Sat May 02 2026

Logo

ટેક્નોલોજીની મદદથી કેવી રીતે થાય છે હવામાનની આગાહી...

2026-04-05 09:57:52
Author: વિરલ રાઠોડ
Article Image

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

ડોનલ્ડ ટ્રમ્પ  અને વેધર વચ્ચે  એક સામ્ય છે. એ બન્ને હવે પછીની 15 મિનિટમાં કઈ રીતે વર્તશે એની આગાહી કરવી મુશ્કેલ ... ! 

જોકે હવે આજનાં આધુનિક સાધનોના જમાનામાં હવામાનનો મિજાજ પારખવો થોડો સરળ થઈ ગયો છે.  હવામાનની વાત આવે ત્યારે તાપમાન, હવાની ગતિ, દબાણ અને અપર એર સરક્યુલેશન જેવા શબ્દો જોવા-સાંભળવા મળે. હવામાન માપવા માટે પણ હવે એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટેક્નોલોજી મોટાભાગના કેસમાં સેટેલાઈટ પર આધારિત છે. સેટેલાઈટ ઈમેજ પરથી અને વાદળોની મુવમેન્ટથી વરસાદ, તાપમાન કે પવનનું પૂર્વાનુમાન કરી શકાય છે. આ સાથે વાદળના પ્રકાર, પવનની દિશા અને બીજાં કેટલાંક પરિબળો પણ અહીં કામ કરતા હોય છે. 

દુનિયાના સૌથી સચોટ અને એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જહવામાન વિભાગની વાત કરવામાં આવે તો ભારતનું IMD (ઈન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ) એશિયામાં બીજા ક્રમે છે. આધુનિક પદ્ધતિઓ અને સચોટ આંકડાકીય માહિતી પરથી વિશ્ર્લેષણ કરીને ચોક્કસ આગાહી કરે છે. જે સાચી પડવાની સંભાવના 99 ટકા જેટલી હોય છે. હવમાન ખાતું રડારની મદદથી વાતાવરણના રિપોર્ટ મેળવે છે આ કોઈ સામાન્ય રડાર નથી હોતા.

 પવનની ગતિ, દિશા, ટર્નિંગ પોઈન્ટ અને અસરકારક ક્ષેત્ર જેવા અનેક પાસા અહીં જોડાયેલા હોય છે. દરેક રડારની એક રેન્જ નક્કી હોય છે, જે ચોક્કસ કિમી સુધીના વિસ્તારનું સચોટ ચિત્ર આપી શકે છે. હવામાનમાં ઉપયોગમાં લેવાતા રડાર 150થી 200 કિલોમીટર દૂરનું ચિત્ર આપી શકે છે. રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમથી કયા ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે એની માહિતી મળે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ ટાપુ પર તાપમાન કેટલું? આ જાણકારી મેળવવા સિસ્ટમમાં માત્ર લક્ષદ્વીપ જ સર્ચ થાય છે. બાકીના રિપોર્ટ ઓટોમેટિક જનરેટ થાય છે. આ છે રિયલ ટાઈમ સિસ્ટમ. 

ચોમાસાની સિઝનમાં સૌથી વધારે જવાબદારી હવામાન ખાતાની થઈ જાય છે. આવા સમયે રડાર દ્વારા લેવાયેલી વાદળની તસવીરનો અભ્યાસ થાય છે. આ તસવીરમાં એટલી ચોક્કસાઈ હોય છે કે, તે કઈ દિશા તરફ ફંટાશે એ પણ જાણી શકાય છે. ‘ઈસરો’ના ઈન્સાટ સેટેલાઈટ સિસ્ટમની મદદથી આગાહી થાય છે. આ સેટેલાઈટ સિસ્ટમ પૃથ્વી પરથી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી કંટ્રોલ થાય છે.

 આ સેટેલાઈટને સુપર કોમ્પ્યુટરની મદદથી ઑપરેટ કરી શકાય છે, જે ચોક્કસ પ્રાંતના હવામાનના રિપોર્ટ આપે છે. જેમ કે, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન. આ પ્રાંત જે તે ઝોન આધારિત વર્ગીકૃત થાય છે, જેમ કે નોર્થ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન. ભારત સિવાયના 10 હજાર કિલોમીટરની આસપાસના દરેક વિસ્તારને આવરીને ઈન્સાટ એક રિપોર્ટ તૈયાર કરી દે છે. જેનું વિશ્ર્લેષણ કરીને આગાહી કરવામાં આવે છે. કોઈ મોટું તોફાન આવી રહ્યું હોય કે એકાએક પવનની ગતિ વધી જાય તો એલર્ટ સિસ્ટમ ઓટોમેટિક એક્ટિવ થાય છે. જે કોમ્પ્યુટર સાથે જોડાયેલા ઓડિયો વિઝ્યુઅલ્સ કંટ્રોલને સિગ્નલ આપીને નોટિફિકેશન જાહેર કરે છે. ‘ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ’ દુનિયાભરના દેશ માટે હવામાન ખાતાની આગાહી કરે છે. ‘ભારતકાસ્ટ’ આપણા દેશ માટે હવામાન ખાતાની આગાહી કરે છે. 
આ બધા એક વિશાળ કોમ્પ્યુટર છે, જે 24 કલાક અને 365 દિવસ સતત વાતાવરણ પર વોચ રાખે છે.

 વહેલી સવારે અને સાંજે આકાશમાં એક રેડિયોસોન્સ છોડવામાં આવે છે. જે દૂરથી આકાશમાં કોઈ વિમાન આગળ વધી રહ્યું હોય એવો ભાસ કરાવે છે. આકાશમાં જાણે લિસોટા પડતા હોય એવું દેખાય. આ ડિવાઈસ તાપમાન, ભેજ અને પવનની ગતિનો રિપોર્ટ આપે છે. હવે આટલી વાતમાં રસ પડ્યો હોય અને આ બધુ મોબાઈલની સ્ક્રિન પર જોવું તો પણ હવે એ શક્ય છે. ‘વિન્ડી’ નામની વેબસાઈટ પવનની ગતિ બતાવે છે. એમાં જ પવન સિવાય, વરસાદ, વંટોળ, સુનામી, ભેજ અને પ્રેશરને જોવા-સમજવા માટેના ફીચર્સ આપેલા છે. અન્ય એક વેબસાઈટ છે  ‘વેધરડોટકોમ’. આ વેબસાઈટ તદ્દન સરળ અને સ્પષ્ટ છે. શહેર કે રાજ્યનું નામ નાખો એટલે રિપોર્ટ તૈયાર. ‘એક્યુવેધર’માં વરસાદી સિઝનમાં વિઝિટ કરવાની મજા પડશે, કારણ કે બહાર જ્યારે વરસાદ પડતો હશે કે આગામી સમયમાં પડવાનો હશે એના પર માત્ર ક્લિક કરતા મોબાઈલ સ્ક્રિન ઉપર પણ વરસાદ પડ્યો હોય એવો અહેસાસ કરાવશે.

હવામાનનો વિગતવાર અને ઊંડો અભ્યાસ કર્યો હોય એવો મસ્ત રિપોર્ટ જોવા કે વાંચવો હોય તો લોગઈન કરી દો ‘એમીઓડોટ. ઈન’ (imeteo.in) અહીં તો શહેરના મસ્ત લેન્ડમાર્ક પર હવામાનનો તાજો રિપોર્ટ મળી જશે. વેધરરડાર, સંપૂર્ણ ભારતીય અને સ્વદેશી વેબસાઈટ. હિન્દીમાં ભાષાંતર કરવાની પણ જરૂર નહીં પડે એટલી સરળ ભાષા અને સમજ. આઈકોન, ઈમોજી, ચિત્રો અને સચોટતા એવી કે આવતીકાલનો સમય નોંધી રાખશો તો એ સમયનું પણ તાપમાન કહી દેશે. માત્ર દેશ જ નહીં દુનિયાભરના દેશમાં હવામાન કેવું છે લાઈવ જોવું હોય તો વગર લોગઈન કર્યે સર્ચ કરો : વેધરલેબ. નક્શો ખુલી જશે, જે વેધર કહેશે.

આઉટ ઓફ બોક્સ

વર્ષ 2013માં ભારતમાં હવામાન ખાતાના કુલ 15 રડાર હતા, જે વર્ષ 2023માં વધીને 37 થયા. આજે દેશમાં 43 જેટલી રડાર સિસ્ટમ હવામાન માટે કામ કરે છે.