Wed Sep 09 2026

Logo

યુપીમાં SIR પ્રક્રિયા બાદ 13.39 કરોડ મતદારો, 2 કરોડ લોકોના નામ દૂર કરાયા

2026-04-10 16:52:28
Author: Chandrakant Kanoja
યુપીમાં SIR પ્રક્રિયા બાદ 13.39 કરોડ મતદારો, 2 કરોડ લોકોના નામ દૂર કરાયા

લખનઉ: દેશના અનેક રાજયોમાં SIR પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયા બાદ અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી મુજબ, રાજ્યમાં હવે 13,39,84,792   મતદારો છે. રાજ્યના કુલ મતદારોમાંથી 54.54  ટકા પુરુષ મતદારો છે, જ્યારે 45.46  ટકા મહિલા મતદારો છે. SIR પ્રક્રિયા દરમિયાન, રાજ્યની મતદારોની સંખ્યામાં 2.05 કરોડનો ઘટાડો થયો છે. 

અંતિમ મતદાર યાદીમાં 8,428,767 મતદારોનો વધારો 

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ શુક્રવારે એક પત્રકાર પરિષદ દરમિયાન અંતિમ મતદાર યાદી અંગે વિગતો શેર કરી હતી.  મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર  6 જાન્યુઆરીએ જાહેર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીની સરખામણીમાં અંતિમ મતદાર યાદીમાં 8,428,767 મતદારોનો વધારો જોવા મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિઓના નામ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેઓ મતદાર ફોર્મ 6 ભરીને પોતાનું નામ નોંધાવી શકે છે. 

યુવા મતદારોની સંખ્યા 17 લાખથી વધુ

આ અંતિમ મતદાર યાદી મુજબ રાજ્યમાં પુરુષ મતદારોની સંખ્યા 7,30,71,061 અને મહિલા મતદારોની સંખ્યા 6,09,9,525 છે. તેમજ ત્રીજા જાતિના મતદારોની સંખ્યા 4,206 છે. રાજ્યમાં 18-19 વય જૂથના કુલ મતદારોની સંખ્યા 17,63,360 છે.

3.18 લાખ વ્યક્તિઓએ નામ દૂર કરાવા ફોર્મ ભર્યું હતું 

આ પૂર્વે 6 જાન્યુઆરીના રોજ 12.55 કરોડ મતદારોની ડ્રાફ્ટ યાદી બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ, 6 માર્ચ સુધી આ ડ્રાફ્ટ મતદાર યાદી અંગે લોકો તરફથી દાવાઓ અને વાંધા પ્રાપ્ત થયા હતા. જેમાં કુલ 86.69 લાખ વ્યક્તિઓએ મતદાર યાદીમાં પોતાના નામનો સમાવેશ કરાવવા માટે ફોર્મ-6 ભર્યું હતું. જ્યારે 3.18 લાખ વ્યક્તિઓએ પોતાના નામ દૂર કરાવવા માટે ફોર્મ-7 ભર્યું હતું. મતદાર યાદીમાં 1.04 કરોડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમને નોટિસ ફટકારવામાં આવી હતી કારણ કે તેમના નામ તેમના માતાપિતા અથવા દાદા-દાદીના નામ સાથે મેળ ખાતા ન હતા. જ્યારે 2.22 કરોડ વ્યક્તિઓને તાર્કિક વિસંગતતાઓ તરીકે ઓળખવામાં આવ્યા હતા.