(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્સોવામાં ૧,૧૪૩ સ્કવેર મીટરના પ્લોટના ફાયર-સ્ટેશન રિઝર્વેશનને રદ કરવાના અને તેને હાઉસિંગ માટે રિઝોન કરવાના મુંબઈ મહાનગરપાલિકાના પ્રસ્તાવને ગયા અઠવાડિયે સુધાર સમિતિએ ફગાવીને આ વિસ્તારને તાત્કાલિક ફાયર સ્ટેશનની આવશ્યકતા હોવા પર ભાર મૂક્યો હતો. તેમ જ આ પ્લોટ પર આવી કોઈ સુવિધાની જરૂર ન હોવાનું પ્રમાણ પત્ર આપનારા સંબંધિત અધિકારીની તપાસની માંગણી પણ કરવામાં આવી છે. જમીનના ઉપયોગમાં પ્રસ્તાવિત ફેરફારના આધાર પર પણ સવાલ ઉપસ્થિત કર્યો હતો.
સુધાર સમિતિની તાજેતરની બેઠકમાં સમિતિના સભ્ય અને નગરસેવક સંદીપ પટેલે ફાયર-સ્ટેશન રિઝર્વેશનને દૂર કરવાના પાલિકાના પ્રસ્તાવને રદ કરવાની માંગ કરી હતી. રિર્ઝવેશનમાં ફેરફાર કરવા માટે કોણે દબાણ કર્યું તે બાબતે તેમણે સવાલ પણ ઉપસ્થિત કર્યો હતો. સંદીપ પટેલે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આરક્ષણ કોઈના કહેવા પર બદલી શકાય નહીં. વર્સોવામાં વસતી વધી રહી છે. ઊંચી બિલ્િંડગની સંખ્યા વધી રહી છે અને ખાસ કરીને અહીં નજીકનું ફાયર સ્ટેશન પર જોેગેશ્ર્વરની અંબોલીમાં આવેલું છે, જયાંથી ફાયરબ્રિગ્રેડને વર્સોવા સુધી પહોંચવામાં પણ લગભગ ૩૦ મિનિટનો સમય લાગે છે ત્યારે અહીં ફાયરબિગ્રેડ કેટલું મહત્ત્વનું છે તેની જાણ સંબંધિત અધિકારીને હોવી જોઈએ. આ પ્લોટ પર ફાયર સ્ટેશન અને મ્યુનિસિપલ ચોકી માટેનું રિર્ઝવેશન ૨૦૧૮ની સાલમાં જ ડેવલપેન્ટ પ્લાન ૨૦૩૪ માં આવશ્યક જાહેર સુવિધાઓ હેઠળ મંજૂર કરવામાં આવ્યું હતું. અનામત પ્લોટને રહેણાંકના ઉપયોગમાં બદલી નાખવાની માગણી કરનારા અધિકારીની તપાસ કરવી આવશ્યક છે. કોના કહેવા પર તેણે અહીં ફાયરબિગ્રેડ સ્ટેશનની આવશ્યકતા ન હોવાનું કહ્યું છે તેની વિગતો બહાર આવવી આવશ્યક છે.
કૉંગ્રેસ પણ પાલિકાના આ પ્લોટના રિઝર્વેશનને બદલી નાખવા સામે ભારે વિરોધ દર્શાવ્યો છે. કૉંગ્રેસે વર્સોવાની ૪,૧૭૯.૫૬ ચોરસ મીટર જમીનને આવરી લેતા સૂચિત ફેરફાર સામે તેનો વિરોધ વધાર્યો છે, એવો આક્ષેપ કર્યો છે કે રિઝર્વેશનમાં ફેરફાર કરવાથી પ્લોટની વિકાસની સંભાવના વધી શકે છે. કૉગ્રેસના જૂથના નેતા અશરફ આઝમીએ પાલિકાએ આ પ્લોટના રિર્ઝવેશનમાં ફેરફાર કરવાથી અહીંના સેલેબલ એરિયા અને તેની માર્કેટ વેલ્યુ, ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ), ટ્રાન્સફરેબલ ડેલપમેન્ટ રાઈટ્સ (ટીડીઆર), ફંજીબલ એફએસઆઈને શું અસર કરે છે તે જાહેર કરવાની માગણી કરી ચૂક્યા છે.
લોખંડવાલા ઓશિવારા સિટિઝન્સ એસોસિએશનના ધવલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ માટે જો આ પ્લોટ રિઝર્વ હોય તો પાલિકાએ આરક્ષણને રદ કરવું જોઈએ નહીં. વર્સોવામાં રિડેવલપમેન્ટનું પ્રમાણ વધી ગયું છે. વર્સોવાની પાંચ લાખથી વધુ છે ત્યારે અહીં નવા ફાયરબ્રિગ્રેડ સ્ટેશનની તાત્કાલિક ધોરણે આવશ્યકતા છે. આ વિસ્તારમાં આગ લાગે કે કોઈ પણ દુર્ઘટના બને તો ફાયરબિગ્રેડ છેક ગોરેગામથી અને ઈર્લાથી અહીં આવે છે. સાંજના પીક અવર્સમાં ટ્રાફિકમાં વર્સોવા પહોંચવું બહુ મુશ્કેલ છે. પાલિકાના આવા કોઈ પણ નિર્ણય સામે સ્થાનિક નાગરિકોને વિરોધ રહેશે.