Thu Sep 03 2026

Logo

આવી ગયું મોટું અપડેટ! જલદી થઇ શકે India-US Trade Deal, અમેરિકી વેપાર પ્રતિનિધિ ગ્રીર આવશે ભારત

2026-06-22 12:24:00
Author: Mumbai Samachar Team
આવી ગયું મોટું અપડેટ! જલદી થઇ શકે India-US Trade Deal, અમેરિકી વેપાર પ્રતિનિધિ ગ્રીર આવશે ભારત

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર મોટું અપડેટ સામે આવ્યું છે. ફેબ્રુઆરી 2025માં ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી પર વાતચીત શરૂ થયા બાદ હવે આ અઠવાડિયે અમેરિકી ટ્રેડ પ્રતિનિધિ જેમિસન ગ્રીર ભારત આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

બંને દેશો અમેરિકા-ભારત દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી (BTA) અંતર્ગત વચગાળાની વ્યાપાર સમજૂતી અને સંયુક્ત નિવેદન પર વાતચીત કરશે, તેમજ ભારત અને અમેરિકા વચ્ચેની ડીલને આગળ ધપાવશે. 21 જૂનના રોજ અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ (USTR) કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી છે.

ભારત અને અમેરિકા વચ્ચેની આ ડીલ (સમજૂતી) પર અપડેટ ત્યારે આવ્યું  જ્યારે G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 13 ફેબ્રુઆરી 2025ના રોજ થયેલી બેઠક બાદ, ડીલ અંગેની વાતચીતને આગળ ધપાવવા માટે જ જેમિસન ગ્રીર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ બેઠક અંતર્ગત ડીલ પર વિગતવાર આગળની રણનીતિ અંગે ચર્ચા થઈ શકે છે.

શા માટે આ બેઠક મહત્વપૂર્ણ છે?

ભારત અને અમેરિકા એકબીજાના મુખ્ય વ્યાપારિક ભાગીદારો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેનો વેપાર 190 અબજ ડૉલરથી વધુ સુધી પહોંચી ગયો છે. બંને સરકારોએ આવનારા વર્ષોમાં વેપારને વધુ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ કારણે જેમિસન ગ્રીરની આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આનાથી વેપાર વાટાઘાટો કઈ દિશામાં જશે તેનો સંકેત મળી શકે છે.

અત્યાર સુધી ડીલ (કરાર) પર શું થયું?

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારને લઈને વાતચીત પૂરી થઈ નથી. આ ડીલ પર બંને પક્ષો સતત ચર્ચા કરી રહ્યા છે, ટૂંક સમયમાં જ આ ડીલ પર આખરી મહોર લાગી શકે છે. બીજી તરફ, ભારત અમેરિકા પાસે ટેરિફ વધુ ઘટાડવાની માંગ કરી શકે છે, જ્યારે અમેરિકા ભારત પાસે ખેતીની કેટલીક પ્રોડક્ટ્સ (કૃષિ ઉત્પાદનો) ને મંજૂરી આપવાની માંગ કરી રહ્યું છે.