ન્યૂ ચંડીગઢ: રાજસ્થાન રોયલ્સ (RR)ના ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશીએ બુધવારે હૈદરાબાદ સામેની એલિમિનેટર મૅચમાં 97માંથી 92 રન છગ્ગા-ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા એ વાત આપણે સૌ હવે સારી રીતે જાણીએ છીએ, પરંતુ બીજી વિશેષ બાબત એ છે કે આ વખતની સીઝનમાં તેણે જે 680 રન કર્યા છે એમાંથી 610 રન સિક્સર અને ફોરની મદદથી બનાવ્યા છે.

વૈભવ (Vaibhav) હજી 15 વર્ષનો છે અને નિષ્ણાતોનું માનવું છે કે તે આવતા 15 વર્ષ રમશે તો ક્રિકેટના અનેક જૂના રેકૉર્ડ તોડી-ફોડી નાખશે.

વૈભવે વર્તમાન આઈપીએલ ટૂર્નામેન્ટમાં 65 છગ્ગા અને 55 ચોગ્ગા ફટકાર્યા છે. એ જોતાં તેણે છગ્ગાની મદદથી 390 રન અને ચોગ્ગાની મદદથી 220 રન બનાવ્યા છે. કુલ મળીને તેણે 610 રન આ બિગ શૉટ્સમાં જ બનાવી લીધા.
બેંગ્લૂરુના ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ ગેઈલે તેની સર્વશ્રેષ્ઠ એક આઈપીએલ ટૂર્નામેન્ટમાં જે કુલ 733 રન બનાવ્યા હતા એમાંથી 48% રન છગ્ગાથી બન્યા હતા. જોકે આ વખતે વૈભવે જે 680 રન કર્યા છે એમાંથી 57 ટકા રન સિક્સરથી બન્યા છે.