Wed Sep 02 2026

Logo

મણિપુરમાં ફરી હિંસા: રોકેટ હુમલામાં બે માસૂમ બાળકોના મોત, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

2026-04-07 15:33:54
Author: Savan Zalariya
મણિપુરમાં ફરી હિંસા: રોકેટ હુમલામાં બે માસૂમ બાળકોના મોત, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Social Media


ઇમ્ફાલ: ભારતનું ઉત્તરપુર્વીય રાજ્ય મણીપુર છેલ્લા ત્રણ વર્ષથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે, સરકારના તામામ પ્રયસો છતાં સમયાંતરે હિંસા ભડકી ઉઠે છે. આજે બે બાળકોના મોતની ઘટના બાદ ફરી હિંસા ફાટી નીકળી છે. સુરક્ષા કારણોસર મણીપુર સરકારે પાંચ જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓને કામચલાઉ રીતે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

અહેવાલ મુજબ આજે મંગળવારે વહેલી સવારે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં એક ઘર પર શંકાસ્પદ રોકેટ હુમલામાં એક પાંચ મહિનાના શિશુ અને પાંચ વર્ષના બાળકના મોત થતાં, રાજ્યમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે.

મણિપુર સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થોઉબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં તાત્કાલિક અસરથી ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સર્વિસ કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

અહેવાલ મુજબ મંગળવારે સવારે લગભગ 1.03 વાગ્યે શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ એક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક કર્મચારીના ઘર પર રોકેટ વડે હુમલો  કર્યો  હતો, જેમાં એક મહિલા અને બે બાળકોને ઈજા પહોંચી હતી.

હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક ઇમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, પાંચ મહિનાની એક છોકરી અને પાંચ વર્ષના છોકરાને બચાવી ન શકાય, હુમલામાં બંનેની માતાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

દરમિયાન, ઘટના સ્થળેથી બીજો રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) મળી આવ્યો હતો. આ વિસ્તારમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે, જેના કારણે પ્રદેશને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. હુમલાખોરોની  ઓળખ કરવા અને પકડવા નજીકના પહાડી વિસ્તારોમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યો છે.