Tue Oct 06 2026

Logo

કવર સ્ટોરીઃ વેનિસનાં વહાલાં-દવલાં

2026-09-18 07:35:00
Author: Hema Shastri
કવર સ્ટોરીઃ વેનિસનાં વહાલાં-દવલાં

 

હેમા શાસ્ત્રી

ઈટલી ફિલ્મ ફેસ્ટિવલમાં સમાન વિષયની ઇઝરાયલ ડૉક્યુમેન્ટરીને મીડિયાએ વધાવી લીધી જ્યારે પેલેસ્ટાઇનની ડૉક્યુમેન્ટરીની ઉપેક્ષા કરી...
ડૉક્યુમેન્ટરી `નાઝા'નું દૃશ્ય અને એના મેકર યુવાલ અબ્રાહમ અને રાચેલ શોર
પેલસ્ટાઇન ડૉક્યુમેન્ટરી `સિટિઝન ઓસામા' અને  ડિરેક્ટર અહમદ હસાના

`વસુંધરાનાં વહાલાં - દવલાં' ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ સામાજિક નવલકથા છે. આ નવલકથાનો મુખ્ય સાર પૃથ્વી (વસુંધરા) પર જીવતા મનુષ્યો વચ્ચેના સામાજિક ભેદભાવ, અન્યાય અને ઉપેક્ષિત લોકોના સંઘર્ષને ઉજાગર કરવાનો છે.  
 
તાજેતરમાં ઈટલીના વેનિસ શહેરમાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં બે દાના દુશ્મન ઈઝરાયલ અને પેલેસ્ટાઇનના ફિલ્મમેકરોએ પેલેસ્ટાઇન નાગરિકોના જીવન-મૃત્યુના સંઘર્ષનું વર્ણન કરતી બનાવેલી બે ડૉક્યુમેન્ટરીને ઉત્તર-દક્ષિણ અનુભવ થયા છે. ઈઝરાયલની ડૉક્યુમેન્ટરી `નાઝા'ને ફિલ્મ ફેસ્ટિવલનું સ્પેશ્યલ જ્યુરી પ્રાઇઝ અને અગાઉ કોઈને ન મળ્યું હોય એવું 25 મિનિટનું સ્ટૅન્ડિંગ ઓવેશન (સીટ પરથી ઊભા થઈ તાળીઓના ગડગડાટથી દર્શકોનું અભિવાદન) મળ્યું. 

સાથે ફેસ્ટિવલમાં ભૂખમરો, નુકસાન અને માનસિક આઘાત વચ્ચે પણ પેલેસ્ટાઇન ફોટોગ્રાફરની પોતાની પત્ની અને નવજાત બાળકની સુરક્ષા કરવાની સાથે-સાથે આસપાસની તબાહીને કૅમેરામાં કેદ કરતી અને પેલેસ્ટાઇન તરફથી `બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ'ની કૅટેગરીમાં ઑસ્કર અવોર્ડમાં સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી ફિલ્મ `સિટિઝન ઓસામા' સુધ્ધાં પ્રીમિયર થઈ હતી, પણ પ્રસાર માધ્યમો (મીડિયા)એ એની સાવ ઉપેક્ષા કરી. એકંદરે `ગાઝા' અને `સિટિઝન ઓસામા' વેનિસ ફિલ્મ ફેસ્ટિવલના વહાલાં-દવલાં સાબિત થયાં છે.

આ બંને ફિલ્મ વિશે જાણતા પહેલાં ઈઝરાયલ અને પેલેસ્ટાઇન સમસ્યાની પાર્શ્વભૂમિ જાણવી જરૂરી છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ એ દુનિયાનો સૌથી જૂનો અને જટિલ વિવાદ છે. આ લડાઈ મુખ્યત્વે જમીન, ધર્મ, અને પોતાના સ્વતંત્ર દેશના અધિકાર માટેની છે.

NAZA - `નાઝા' શું છે?
આ ફિલ્મ ઇઝરાયેલી સૈન્ય અને ઇન્ટેલિજન્સ એજન્સીઓના બે ડઝન અનામીના ઇન્ટરવ્યૂ અને જુબાની પર આધારિત છે. ગાઝા પર કરવામાં આવેલા હુમલાઓમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને જનસમુદાય પર સતત અને વિશાળ પાયે નજર રાખતી પદ્ધતિ (માસ સર્વેલન્સ સિસ્ટમ)નો ઉપયોગ કરી નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ફિલ્મનું શીર્ષક "NAZA' હિબ્રુ મિલિટરીનો એક શબ્દ પ્રયોગ અથવા એક્રોનિમ (ટૂંકું નામ) છે. લશ્કરી ભાષામાં એનો અર્થ `કોલેટરલ ડેમેજ' (સામૂહિક નુકસાન) થાય છે. સરળ ભાષામાં કહીએ તો એનો અર્થ એ થાય કે હવાઈ હુમલા પહેલાં જ કેટલા સામાન્ય નાગરિકો માર્યા જશે એનો અંદાજ ઇન્ટેલિજન્સ સિસ્ટમને આવી જતો હતો. ફિલ્મ માત્ર યુદ્ધની ભયાનકતા જ નહીં, પણ આયોજનબદ્ધ કિલિંગ ચેઇન સિસ્ટમને પર્દાફાશ કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં કરવામાં આવેલા ખુલાસાઓને કારણે ઇઝરાયલ સરકારમાં રાજકીય વિવાદ થયો છે. 

ઇઝરાયેલના સાંસ્કૃતિક બાબતોના પ્રધાને બંને ઇઝરાયેલી ડાયરેક્ટર્સ પર દેશદ્રોહનો આરોપ મૂકી તેમની નાગરિકતા છીનવી લેવાની ધમકી પણ આપવામાં આવી છે. આ ડૉક્યુમેન્ટરીના મેકર યુવાલ અબ્રાહમ અને રાચેલ શોર ઑસ્કર વિજેતા દિગ્દર્શક જોડી છે. 2024માં અન્ય બે પેલેસ્ટિનિયન ફિલ્મ મેકર સાથે તેમણે બનાવેલી No Other Land ડૉક્યુમેન્ટરીને બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મનો ઑસ્કર અવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મમાં ઈઝરાયલી લોકો દ્વારા પેલેસ્ટિનિયન લોકોની અવદશા કેન્દ્રમાં હતી.

Citizen Osama- `સિટિઝન ઓસામા' શું છે?
આ ફિલ્મ ગાઝા પટ્ટીની યુદ્ધની વાસ્તવિકતા અને ત્યાંના પત્રકારોના જીવનને અત્યંત નિકટતાથી દર્શાવે છે. ફિલ્મમાં ગાઝામાં પત્રકાર ઓસામાના સંઘર્ષ અને પારિવારિક વેદનાના સચોટ ચિત્રણને રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના ડિરેક્ટર અહમદ હસાના ગાઝા વિસ્તારમાં અટવાયા હોવાથી બહાર નીકળી ન શક્યા તેથી સ્ક્રીનિંગ વખતે ફિલ્મ ફેસ્ટિવલમાં તેઓ હાજર રહી નહોતા શક્યા. 

આ ડૉક્યુમેન્ટરીને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી. જોકે મીડિયાનો સપોર્ટ ન મળ્યો. વેનિસમાં પ્રીમિયર થયા પછી પણ આ ડૉક્યુમેન્ટરીને યુએસ અને અન્ય ઠેકાણે ડિસ્ટ્રિબ્યુશન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મીડિયા સપોર્ટ ઓછો મળવાને કારણે ફિલ્મને સામાન્ય પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં અગવડ પડી રહી છે.

વહાલાં - દવલાં કેમ? 
બંને ફિલ્મમાં ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ અને ત્યાંના લોકો પર તેની વિનાશક અસરો દર્શાવવામાં આવી છે. નાગરિકોના મૃત્યુ અને સંઘર્ષ પડદા પર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એકંદરે બંને ફિલ્મમાં પેલેસ્ટિનિયન નાગરિકોની વેદના કેન્દ્રમાં છે તો પછી વહાલાં - દવલાં કેમ? સવાલ સાત કરોડનો છે. મીડિયા સપોર્ટની અસમાનતા માટે વિવિધ કારણો આપવામાં આવ્યાં છે. 'નાઝા'માં દિગ્દર્શકોએ ફોકસ અપરાધીઓ પર રાખી વર્ણનાત્મક શૈલીનો ઉપયોગ કર્યો છે, જ્યારે `સિટિઝન ઓસામા'માં વાર્તા મુખ્યત્વે દૃશ્યેોથી રજૂ થઈ છે અને પીડિતો કેન્દ્રમાં છે. 

એક મુખ્ય કારણ એ પણ ગણાવામાં આવ્યું  છે કે `નાઝા' મેન કૉમ્પિટિશનમાં રજૂ થઈ હતી. આ ફિલ્મોને પ્રાઇમ-ટાઇમ સ્લૉટ, નામાંકિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ વિવેચકોની અચૂક સમીક્ષાઓ અને રેડકાર્પેટ પ્રેસ કવરેજ મળે છે. `સિટિઝન ઓસામા' વેનિસ ઓપન - આઉટ ઑફ કૉમ્પિટિશનમાં દર્શાવામાં આવી  હતી. આ વિભાગમાં રજૂ થતી ફિલ્મોને મુખ્ય વિભાગ જેવો પ્રમોશનમાં સપોર્ટ, મીડિયા કવરેજ કે અન્ય કોઈ મદદ નથી મળતી. 

`નાઝા'ના દિગ્દર્શકો નામાંકિત છે અને ઑસ્કાર અવોર્ડ મેળવી ચૂક્યા છે - આ કારણો પણ ફિલ્મનું વજન વધારે પડે. બીજું એક કારણ એ પણ અપાયું છે કે `નાઝા'માં સરકારને સીધો પડકાર ફેંકવામાં આવ્યો હોવાથી વિવાદ જાગ્યો અને ફિલ્મ ચર્ચાને ચોતરે ચડી. જોવા માટે ઉત્સુકતા વધી. બીજી તરફ `સિટિઝન ઓસામા'એ અસ્તિત્વ ટકાવી રાખતા પિતા અને ફોટોગ્રાફરના માનવીય દૃષ્ટિકોણને પેશ કર્યો. એમાં સનસનાટીની બાદબાકી હતી.