Sun Aug 23 2026

Logo

‘વંદે માતરમ’ બિલને મળી રાષ્ટ્રપતિની મંજૂરી: હવે ‘જન ગણ મન’ જેવું જ મળશે કાયદાકીય સંરક્ષણ

2026-08-11 20:00:08
Author: Mumbai Samachar Team
Article Image

 નવી દિલ્હી: ‘વંદે માતરમ’ને હવે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ના સમાન કાનૂની રક્ષણ મળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વંદે માતરમ બિલ એટલે કે રાષ્ટ્રીય સન્માનના અપમાન વિરોધી બંધારણીય સુધારો, 2026ના ખરડાને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ આ ખરડો હવે કાયદો બની ગયો છે. નવા કાયદા હેઠળ ‘વંદે માતરમ’ના ગાયનમાં જાણીજોઈને કોઈ અવરોધ ઊભો કરવો અથવા અટકાવવાની પ્રવૃત્તિ પણ હવે દંડનીય ગુનો ગણાશે. જેને લઈ દોષીને જેલ, દંડ અથવા બંને સજા પણ થઈ શકે છે.

સંસદના બંને ગૃહોમાં મંજૂરી મળ્યા બાદ આ ખરડો રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યસભાએ તેને 29 જુલાઈએ, જ્યારે લોકસભાએ તેને 30 જુલાઈએ સહમતી આપી હતી. કેન્દ્ર સરકારના મતે ‘વંદે માતરમ’ને રાષ્ટ્ર ગાન તરીકે મળેલા સન્માનને કાનૂની સુરક્ષા આપવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ રાષ્ટ્રીય સન્માનના અપમાન વિરોધી બંધારણીય સુધારા હેઠળ ‘જન ગણ મન’ના ગીત ગાવામાં વિક્ષેપ ઊભો કરવો અથવા એ વખતે અશાંતિ ફેલાવવી પ્રતિબંધિત હતી.

નવા કાયદા હેઠળ કોઈ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું ગાન રોકે અથવા તેના ગાનમાં સામેલ સભામાં વિક્ષેપ ઊભો કરે તો તેને વધુમાં વધુ ત્રણ વર્ષની કેદ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. અગાઉના કાયદામાં માત્ર રાષ્ટ્ર ગાનના અપમાન માટે પણ ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંનેની જોગવાઈ હતી. બીજી વખત અને ત્યાર બાદના ગુનામાં ઓછામાં ઓછા એક વર્ષની કેદની જોગવાઈ પણ હતી. હવે આ જ પ્રકારનું કાનૂની રક્ષણ ‘વંદે માતરમ’ને પણ આપવામાં આવ્યું છે.

વિધેયકમાં જણાવાયું હતું કે ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય ગીત તરીકે સન્માન પ્રાપ્ત હોવા છતાં તેના ગાનને જાણપૂર્વક રોકવા અથવા ગાનમાં વિક્ષેપ ઊભો કરવાના કૃત્યો સામે અગાઉ કોઈ ચોક્કસ કાનૂની જોગવાઈ નહોતી, તેથી રાષ્ટ્રીય સન્માનના અપમાન વિરોધી અધિનિયમની કલમ 3માં સુધારો કરીને રાષ્ટ્ર ગાનને પણ તેના કાર્યક્ષેત્રમાં લાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ વિધેયકમાં બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના 24 જાન્યુઆરી, 1950ના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 1950માં જણાવ્યું હતું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલું ‘વંદે માતરમ’ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી ચૂક્યું છે અને તેને ‘જન ગણ મન’ જેટલું જ સન્માન આપવામાં આવશે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ઐતિહાસિક સન્માનને કાનૂની સુરક્ષાનું સ્વરૂપ મળ્યું છે. આ નિર્ણયથી રાષ્ટ્રીય ગીતના ગૌરવ અને સન્માનનું રક્ષણ વધુ મજબૂત બનશે.

દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વર્ષે જાન્યુઆરીમાં ‘વંદે માતરમ’ અંગેના પ્રોટોકોલને લઈને પણ સૂચનાઓ જાહેર કરી હતી. 28 જાન્યુઆરીના આદેશ મુજબ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત એકસાથે રજૂ કરવામાં આવે ત્યારે ‘વંદે માતરમ’ના તમામ છ શ્લોક પહેલાં ગાવા અનિવાર્ય રહેશે. 

સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન, રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના કાર્યક્રમો અને રાજ્યપાલોના સંબોધન જેવા પ્રસંગોએ રાષ્ટ્રગાનના છ ચરણો ગાવાની સૂચના આપવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે એ પણ જણાવ્યું છે કે આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસના સમારોહમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રથમવાર ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવશે.