Wed Aug 26 2026

Logo

ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડના આરોપીઓને મદદરૂપ થનારા વડોદરાના યુવકની ધરપકડ

2026-07-10 17:07:43
Author: Yogesh C. Patel
ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડના આરોપીઓને મદદરૂપ થનારા વડોદરાના યુવકની ધરપકડ

‘ડિજિટલ અરેસ્ટ’નો હાઉ દેખાડી ફરિયાદી પાસેથી 1.55 કરોડ પડાવ્યા: યુવકે હજારથી વધુ સિમ કાર્ડ ઍક્ટિવેટ કરી કમ્બોડિયા મોકલ્યાં

થાણે: ‘ડિજિટલ અરેસ્ટ’નો ડર દેખાડી નવી મુંબઈના ફરિયાદી પાસેથી 1.55 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં સંડોવાયેલા ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડના આરોપીઓ સાથે કથિત રીતે સાઠગાંઠ ધરાવતા વડોદરાના યુવકની પોલીસે ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીની ઓળખ ઉમંગ વિજયભાઈ લાકોડ (24) તરીકે થઈ હતી. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણેલા લાકોડે 1,000થી વધુ સિમ કાર્ડ ઍક્ટિવેટ કરાવીને સાયબર ઠગ ટોળકી માટે કમ્બોડિયા મોકલાવ્યાં હોવાનું તપાસમાં જણાયું હતું.

નવી મુંબઈમાં રહેતા ફરિયાદીને આ વર્ષની 23 માર્ચથી 31 માર્ચ દરમિયાન છેતરવામાં આવ્યો હતો. સાયબર ઠગે એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડના અધિકારીના સ્વાંગમાં વૉટ્સઍપ અને સિગ્નલ ઍપના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. ઠગે ફરિયાદીના મોબાઈલ પર એક લેટર મોકલાવ્યો હતો, જેના પર રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનું નામ અને લોગો હતા. તેની સાથે બોગસ ધરપકડ વૉરન્ટ મોકલી પોલીસ કાર્યવાહીનો ડર બતાવ્યો હતો.

ફરિયાદ અનુસાર ઠગે વીડિયો કૉલ કરી ડિજિટલ અરેસ્ટનો હાઉ ઊભો કર્યો હતો. કાનૂની કાર્યવાહીથી બચવા ફરિયાદીને નાણાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. ઠગે આપેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં ફરિયાદીને 1.54 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.વૉટ્સ ઍપ એકાઉન્ટ્સ, સિગ્નલ પ્રોફાઈલ્સ અને ગુનામાં વપરાયેલા મોબાઈલના ટેક્નિકલ એનાલિસીસને આધારે નવી મુંબઈ પોલીસ ઉમંગ લાકોડ સુધી પહોંચી હતી. વડોદરાથી પકડાયેલો લાકોડ અમદાવાદના અમરાઈવાડીનો રહેવાસી છે. પોલીસને તેની પાસેથી સિમ કાર્ડનાં 347 પાઉચ મળી આવ્યાં હતાં. ત્રણ મોબાઈલ ફોન, બે ડેબિટ કાર્ડ, છ ચેકબુક, એક પાસબુક અને બે આધાર કાર્ડ તેની પાસેથી જપ્ત કરાયાં હતાં.

લાકોડ મોબાઈલ ફોન અને સિમ કાર્ડ ઍક્ટિવેટ કરાવીને તેને કમ્બોડિયા મોકલતો હતો. આ મોબાઈલ અને સિમ કાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડથી લોકો પાસેથી નાણાં પડાવવા થતો. આ રીતે તેણે હજારથી વધુ સિમ કાર્ડ કમ્બોડિયા મોકલ્યાં હોવાનું તપાસમાં જણાયું હતું.