મુંબઈઃ લેગબ્રેક ગૂગલી સ્પેશ્યલિસ્ટ વરુણ ચક્રવર્તી ઈજાને કારણે લગભગ બે મહિના ન રમી શક્યો, પણ પાછો રમવા આવ્યો ત્યાં માંડ એક મૅચ રમીને પાછો ઈજા પામ્યો છે જેને કારણે તે અફઘાનિસ્તાન સામેની વર્તમાન ટી-20 સિરીઝની અંતિમ મૅચ ઉપરાંત આ જ મહિનાની એશિયન ગેમ્સ પણ ગુમાવશે. તેના સ્થાને નવયુવાન લેગ-સ્પિન ઑલરાઉન્ડર વિપ્રજ નિગમ (Vipraj Nigam) એશિયન ગેમ્સની સ્ક્વૉડમાં જોડાશે.
નવાઈની વાત એ છે કે 35 વર્ષનો નસીબવાન વરુણ (Varun) ઘણા અઠવાડિયાથી ટી-20ના બોલર્સમાં વર્લ્ડ નંબર-વન છે, પરંતુ સાથળના પાછળના ભાગની ઈજાને કારણે તેણે ઘણી મૅચો અને સિરીઝો ગુમાવી હોવા છતાં અવ્વલ સ્થાને ટકી રહ્યો છે. તે હવે સ્નાયુઓના દુખાવાને લીધે ઈજાને લીધે અચોક્કસ મુદત માટે ટીમની બહાર થઈ ગયો છે.

એશિયન ગેમ્સ 19મી સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે, પરંતુ એમાં ભારતની મેન્સ ટીમની પ્રથમ મૅચ (ક્વૉર્ટર ફાઇનલ) 28મી સપ્ટેમ્બરે રમાશે. જોકે એ પહેલાં, બાવીસમી સપ્ટેમ્બરે ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક મૅચ રમાવાની છે.
વરુણને સારવાર માટે પાછો બેંગ્લૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સમાં મોકલવામાં આવ્યો છે. બાવીસ વર્ષનો વિપ્રજ નિગમ આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ વતી રમે છે.