Mon Jul 27 2026

Logo

સાસુ-વહુના ઝઘડાના જમાનામાં એક વીડિયો જિતી રહ્યો છે લોકોના દિલ, જોતા જ આંખમાં આવી જશે આંસુ, તમે જોયો કે નહીં...

2026-06-02 15:50:00
Author: Darshana Visaria
Article Image

આપણે અવારનવાર સાસુ-વહુના કજિયા-કંકાસ અને મતભેદ વિશે વાંચ્યું અને સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે વહુએ સાસુને શ્રવણની જેમ માથા પર કાવડમાં બેસાડીને જાત્રા કરાવડાવી હોય. હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં આવું જ જોવા મળી રહ્યું છે. ચાલો તમને જણાવીએ કે શું છે આખી સ્ટોરી અને આ પાછળનું કારણ વિસ્તારથી... 

વાઈરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના બ્રજ ક્ષેત્રનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયોમાં એક પુત્રવધૂએ પોતાની વૃદ્ધ સાસુની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવા માટે એક એવું પ્રશંસનીય કાર્ય કર્યું છે જેની સોશિયલ મીડિયા પર ચોમેર ચર્ચા થઈ રહી છે. બ્રજની પ્રખ્યાત 84 કોસ પરિક્રમા દરમિયાન સામે આવેલો આ નજારો લોકોના દિલને સ્પર્શી ગયો છે, જેમાં વહુએ પોતાની ચાલવા-ફરવામાં અસમર્થ સાસુને એક મોટા પ્લાસ્ટિકના ટબમાં બેસાડ્યા અને તેમને પોતાના માથા પર ઉપાડીને પરિક્રમા માર્ગ પર ચાલવા માંડી હતી.

વાત કરીએ બ્રજ ક્ષેત્રની 84 કોસની પરિક્રમાના મહત્વ વિશે તો આ પરિક્રમાનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે, જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ જોડાઈને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા પવિત્ર સ્થળોના દર્શન કરે છે. આ પરિક્રમા દરમિયાન જ્યારે અન્ય શ્રદ્ધાળુઓએ આ વહુને સાસુને માથા પર ઉપાડીને જતા જોઈ ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

 

મળતી માહિતી અનુસાર આ વૃદ્ધ મહિલાની લાંબા સમયથી ઈચ્છા હતી કે તે જીવનમાં એક વખત 84 કોસની પરિક્રમા કરે, પરંતુ વધતી ઉંમર અને શારીરિક નબળાઈના કારણે તેના માટે આટલું લાંબુ અંતર પગપાળા કાપવું બિલકુલ શક્ય નહોતું. સાસુ અવારનવાર પોતાની આ ઈચ્છા પરિવારના સભ્યો સામે વ્યક્ત કરતી હતી, જે સાંભળીને વહુએ મનોમન નક્કી કરી લીધું કે તે ગમે તે ભોગે પોતાની સાસુમાની આ મનોકામના પૂર્ણ કરશે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વહુ અત્યંત આત્મવિશ્વાસ અને ભક્તિભાવ સાથે પોતાની સાસુને માથા પર ઉપાડીને પરિક્રમા માર્ગ પર સતત આગળ વધી રહી છે. રસ્તામાં હાજર અન્ય મુસાફરો અને સ્થાનિક લોકો આ દ્રશ્ય જોઈને થોડીવાર માટે થંભી જાય છે અને વહુની હિંમત તેમજ સેવાભાવના મુક્ત કંઠે પ્રશંસા કરતા નજરે પડે છે. 

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. સાસુ-વહુના તણાવપૂર્ણ સંબંધોના જમાનામાં આવો નિઃસ્વાર્થ પ્રેમ અને આદરનો નજારો ખૂબ જ દુર્લભ છે, કારણ કે તે વહુ કોઈ પણ પ્રકારની ફરિયાદ કે થાક વિના હસતા મુખે પોતાની સાસુની સેવા કરી રહી હતી.

આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા બાદ યુઝર્સ કમેન્ટ સેક્શનમાં આ વહુ પર પ્રેમ અને આશીર્વાદનો વરસાદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે કે આજની તારીખમાં આવી સંસ્કારી વહુ મળવી એ અશક્ય સમાન છે, તો વળી કેટલાકે કહ્યું કે આ ઘટનાએ સાબિત કર્યું છે કે સંબંધો કાયદાથી નહીં પરંતુ પ્રેમ અને સન્માનથી મજબૂત બને છે. ઈન્ટરનેટ પર લોકો આ વહુની સરખામણી પૌરાણિક પાત્ર શ્રવણ કુમાર સાથે કરી રહ્યા છે, જેણે પોતાના અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવી હતી.