Mon Oct 05 2026

Logo

`પાવર હિટર' સૂર્યવંશીને છગ્ગો ફટકારવો ખૂબ પસંદ છે, સિક્સર-રેટ યશસ્વીથી પણ ચડિયાતો! જાણો, રસપ્રદ આંકડા...

2026-04-08 18:39:29
Author: Ajay Motiwala
`પાવર હિટર' સૂર્યવંશીને છગ્ગો ફટકારવો ખૂબ પસંદ છે, સિક્સર-રેટ યશસ્વીથી પણ ચડિયાતો! જાણો, રસપ્રદ આંકડા...

BCCI


ગુવાહાટીઃ આઇપીએલના લિટલ-સ્ટાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને છગ્ગા ફટકારવા ખૂબ પસંદ છે અને મંગળવારે વર્તમાન ક્રિકેટના સૌથી ડેન્જરસ ફાસ્ટ બોલર મનાતા જસપ્રીત બુમરાહના પહેલા જ બૉલમાં તેણે જે રીતે ગગનચુંબી સિક્સર ફટકારી એ જોતાં કહી શકાય કે નિર્ભય અને મજબૂત આત્મવિશ્વાસ ધરાવતો વૈભવ ભવિષ્યમાં કોઈક બોલરના છ બૉલમાં છ છગ્ગા ફટકારી દેશે તો નવાઈ નહીં લાગે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં રાજસ્થાનને જિતાડવામાં મોટી ભૂમિકા ભજવનાર વૈભવ (Vaibhav)નો સિક્સર-રેટ સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ કરતાં પણ ચડિયાતો છે. એવું કહેવાય છે કે ભારતીય ટીમને નવો સુપરસ્ટાર મળી ગયો છે.

વૈભવે મુંબઈ સામેના મુકાબલામાં 14 બૉલમાં પાંચ લાંબી સિક્સર (Sixer) અને એક ફોરની મદદથી 39 કર્યા હતા અને યશસ્વી (Yashasvi) સાથે પ્રથમ વિકેટ માટે 30 બૉલમાં 80 રનની ભાગીદારી કરી હતી. મુંબઈની ટીમ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં પહેલી જ વખત રમી રહી હતી અને એમાં એણે રાજસ્થાન સામે 27 રનથી પરાજય જોવો પડ્યો હતો.

વૈભવ મંગળવારે નીડર થઈને બુમરાહ બાદ ટ્રેન્ટ બૉલ્ટ અને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં જે રીતે ફટકાબાજી કરી એ બદલ ક્રિકેટ પંડિતો વૈભવ વિશે ખૂબ વિચારતા થઈ ગયા હશે. વૈભવ માત્ર છગ્ગા ફટકારવામાં જ નથી માનતો, તે મોકો મળે ત્યારે ચોક્કો પણ મારી દેતો હોય છે.

મંગળવાર પહેલાં વૈભવે કુલ માત્ર 378 બૉલમાં 68 છગ્ગા ફટકાર્યા હતા. બીજી રીતે કહીએ તો દર 5.6 બૉલ પર તેનો એક છગ્ગો હતો. બીજી તરફ ભારતના શાનદાર ઓપનર અને રાજસ્થાનની ટીમના વૈભવના જ સાથી ખેલાડી યશસ્વી જયસ્વાલે કરીઅરમાં કુલ 2,490 બૉલમાં તબળ 160 સિક્સર ફટકારી છે. એ રીતે તેની સરેરાશ દર 15.6 દીઠ એક સિક્સરની છે. એ રીતે વૈભવ સિક્સર ફટકારવામાં યશસ્વીથી ત્રણ ગણો ઝડપી છે.

વૈભવે બિહાર વતી 13 વર્ષની ઉંમરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેણે એ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ બે છગ્ગા ફટકાર્યા હતા. ગયા વર્ષે રાજસ્થાન રૉયલ્સ વતી તેણે આઇપીએલના ડેબ્યૂમાં પોતાના પહેલા જ બૉલમાં છગ્ગો માર્યો હતો.