Sun Aug 30 2026

Logo

અનૈતિક સંબંધની શંકા પરથી પહેલી પત્નીની હત્યા: પતિ અને બીજી પત્નીની ધરપકડ

2026-04-24 20:10:00
Author: Yogesh C. Patel
અનૈતિક સંબંધની શંકા પરથી પહેલી પત્નીની હત્યા: પતિ અને બીજી પત્નીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વિરારમાં નિર્માણાધીન ઈમારતમાંની લેબર રૂમમાં અનૈતિક સંબંધની શંકા પરથી પતિએ બીજી પત્ની સાથે મળીને પહેલી પત્નીની કથિત હત્યા કરી હતી. હત્યા બાદ પરિવાર સાથે ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે નવી મુંબઈના પનવેલ ખાતેથી પકડી પાડ્યા હતા.
બોલિંજ પોલીસે ધરપકડ કરેલાં દંપતીની ઓળખ મુન્ના યાદવ (28) અને તેની બીજી પત્ની મીરા તરીકે થઈ હતી. મુન્નાને તેની પહેલી પત્ની આરતી ઉર્ફે સપનાકુમારી યાદવ (19)ના આડા સંબંધ હોવાની શંકા હતી. શંકાને પગલે તેણે 19 એપ્રિલની રાતે સપનાની મારપીટ કરી હતી અને પછી તેનું માથું દીવાલ સાથે અફાળ્યું હતું. આ હુમલામાં સપનાનું મૃત્યુ થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મુન્ના યાદવ તેની બન્ને પત્ની અને બે સંતાન સાથે વિરારના ગ્લૉબલ સિટી પરિસરમાં નિર્માણાધીન ઈમારતમાં 17 એપ્રિલથી રહેતો હતો. આ ઈમારતમાં મજૂરીકામ કરનારા યાદવના પરિવારને કોન્ટ્રાક્ટરે લેબર રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે 21 એપ્રિલની સવારે યાદવ કે તેની બન્ને પત્નીમાંથી કોઈ પણ કામ પર ન જોડાતાં કોન્ટ્રાક્ટર લેબર રૂમમાં જોવા ગયો હતો. લેબર રૂમમાંથી સપનાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથામાંથી લોહી વહેતું હોવાનું પોલીસને નજરે પડ્યું હતું. પોલીસે ઘટના બાદથી ગુમ યાદવ અને તેની બીજી પત્ની મીરાની શોધ હાથ ધરી હતી.

યાદવનાં કોઈ સગાંસંબંધી મુંબઈમાં ન હોવાથી તેની તાત્કાલિક માહિતી મળી નહોતી. 19 એપ્રિલની રાતે 10 વાગ્યે યાદવને બે સંતાન અને પત્ની સાથે જતો કોઈએ જોયો હતો. પોલીસ ક્ધસ્ટ્રક્શન સાઈટો પર જ આરોપીની શોધ કરી રહી હતી. દરમિયાન પનવેલમાં એક નિર્માણાધીન ઈમારતમાં દંપતી કામ કરતું હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે બન્નેને તાબામાં લીધાં હતાં. શરૂઆતમાં સપના ચોથા માળેથી પડીને મૃત્યુ પામી હોવાનું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું, પરંતુ આકરી પૂછપરછમાં યાદવે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.