળો પસાર કરે છે. તેની ત્વચા અને આ આવરણની વચ્ચે પાણી એકઠું થતું રહે છે. જલગ્રાહી દેડકાના કોકૂનની એક મુખ્ય વિશેષતા એ છે કે તે દેડકાની આસપાસ ભરેલા પાણીને વરાળ બનીને ઊડી જવા દેતું નથી, જેના કારણે દેડકો ઉનાળામાં પણ ભેજવાળો રહે છે. જલગ્રાહી દેડકો ખાડાની અંદર કંઈ પણ ખાતો-પીતો નથી અને નિષ્ક્રિય પડ્યો રહે છે.
જલગ્રાહી દેડકા માટે વરસાદ નવું જીવન લઈને આવે છે. વરસાદ શરૂ થતાં જ તે પોતાનું કોકૂન છોડીને જમીનની સપાટી પર આવી જાય છે અને પુષ્કળ પ્રમાણમાં કીડા-મકોડા ખાય છે. આ જ સમયે તેની ત્વચા ઘણું પાણી ગ્રહણ કરે છે.
જલગ્રાહી દેડકા એક નાના કદનો અને જાડા શરીરવાળો દેડકો છે. તેની લંબાઈ લગભગ 6 સેન્ટિમીટર જેટલી હોય છે. જલગ્રાહી દેડકાનો રંગ લીલાશ પડતો ગ્રે હોય છે અને તેની પીઠની મધ્યમાં સામાન્ય રીતે એક ઘાટી રેખા હોય છે. જલગ્રાહી દેડકાનું માથું તેના શરીરની સરખામણીમાં નાનું હોય છે. તેના આગળના પગ ખૂબ નાના અને મજબૂત હોય છે તથા પાછળના પગ જાડા હોય છે. જલગ્રાહી દેડકાનું સમાગમ અને પ્રજનન સામાન્ય દેડકાઓની જેમ જ થાય છે. તેમનો મિલનકાળ વરસાદની શરૂઆત સાથે જ શરૂ થઈ જાય છે અને લગભગ એક મહિના સુધી ચાલે છે. જલગ્રાહી દેડકા વરસાદ શરૂ થતાં જ પુષ્કળ પ્રમાણમાં કીડા-મકોડાનો શિકાર કરે છે અને પછી ભારે વરસાદથી બનતાં અસ્થાયી ખાબોચિયાં કે જળાશયોમાં પહોંચી જાય છે તથા ત્યાં મિલન કરે છે. માદા દેડકો પાણીમાં જ ઇંડાં આપે છે.
જલગ્રાહી દેડકાના ઇંડાંમાંથી ટેડપોલ ખૂબ જ ઝડપથી બહાર આવી જાય છે અને ઝડપથી મોટા થાય છે. જલગ્રાહી દેડકાનું ટેડપોલ 15 દિવસની અંદર જ ટેડપોલમાંથી દેડકાનું બચ્ચું બની જાય છે, જ્યારે સામાન્ય દેડકાના ટેડપોલને દેડકાનું બચ્ચું બનવામાં લગભગ અઢી મહિના જેટલો સમય લાગે છે. તેનાં બચ્ચાંઓનો વિકાસ પણ ખૂબ જ તીવ્ર ગતિથી થાય છે. તેઓ ખૂબ વધારે ખોરાક ખાય છે અને ત્વચા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી પોતાના શરીરની અંદર ભરી લે છે.