ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી અત્યાધુનિક અને વિશાળ એરક્રાફ્ટ કેરિયર તરીકે જાણીતા 'યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ'માં અચાનક આગ લાગતા ખળભળાટ મચી ગયો છે. ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં તૈનાત આ યુદ્ધજહાજ લાલ સમુદ્રમાં કાર્યરત હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.
જહાજના મુખ્ય લોન્ડ્રી વિભાગમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં કલાકોનો સમય લાગ્યો હતો. સુરક્ષાના કારણોસર અને જરૂરી સમારકામ માટે હાલ આ જાયન્ટ શિપને ગ્રીસના ક્રીટ ટાપુ પર આવેલા સૂડા બે નૌસેના બેઝ પર ખસેડવામાં આવ્યું છે.
આ દુર્ઘટના સમયે જહાજ પર 5000થી વધુ સૈનિક અને 75થી વધુ લડાકુ વિમાનો હાજર હતા. આગના ધુમાડાના કારણે અંદાજે 200 સૈનિકને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. એક સૈનિકની હાલત વધુ ગંભીર જણાતા તેને જહાજ પરથી એરલિફ્ટ કરીને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
આ ઉપરાંત, જહાજમાં સૈનિકોના રહેવા માટેના અંદાજે 100 જેટલા સ્લીપિંગ એરિયાને પણ આગના કારણે નુકસાન પહોંચ્યું છે, જેના લીધે જહાજ પર રહેવાની વ્યવસ્થામાં મુશ્કેલી ઊભી થઈ છે.
અમેરિકી નૌસેનાએ સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે આ આગથી જહાજના એન્જિન કે તેની સંચાલન પ્રણાલીને કોઈ આંચ આવી નથી. જહાજ હજુ પણ સંપૂર્ણ રીતે કાર્યરત છે. તેમ છતાં, સલામતીના પ્રોટોકોલ મુજબ જહાજને ગ્રીસ લાવવામાં આવ્યું છે, જેથી કરીને આગથી થયેલા આંતરિક નુકસાનની સંપૂર્ણ તપાસ અને જરૂરી મરામત થઈ શકે. નિષ્ણાતોની ટીમ હાલ જહાજની સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને ત્યારબાદ જ તેને ફરીથી મિશન પર મોકલવામાં આવશે.
યુએસએસ ફોર્ડ છેલ્લા નવ મહિનાથી સમુદ્રમાં સતત તૈનાત છે. મધ્ય પૂર્વમાં ઈરાન સામેના ઓપરેશનમાં જોડાતા પહેલા આ જહાજ કેરેબિયન ક્ષેત્રમાં વેનેઝુએલા સામેના મિશનમાં પણ સામેલ હતું.
લાંબા સમય સુધી ઘરથી દૂર અને સતત યુદ્ધ જેવી સ્થિતિમાં રહેવાના કારણે કર્મચારીઓના મનોબળ અને સજ્જતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ યુદ્ધજહાજ કેટલો સમય ગ્રીસમાં રોકાશે, પરંતુ આ ઘટનાએ અમેરિકી સૈન્ય વ્યવસ્થાપન સામે પડકારો ઊભા કર્યા છે.