દિવ્યકાંત પંડ્યા
આજે શાહિદ કપૂર અને તૃપ્તિ ડીમરી સહીત કાસ્ટના મોટા કાફલાવાળી વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ‘ઓ’રોમિયો’ રિલીઝ થઈ રહી છે, પણ ફિલ્મ વિશે વાત કરતાં મોટાભાગે ચર્ચા તેની લવ સ્ટોરી, ટ્રેજેડી અને ટાઇટલ આસપાસ જ ફરી રહી છે. આપણે કંઈક અલગ વાત કરવી છે. આ વાત ફિલ્મ કરતાં વધારે તેના એક્ટર વિશે છે વિક્રાંત મેસી.. કારણ કે જો થોડું પાછળ જઈને તેના કામ પર નજર કરીએ તો એક અજીબ પણ રસપ્રદ વાત સામે આવે છે. વિક્રાંત મેસીની ઘણી મહત્ત્વની ફિલ્મ્સ અને પ્રોજેક્ટ્સ સીધી કે આડકતરી રીતે પુસ્તકો, શોર્ટ સ્ટોરીઝ, નોન-ફિક્શન લખાણ અથવા સાહિત્યિક વિચારમાંથી જન્મેલા છે.
‘ઓ’રોમિયો’ પણ એ જ લાઇનમાં આવે છે. ફિલ્મનું મૂળ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’માં છે. આ પુસ્તકમાં મુંબઈના અંડરવર્લ્ડની કેટલીક વાસ્તવિક મહિલાઓની વાર્તાઓ લખવામાં આવી છે, જે અત્યાર સુધી માત્ર ક્રાઈમ ન્યૂઝ અથવા ગોસિપ તરીકે ઓળખાતી હતી. ફિલ્મ ભલે થોડી સિનેમેટિક બની જાય, પણ એની સ્ટોરી કોઈ કલ્પનામાંથી નથી આવી. એ પહેલેથી લખાયેલી છે, દસ્તાવેજીત છે. અને આવી ફિલ્મમાં વિક્રાંત મેસીનું હોવું હવે એક્સેપ્શન લાગતું નથી, કેમ કે એવું લાગે છે કે એ જાણે એવી સ્ટોરીઝ તરફ જાતે જ ખેંચાતો હોય, જે પહેલાં કાગળ પર જીવતી હતી. આ છે એનાં વધુ દ્રષ્ટાંત....!
વિક્રાંત મેસીની કરિયર શરૂઆતથી જ કોઈ ટિપિકલ બોલિવૂડ સ્ટાર જેવું રહ્યું નથી. વિક્રમાદિત્ય મોટવાણેની ‘લૂટેરા’ જેવી ફિલ્મમાં એની હાજરી નાની હતી, પણ ફિલ્મનો આખો ટોન જ એવો હતો કે જે સાહિત્યથી પ્રેરિત લાગતો હતો. ‘લૂટેરા’ની પ્રેરણાઓ હેનરીની શોર્ટ સ્ટોરી ‘ધ લાસ્ટ લીફ’માંથી લેવામાં આવી હતી. ફિલ્મમાં શબ્દો કરતાં વધુ શાંતિ હતી, વધુ ભાવનાઓ હતી. વિક્રાંત પણ એવા જ વાતાવરણમાં ફિટ થતો હતો.
એ પછી વિક્રાંત અને સાહિત્ય વચ્ચેનો ગાઢ સંબંધ લંબાયો ‘અ ડેથ ઇન ધ ગંજ’થી. આ ફિલ્મ લેખક-પત્રકાર મુકુલ શર્માની લખેલી શોર્ટ સ્ટોરી પરથી બની હતી, જે તેના પોતાના જીવનના અનુભવોથી પ્રેરિત હતી. ફિલ્મમાં વિક્રાંતનું પાત્ર ‘શૂટુ’ એવું નથી જે તમે સામાન્ય હિન્દી ફિલ્મમાં જુઓ. એ ન તો સ્માર્ટ છે, ન તો હીરો જેવો. એ શાંત છે, અણગમતો છે, અને બહુ વખત તો કોઈ ધ્યાન પણ નથી આપતું, પણ એ જ શૂટુ ધીમે ધીમે આખી ફિલ્મનું ભાવનાત્મક કેન્દ્ર બની જાય છે. આ પાત્ર એવું લાગે છે જાણે કોઈ પુસ્તકમાંથી સીધું બહાર આવ્યું હોય. કદાચ આ જ કારણ છે કે આ ફિલ્મ આજે પણ લોકો લિટરરી સિનેમા તરીકે યાદ કરે છે.
આ જ સમયગાળા આસપાસ વિક્રાંત ‘હાફ ગર્લફ્રેન્ડ’માં પણ જોવા મળ્યો. ચેતન ભગતની બેસ્ટસેલર નવલકથા પર આધારિત આ ફિલ્મમાં વિક્રાંત ‘શૈલેશ’નું પાત્ર ભજવે છે. એ પાત્ર મેઈન કેરેક્ટર નથી, પણ વાર્તા માટે મહત્ત્વનું છે. ફિલ્મ ભલે પૂરી રીતે ક્રિટિકલી ન ચાલે, પણ ફરી એકવાર વિક્રાંત એવી સ્ટોરીનો ભાગ હતો, જે પહેલેથી વાચકોના મનમાં જીવતી હતી.
પછી આવી વિક્રાંતની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ- ‘12વિં ફેલ’. અહીં પણ સાહિત્યિક કનેક્શન એકદમ સીધું છે. આ ફિલ્મ અનુરાગ પાઠકની નોન-ફિક્શન પુસ્તક પરથી બની છે, જેમાં મનોજ કુમાર શર્માની સાચી જિંદગીની કહાની લખાઈ છે. અહીં વિક્રાંત કોઈ સ્ટાર નથી. એ એક સામાન્ય છોકરો લાગે છે, જે નિષ્ફળ જાય છે, ફરી ઊભો થાય છે અને ફરી પ્રયત્ન કરે છે.
તાજેતરમાં આવેલી ‘આંખોં કી ગુસ્તાખિયાં’ પણ એ જ પેટર્નને આગળ વધારે છે. આ ફિલ્મ ખ્યાતનામ લેખક રસ્કિન બોન્ડની શોર્ટ સ્ટોરી ‘ધ આઈઝ હેવ ઇટ’ પરથી પ્રેરિત છે. બે અજાણ્યા લોકો વચ્ચે થતી વાતચીત, નજર વગર બનેલો સંબંધ આ બધું પહેલેથી લખાણમાં જીવતું હતું. વિક્રાંત અહીં પણ ફરી એકવાર પાનાંથી પડદા પર પાત્રને લાવવામાં નિમિત્ત બન્યો છે.
આ લાઇનમાં ‘મુસાફિર કેફે’નું નામ પણ ખાસ નોંધવા જેવું છે. હમણાં ‘નેટફ્લિકસે’ 2026ની તેની સ્લેટની જાહેરાત કરી તેમાં આ ફિલ્મ પણ સામેલ છે. આ ફિલ્મ એટલે લેખક દિવ્યપ્રકાશ દુબેની યુવાનોમાં અતિ લોકપ્રિય નવલકથા (આ જ નામ) પરથી બની છે. સુધા અને ચંદરના નવલકથા નાં એ પાત્રોને ટીઝરમાં જોઈને તેના રીડર્સ કમેન્ટ્સ સેક્શનમાં ખાસ્સા એવા ઈમોશનલ બન્યા છે.
આ બધું જોઈને એવું લાગે છે કે વિક્રાંત મેસી કોઈ પ્લાન બનાવીને લિટરરી ફિલ્મ્સ નથી કરતો. બસ, એની પસંદગીઓ એવી છે. એ એવી સ્ટોરીઝમાં વિશ્વાસ રાખે છે, જે લખાણમાંથી આવે છે અને કદાચ એ જ વિક્રાંત મેસીની એક રસપ્રદ ઓળખ પણ છે.
આ બધાની વચ્ચે ‘ઓ’રોમિયો’ ફક્ત એક નવી ફિલ્મ નથી રહેતી, પણ વિક્રાંત મેસીના કરિયરની એક વધુ એવી કડી બની જાય છે, જે સાહિત્ય અને સિનેમાને જોડે છે. જ્યારે ઘણી ફિલ્મ્સ સ્ક્રીન પર શરૂ થાય છે અને ત્યાં જ પૂરી થઈ જાય છે, ત્યારે વિક્રાંતની ફિલ્મ્સ ઘણી વાર કાગળ પરથી શરૂ થાય છે અને દર્શકના મનમાં લાંબા સમય સુધી ચાલે છે!
લાસ્ટ શોટ
વિક્રાંત મેસીની ‘હસીન દિલરુબા’ સાથે પણ સાહિત્યનું કનેક્શન છે. ના, આ ફિલ્મ કોઈ પુસ્તક પર આધારિત નથી, પણ અહીં તો વાર્તાવિશ્વમાં પાત્રો જ સાહિત્યના ચાહક છે.