Wed Sep 16 2026

Logo

વડોદરામાં કેનેડા જવાના નામે મહાઠગાઈ: 18 લોકો પાસેથી રૂ. 2.30 કરોડ ચાઉં કરનાર એજન્ટ સામે ફરિયાદ

2026-08-04 17:17:40
Author: Devayat Khatana
વડોદરામાં કેનેડા જવાના નામે મહાઠગાઈ: 18 લોકો પાસેથી રૂ. 2.30 કરોડ ચાઉં કરનાર એજન્ટ સામે ફરિયાદ

ChatGPT Image


વડોદરા: ગુજરાતીમાં વિદેશ જવાની ઘેલછા ઘણીવાર મોટા નુકસાનીનું કારણ પણ બની જાય છે. કઈક આવો જ કિસ્સો વડોદરાથી પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં એક વેપારીને કેનેડા મોકલવાના બહાને  કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે. જો કે અંતે કંપની તરફથી આપવામાં આવેલો લેટર ખોટો હોવાનું અને કંપનીએ આવો કોઈ લેટર આપ્યો જ ન હોવાનું ભોપાળું છતું થતાં અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરમાં કેનેડા મોકલવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો મોટો પર્દાફાશ થયો હતો. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અક્ષર ફોરેન એજ્યુકેશન નામની ઓફિસ ચલાવતા અતિત બારોટ નામના શખસે વિદેશ જવા ઈચ્છુકોને લાલચ આપીને કુલ 18 લોકો પાસેથી 2,30,95,600 રૂપિયાની માતબર રકમ પડાવી લીધી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર છેતરપિંડીની ઘટના સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2025ના સમયગાળા દરમિયાન અલગ-અલગ તબક્કે બની હતી. 

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, સમા-સાવલી રોડ પર રહેતા અને એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા 41 વર્ષીય મુખ્ય ફરિયાદી ધવલકુમાર ગઢીયાને વર્ક પરમિટ પર કેનેડા નોકરી માટે જવું હતું. ફેબ્રુઆરી 2024 માં તેઓએ અતિત બારોટનો સંપર્ક કર્યો હતો, જેણે કેનેડા મોકલવા માટે કુલ રૂ. 17 લાખનો ખર્ચ કહ્યો હતો. નોટરી કરાર બાદ ફરિયાદીએ પાસપોર્ટ અને આધારકાર્ડ આપી હપ્તે હપ્તે આરોપીના બેંકના ખાતામાં ચેક અને ઓનલાઈન માધ્યમથી લાખો રૂપિયા ચૂકવ્યા હતા. 

આરોપી અતિત બારોટે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે ATCO LTD નામની કંપનીનો એક નકલી LMIA લેટર ઈ-મેલ મારફતે મોકલી આપ્યો હતો. પરંતુ, જ્યારે ફરિયાદીએ સામેથી તે કંપનીમાં ઈ-મેલ દ્વારા તપાસ કરી ત્યારે આ લેટર સાવ ખોટો હોવાનું અને કંપનીએ આવો કોઈ લેટર આપ્યો જ નહીં હોવાનું ભોપાળું છતું થયું હતું.  

આખરે પોતાની સાથે થયેલી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ધવલકુમારે કરારનો સમય પૂરો થવા પર પોતાના પૈસા પરત માંગ્યા હતા. આરોપીએ તેમને રૂ. 7,80,000નો ચેક આપ્યો હતો, પરંતુ બેંક ખાતામાં પૂરતા નાણાં ન હોવાના લીધે તે ચેક બાઉન્સ થયો હતો. 

ત્યાર બાદ ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અતિત બારોટે માત્ર ધવલકુમાર જ નહીં, પરંતુ જોવિયેલ ક્રિસ્ટી, જયદીપ રાખોલીયા, ભગીરથ સાંગાણી સહિત અન્ય 17 વ્યક્તિઓ પાસેથી પણ લાખો રૂપિયા ઉઘરાવીને વિદેશ મોકલવાના બહાને ચુનો લગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. નકલી વિઝા લેટર આપીને નિર્દોષ લોકોના અઢી કરોડ રૂપિયા ચાઉં કરી જનાર આ ભેજાબાજ સામે કારેલીબાગ પોલીસ મથકે સત્તાવાર છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.