Mon Oct 05 2026

Logo

બૅન્ગકોકથી આવેલો વડોદરાનો યુવાન ઍરપોર્ટ પર ગાંજા સાથે પકડાયો

2026-08-04 08:15:00
Author: Yogesh C. Patel
બૅન્ગકોકથી આવેલો વડોદરાનો યુવાન ઍરપોર્ટ પર ગાંજા સાથે પકડાયો

 

મુંબઈ: બૅન્ગકોકથી આવેલા ગુજરાતના વડોદરા શહેરમાં રહેતા યુવાનને કસ્ટમ્સના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગાંજા સાથે પકડી પાડ્યો હતો.
કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટના (એઆઈયુ) અધિકારીઓએ સોમવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ પરેશ તુલસિયાની (36) તરીકે થઈ હતી. પરેશ વડોદરાના પટેલ પાર્કનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

મળેલી માહિતીને આધારે અધિકારીઓએ રવિવારની રાતે ઍરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું. આરોપી બૅન્ગકોકથી ઈન્ડિગો ઍરલાઈનની ફ્લાઈટમાં મધરાતે બે વાગ્યાની આસપાસ ઍરપોર્ટ પર પહોંચ્યો હતો. શંકાને પગલે તાબામાં લઈ તેની તપાસ કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમદર્શી આરોપીની પર્સનલ સર્ચ અને તેની ટ્રોલી બૅગમાંના સામાનની તપાસમાં કોઈ ડ્રગ્સ મળ્યું નહોતું. જોકે તેણે પહેરેલી જીન્સ પરનો બૅલ્ટ શંકાસ્પદ જણાયો હતો. ચકાસણી કરતાં કમરે પહેરેલા બૅલ્ટ સાથે પ્લાસ્ટિકનાં ત્રણ પાઉચ હોવાનું નજરે પડ્યું હતું.
ફીલ્ડ ટેસ્ટિંગ કિટની મદદથી તપાસતાં પાઉચમાં ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો હોવાનું જણાયું હતું. આરોપી પાસેથી અંદાજે 23 લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. એનડીપીએસ ઍક્ટ હેઠળ તેની ધરપકડ કરી અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી હતી.