લક્ઝરી કાર્સમાં ફરનારા આરોપીએ મહિને પાંચ ટકા વળતરની લાલચ આપેલી: 42 રોકાણકાર છેતરાયા
મુંબઈ: સ્ટોક માર્કેટ સ્કૅમમાં રોકાણકારો સાથે 30 કરોડ રૂપિયાથી વધુનું કથિત ફ્રોડ કરવાના કેસમાં ગુજરાતના વલસાડ શહેરમાંથી પકડાયેલો આરોપી પોતાની ખરી ઓળખ છુપાવવા માથે વિગ પહેરતો અને ત્રણ ઉપનામ રાખતો હતો. લક્ઝરી કાર્સમાં ફરનારા આરોપીએ મહિને પાંચ ટકાના વળતરની લાલચ આપી 42 રોકાણકારને ચૂનો ચોપડ્યો હતો.રોકાણકારોને ઠગીને મેળવેલી રકમ આરોપી રોશન ભૂષણ શેઠે (56) વૈભવી જીવનશૈલી, લક્ઝરી ફ્લૅટ્સ, હાઈ-એન્ડ કાર્સ અને કીમતી ઘડિયાળો પાછળ ખર્ચી હોવાનું તપાસમાં જણાયું હતું.
રોકાણ કરેલી રકમ પર મહિને પાંચ ટકા વળતરની લાલચ આપી શેઠે મહારાષ્ટ્ર અને ગુજરાતના 42 રોકાણકાર પાસેથી નાણાં પડાવ્યાં હોવાનું મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાના અધિકારીએ જણાવ્યું હતું.ગુનો નોંધાયા પછી પ્રાથમિક તપાસને આધારે આર્થિક ગુના શાખાએ જુલાઈમાં વલસાડની એક ઈમારતમાંથી શેઠની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ રોકાણકારોને શૅરબજારમાં નાણાં રોકવા લલચાવવા માટે આરોપીએ બનાવટી પ્રોફિટ સ્ટેટમેન્ટ વિતરીત કર્યાં હતાં. શેઠે રોકાણકારો પાસેથી મૂળ પાંચ કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ એક એનઆરઆઈ મહિલા સહિત અન્ય રોકાણકારોને 30.26 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું.
કાંદિવલીમાં રહેતા સંજય હિરાલાલ શાહ (60) એપ્રિલમાં મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતીને મળ્યા ત્યારે આ ફ્રોડ પ્રકાશમાં આવ્યું હતું. શાહના પરિવારને 10.81 કરોડ રૂપિયાનું કથિત નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.તપાસમાં જણાયું હતું કે શેઠની મિત્રતા શાહના સૉફ્ટવેર એન્જિનિયર પુત્ર સાથે હતી. 2020માં ટેડ્રિંગ ઍપ ‘ઈન્વેસ્ટોક’ના ડેવલપિંગને બહાને શેઠ શાહના પુત્રને મળ્યો હતો. સાયન અને માટુંગાના ફ્લૅટ્સમાં થયેલી મીટિંગ દરમિયાન શેઠે બનાવટી એક્સેલ શીટ્સ દેખાડીને શાહના પરિવારને મોટું રોકાણ કરવા મનાવી લીધો હતો.
શરૂઆતમાં શેઠે સ્મોલ પ્રોફિટ ઈન્વેસ્ટમેન્ટમાં 3.8 કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવ્યા હતા. જોકે બાદમાં ડિસેમ્બર, 2025થી તેણે ચુકવણી બંધ કરી દીધી હતી અને એપ્રિલ પછી તે ગાયબ થઈ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આર્થિક ગુના શાખાની ટીમ વલસાડની એક ઈમારત સુધી પહોંચી હતી. અધિકારીઓની ટીમે ત્રણ દિવસ રાહ જોયા પછી આખરે શેઠ હાથ લાગ્યો હતો.
આરોપીએ પોતાની ત્રણ ઓળખ બનાવી હતી. યુવાનીમાં તે જયેશ હસમુખભાઈ શાહ તરીકે ઓળખાતો. દિલ્હીમાં તેણે પોતાનું નામ રાહુલ અતુલભાઈ પારેખ અને મુંબઈમાં રોશન શેઠ રાખ્યું હતું. પોલીસે તેની પાસેથી બીએમડબ્લ્યુ, મર્સિડીઝ અને થાર કાર, 14 કીમતી ઘડિયાળ, 1.67 કરોડના સોનાના દાગીના અને 17 લાખની રોકડ જપ્ત કરી હતી. એ સિવાય તેના ત્રણ ફ્લૅટને સીલ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)