Sun Mar 08 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો   - પ્રકરણ-2 ‘મંદિર હૈ....ગન મત લે કર જાના....ખૂન નહીં બહાના હૈ...’ રોના ચીફે કહ્યું.

6 days ago
Article Image

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

યુવતી દર્શન કરીને બજાર ચોક પહોંચી. દર્શન બાદ પુરોહિતની ચાના ચાહકો કુલ્હડમાં ફુદીના અને મસાલાવાળી ચાની જલ્દી જલ્દી ચૂસ્કી મારી રહ્યા હતા. બટાટા પૌઆ, ફાફડા જલેબી, ખસ્તા કચોરી ફટાફટ ઝાપટતા હતા. એમની ઝાપટવાની ઝડપમાં નરી ઉતાવળ હતી. આસપાસ ભમતા ભિખારીઓ નાસ્તો કે ચા અપાવી દેવાની કાકલૂદી કરતા હતા. એવામાં એક ભાવિકનો અવાજ સંભળાયો: ‘જલદી કરો, બીજા દર્શન અડધો કલાકમાં ખુલશે.’ શ્રદ્ધાળુઓની ઝાપટવાની ઝડપ વધી. યુવતીએ ચા લીધી. એ ઝીણી નજરે આસપાસના લોકોની ભાગદોડનો નજારો જોતી ચા પીતી રહી.

દર્શન ખુલ ગયે હૈ ની હાકલ પડી. ભક્તો દોડ્યા. યુવતીએ દોટ ન મૂકી. એના મનની ઉતાવળ કઇંક બીજી હતી. એણે ચાવાળા પુરોહિતને પૂછ્યું: ‘ચિત્રકાર દેવીપ્રસાદ શર્માજીનું ઘર ક્યાં છે?’ ચાવાળાએ અજીબ નજરે એની સામે જોતા કહ્યું: ‘બજાર ચોકની સામેની ગલીમાં ગોપાલ ભુવન...કોઇને પણ પૂછજો....’
******
યુવતીએ ગોપાલ ભુવનની સાંકળથી દરવાજો ખખડાવ્યો. થોડીવારે એક મહિલાએ દરવાજો ખોલ્યો.

‘દેવીપ્રસાદજી છે?’ એણે પૂછ્યું.

‘હા, ઉપર સ્ટુડિયોમાં છે.’ દેવીપ્રસાદજીના પત્નીએ કહ્યું. એ દાદર ચડીને ઉપર ગઇ. દેવીપ્રસાદ ચિત્ર દોરવામાં વ્યસ્ત હતા. એણે ધીમેથી કહ્યું: ‘દેવીપ્રસાદજી?’

‘જય ગોપાલા, આવો....બેસો.’ દેવીપ્રસાદજીએ એની સામે જોયા વિના બ્રશ કલર ડિશમાં મૂકતાં કહ્યું.

‘હું રાધા......’યુવતી બોલી ને દેવીપ્રસાદજીએ રિવોલ્વિંગ ચેર ફેરવીને એની સામે જોયું.
******
‘મૈં અપની એક એજન્ટ કો વહાં ભેજતા હું....વો રાધા બન કર વહાં રહેગી...’ આઇબી ચીફ અભયસિંહ રાઠૌડે નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝરના ઘરે મધરાતે ચાલતી ગંભીર બેઠકમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો.
******
રાધા અને દેવીપ્રસાદજીની આંખો મળી. રાધા ચારેક ફૂટના સ્ટેન્ડ પર ગોઠવેલા કેનવાસમાં ગોપાલાનાં અધૂરાં ચિત્રને જોવા લાગી.

‘સુંદર ચિત્ર છે, પણ કોઇક તો છે જે ગોપાલાનું, આસ્થા અને શ્રદ્ધાના આ ગામનું, આખા દેશનું ચિત્ર બગાડવા માગે છે. ધર્મ અને સંસ્કૃતિને કલંકિત કરીને ધાર્મિક અંધાધૂંધી ફેલાવવાનો ઇરાદો ધરાવે છે. દેશ વિદેશમાં હાહાકાર મચાવવા માગે છે......દેશને અંદરથી ખોખલો કરીને ખડખડાટ હસવા માગે છે.’ રાધાએ ચિત્ર પરથી નજર હટાવીને દેવીપ્રસાદની સામે જોયું.

દેવીપ્રસાદજીના ચહેરાનો રંગ ઊતરી ગયો. એમણે પોતાની પિસ્તાળીસ વર્ષની ઉંમરમાં ગોપાલેશ્વર મંદિર પરના ખતરાની વાત પહેલીવાર સાંભળી હતી.

એમણે ગોપાલાના ચિત્ર પર નજર કરી. આ જગવિખ્યાત મંદિરને ઉની આંચ પણ નહીં આવે. દેવીપ્રસાદજીના શબ્દોમાં શ્રદ્ધાનો ટમટમતો દીપક હતો, પરંતુ સામે બેઠેલી એક અવ્વલ દરજ્જાની ઇન્ટેલિજન્સ ઓફિસરની ચિંતાને અવગણી શકાય એમ પણ નહતું.

‘મંદિરની પોતાની સિક્યોરિટી છે....સીસીટીવી કેમેરાઓ છે....ને સૌથી મોટી સિક્યોરિટી તો ગોપાલાની ખુદની છે પછી કઇ વાતનો ખતરો, શેનો ખતરો...’ દેવીપ્રસાદજીએ કહ્યું.

‘શેનો ખતરો એ તો મનેય ખબર નથી....ત્રાસવાદીને શોધવાનો છે....હજારો શ્રદ્ધાળુઓમાંથી પકડવાનો છે. એ જ વખતે દર્શન કરીને બહાર નીકળી રહેલા શ્રદ્ધાળુઓમાંથી એક ઘેઘૂર અવાજ આવ્યો: ‘રાધે રાધે....’
******
‘રાધે રાધે’....’રાધે રાધે...’ ભીડમાંથી ઓસરતો જતો અવાજ ચાવાળા પુરોહિત પાસે જઇને અટક્યો. 

‘ચા પીવડાવો મારાજ.....’ મેલાં અને કધોણા સફેદ ઝભ્ભો-લેંઘો...માથે ઝાંખું કેસરી ફાળિયું....ચૌડી છાતી...પહોળા ખભ્ભા...એની પર ઝુલતા લાંબા વાળ, તપખીરી તેજ આંખોવાળા હટ્ટાકટ્ટા માણસનો અવાજ પુરોહિત ચાવાળાનો પરિચિત હતો. 

એણે માથે બાંધેલું ફાળિયું કાઢીને માથું ઝકઝોળીને વાળ છુટ્ટા મૂક્યા ને ફાળિયું કમરે બાંધ્યું. રાઘવ હમણાં હમણાં રોજ આવતો. પુરોહિત મોટા ભાગે ઉકળતા ચાના તપેલાંમાં કડછો ફેરવતો રહેતો, જગમાં ચા ગાળતો રહેતો....કુલ્લડમાં ભરતો રહેતો....ભાગ્યે જ ઘરાકની સામે જોતો....અજાણ્યો અવાજ હોય તો અછડતી નજરે જોઇ લેતો...એણે કુલ્હડ ધર્યું. રાઘવે ગરમાગરમ ચા ઘટઘટ પીને ઝભ્ભાનું ખિસ્સું ફંફોસ્યું. વીસનો સિક્કો કાઢીને આપ્યો ને જય ગોપાલા બોલીને ચાલતો થયો.

‘કલ કા પૈસા.....?’ પુરોહિતે યાદ કરાવ્યું....

‘યે કલ કા હૈ....આજ કા ઉધાર રહા....’ માથા પર ફાળિયું બાંધી લેતા બોલ્યો.  

‘છોરો બિચારો ગૌપાલક હૈ.....કઠે જવાનો...આપી દેશે......’ પુરોહિતે મનોમન બબડીને પિત્તળના તપેલાની ધાર પર બેવાર કડછો ઠોક્યો. 
****
મીટિંગ પૂરી થયા પછી બધા જવા લાગ્યા ત્યારે નેશનલ સિક્યોરિટી એડવાઇઝરે રોના ચીફ રવિ જયસ્વાલને બેસવાનું કહ્યું. 

‘જયસ્વાલ, બાંગ્લાદેશ મેં હમારે બંદો કો એક્ટિવ કરો.....ઇસકા રુટ્સ પાકિસ્તાનમેં હૈ ઔર લિન્ક વેસ્ટ બંગાલ મેં....’ 

‘સર, યે કામ બાંગ્લાદેશ કા આતંકવાદી અન્સારૂલ બાંગલા ટીમ ઔર અલ-કાયદા કા હી હૈ.....ઉસને બાંગ્લાદેશ ઔર પશ્ર્ચિમ બંગાલ કે માલદા કી બોર્ડર પર ટેરરિસ્ટ કેમ્પ જો ખોલ કે રખે હૈ.’ રોના ચીફે કહ્યું.

‘આપ કે પાકિસ્તાન કે બંદે સે અપડેટ લેતે રહો....’ નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝરે કહ્યું. ને રોના ચીફ રવિ જયસ્વાલના મોબાઇલની રીંગ વાગી.

‘સર, એક આદમી માલદા કી બોર્ડર પાર કર ચુકા હૈ...કબ યે પતા નહીં ચલા...ગોપાલેશ્વર મંદિર ટાર્ગેટ પર હૈ...યે પક્કા હૈ...જયહિન્દ.’ ફોન કટ થયો.

‘ખબર પક્કી હૈ...માલદા બોર્ડર સે ઘૂસા હૈ....’ જયસ્વાલે મોબાઇલ બતાવતાં કહ્યું. 

‘બીએસએફ કો સતર્ક કરો...’ નેશનલ સિક્યોરિટી એડવાઇઝરે કહ્યું.
******
બરાબર એ જ વખતે માલદાની મહાનંદ નદીમાંથી તરતો તરતો એક જણ બહાર આવ્યો.....પાણીથી નીતરતો...ચાલતો...ચાલતો નજીકની એક ઝૂપડીમાં ગયો. કપડાં બદલીને આવ્યો....એક જુદા જ વેશમાં...   
*****
‘હું રાધા અહુજા. ગુડગાંવથી આવું છું.’ રાધાએ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી જમુના ધરમશાળાના કાઉન્ટર પર જઇને કહ્યું.

‘હાં દેવીપ્રસાદજીનો ફોન આવી ગયો.’ ક્લાર્કે લાંબું રજિસ્ટર એની તરફ ફેરવ્યું. તમારું નામઠામ...સરનામું ને બીજી વિગતો લખો. રાધાએ ડિટેલ ભરીને રજિસ્ટર એની તરફ ફેરવ્યું.

‘દેવીપ્રસાદએ મને કહ્યું કે તમે એમની પાસે પેન્ટિંગ શીખવા આવ્યાં છો.’ 

‘હા, એમની પાસેથી ગોપાલાજીના ચિત્રો દોરવાની તાલીમ લેવી છે.’

ક્લાર્કે એના હાથમાં ચાવી આપતાં પૂછ્યું: ‘તમારી પાસે કોઇ સામાન નથી.’

‘ના, કંઇજ નથી લાવી. બધું અહીંથી ખરીદીશ......પરંપરાગત કપડાં...ચપ્પલ....પેન્ટિંગ માટેના રંગ...બ્રશ....કેનવાસ...બધું જ અહીંનું જ. તાલીમ પૂરી થાય ત્યાં સુધી ગોપાલાજીના રંગે રંગાયેલી રહીશ.’ રાધાએ સ્મિત કર્યું.

રાધાના મોહક સ્મિતથી રંગાઇ ગયેલો કલાર્ક બોલ્યો: ‘બરાબર છે મેડમ, તમારું નામ પણ રાધા જ છે.’

‘તમારું નામ શું છે....?’ રાધાએ પૂછ્યું. 

‘જગદીશ....’ કલાર્કનું નામ સાંભળીને એ બોલી: ‘જય જગદીશ હરે.’ 

રાધાએ ત્રીજા માળે જઇને આસપાસ નજર કરીને તાળું ખોલ્યું. એને હતું કે કોઇ દેશી જૂના જમાનાની ધરમશાળા હશે...જગ્યા ડિસેન્ટ લાગી. એણે રૂમની બારી ખોલી...એક કુદરતી કેનવાસ એની આંખોમાં સમાઇ ગયું. ગોપાલા મંદિરની ટોચે ફરફરતી ધજા....મંદિરની પાછળ મલકતા નાના-મોટા પર્વતોની ગિરીમાળાનું અલૌકિક સૌંન્દર્ય....દૂર સુધી ફેલાયેલું ભૂરું અફાટ આકાશ...સફેદ રૂની પુણીઓ જેવાં વાદળોની નાની મોટી ઢગલીઓ....નિસર્ગની નજાકત જોઇને એને એક પળ માટે બ્રશ અને રંગ લઇને પેન્ટિંગ કરવાની ઇચ્છા સળવળી ને એના સ્મૃતિપટ પર ગુલાબી ઝાંય ઊતરી આવી.
*****
મોડી રાતે અચાનક એના મોબાઇલની રીંગ વાગી હતી. નાઇટ લેમ્પ ઓન કર્યા વિના જ એણે માથું ડાબેથી જમણે ઝાટકીને ફોન લીધો. આ રીતે અચાનક ફોન આવવા એના માટે કોઇ નવી વાત નહતી. 
‘દસ મિનિટ મેં કાર લેને આયેગી. તુમ્હે ચાર્ટર્ડ પ્લેન સે ઉદયપુર જાના હૈ...વહાં સે બસ મેં બેજલમેડ જાઓગી. બાકી બાતેં રાસ્તે મેં...ગુડલક રાધા અહુજા...’ આઇબી ચીફ અભય રાઠૌડે ફોન કટ કર્યો. મિત્સુ આનંદ બેડ પરથી ઉછળીને ઊભી થઇ. કમઓન રાધા અહુજા, નવી ઓળખ...તાજી અસાઇન્મેન્ટ માટે તૈયાર હો જા. આઇબીમાં અભયસિંહ રાઠૌડની ખાસ વિશ્વાસુ ઇન્ટેલિજન્સ ઓફિસર મિત્સુ આનંદ જેટની ઝડપે તૈયાર થઇ. કબાટના લોકર પર ઝડપથી આંગળીઓ ફેરવીને કોડ નંબર નાખ્યો....લોકર ખુલ્યું કે તરત જ એક નાનકડો બર્નર મોબાઇલ કાઢીને બેગમાં મૂક્યો. એણે ગન લેવા હાથ લંબાવ્યો પણ ચીફે કહેલી વાત યાદ આવી: ‘મંદિર હૈ....ગન મત લે કર જાના....ખૂન નહીં બહાના હૈ...’ રાધાએ લોકર બંધ કરીને કાંડા ઘડિયાળમાં જોયું. દસ મિનિટ પૂરી થવામાં હજી બે મિનિટ બાકી હતી. એણે સ્ટેન્ડ પર મૂકેલા અધૂરા પેન્ટિંગ પર નજર કરી. ‘સોરી બેબી, તારું ચિત્ર અધૂરું રહી ગયું.....આવીને પૂરું કરીશ. મારે બીજું એક ચિત્ર પૂરું કરવા જવું પડે એમ છે.’ મિત્સુએ અધૂરાં ચિત્રમાં પોતાના બોયફ્રેન્ડ ડો.અજય બંસલના હોઠ ચૂમીને બાજુમાં પડેલા સફેદ કપડાથી ચિત્રને ઢાંકી દીધું. 
******
કારમાં બેસતાની સાથે મિત્સુએ અજયને મેસેજ કર્યો: ‘એક અરજન્ટ કામે જાઉં છું. ખબર નહીં ક્યારે પાછી ફરીશ. મારા પરનો વિશ્વાસ બરકરાર રાખજે. બાય બેબી.’ સેન્ડનું બટન દબાવ્યું. અજયે મેસેજ વાંચ્યો. 
‘આમાં નવું શું છે યાર.....એક જ ટાઇપનો મેસેજ દર વખતે મૂકે છે...ટેમ્પલેટ મેસેજ......ક્યારેક તો તારી સચ્ચાઇ સામે આવી જશે....ગૂડલક ડાર્લિંગ.’
*****
ગૌપાલક છોરા રાઘવે બેજલમેડ ગામ નજીકથી લગભગ અડધો-પોણો કિલોમીટર દૂર આવેલી ગૌશાળામાં પહોંચીને માથા પરથી ફેટો કાઢ્યો.....વાળ છુટ્ટા મૂક્યા...પાણી ભરેલાં તગારાંમાંથી પાણીની છાલકો મોં પર મારી. ગમાણના ખૂંટે લટકતા ગમછાથી મોં લૂછતાં લૂછતાં ગાયોની પીઠ પર હાથ ફેરવતો આસપાસ નજર કરીને ઝૂંપડીમાં ગયો. ઘાસની ગંજીમાં છૂપાડેલી ટોકરીમાંથી બર્નર મોબાઇલ કાઢીને કોલ લગાડ્યો: ‘કામ હો જાયેગા...સબર સે કામ લેના હોગા...મંદિરમેં ભીડ બહુત રહેતી હૈ....’   (ક્રમશ:)