Sat Sep 12 2026

Logo

ઉત્તર પ્રદેશમાં મહિલા સબ ઇન્સ્પેકટરનો મહિલાને થપ્પડ મારતો વિડીયો વાઇરલ

2026-07-17 19:09:05
Author: Chandrakant Kanoja
ઉત્તર પ્રદેશમાં મહિલા સબ ઇન્સ્પેકટરનો મહિલાને થપ્પડ મારતો વિડીયો વાઇરલ

ચૌબેપુર: ઉત્તર પ્રદેશના વારાણસીના ચૌબેપુર પોલીસ સ્ટેશન પરિસરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનના એક મહિલા સબ ઇન્સ્પેકટર  રોશની સિંહ એક મહિલાને વારંવાર થપ્પડ મારતી જોવા મળે છે. આ વિડીયોમાં તે મહિલાને પાંચ થપ્પડ મારતા જોવા મળે છે. જેના પગલે પોલીસના વર્તન અંગે અનેક સવાલો ઉભા થયા છે. જોકે, હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી  માહિતી મુજબ આ ઘટના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાદીપુર કાલા ગ્રામ પંચાયત હેઠળ આવતા પરાણપુર ગામમાં બની હતી. 
જેમાં પૂનમ અને વિરોધી પક્ષ રામસેવક વચ્ચે લાંબા સમયથી વસવાટવાળી જમીનના પ્લોટ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દાને ઉકેલવા માટે અગાઉ પંચાયતની બેઠક યોજાઈ હતી. પરંતુ આ મામલો સંપૂર્ણપણે ઉકેલાઈ શક્યો ન હતો.

આ વિવાદના સંદર્ભમાં બંને પક્ષોને ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારે  પૂછપરછ દરમિયાન રામસેવકની પત્ની ગીતા પણ સ્ટેશન પર આવી હતી. ત્યાં તેનો મહિલા સબ-ઇન્સ્પેક્ટર રોશની સિંહ સાથે ઝઘડો થયો હતો. 

સબ-ઇન્સ્પેક્ટર રોશની સિંહે ગીતાને થપ્પડ મારી

તેમજ મળતી માહિતી મુજબ  ઝઘડો વધતાં સબ-ઇન્સ્પેક્ટર રોશની સિંહે ગીતાને સતત પાંચ વખત થપ્પડ મારી હતી. આ ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો લગભગ આઠ સેકન્ડનો વીડિયો પોતાના મોબાઇલ ફોન પર રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. 

પોલીસ સ્ટેશનમાં મહિલાને વારંવાર થપ્પડ મારવામાં આવી

વીડિયોમાં મહિલા સબ-ઇન્સ્પેક્ટર સાથે ઝઘડા દરમિયાન એક મહિલાને થપ્પડ મારવામાં આવી રહી છે. આ વીડિયો વાઇરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર આ ઘટના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પોલીસના વર્તન પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ગીતાના પતિ રામસેવકને જમીન વિવાદ અંગે બોલાવાયો હતો 

જ્યારે એસીપી સારનાથે  જણાવ્યું હતું કે વાઇરલ વીડિયો એક દિવસ જૂનો છે. તેમણે જણાવ્યું હતું  કે ગીતાના પતિ રામસેવકને જમીન વિવાદ અંગે એક મહિલા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો.

વાઇરલ વીડિયોની તપાસ ચાલુ 

એસીપીએ જણાવ્યું હતું કે વાઇરલ વીડિયોની તપાસ ચાલી રહી છે, અને તપાસ રિપોર્ટ આવ્યા પછી નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.