Fri May 01 2026

Logo

અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટૅરિફ ગેરકાયદે ઠરાવી છતાં જીડીપીના ડેટા અપેક્ષા કરતાં નબળા આવતા સપ્તાહના અંતે વૈશ્વિક સોના-ચાંદી ઊછળ્યાં

2026-02-21 20:04:20
Author: Ramesh Gohil
Article Image

જ્વેલરો દ્વારા ઘડામણ ખર્ચમાં ડિસ્કાઉન્ટની ઑફર છતાં બેતરફી વધઘટમાં અથડાઈ ગયેલી માગ ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી ટૅરિફને ગરકાયદે ઠેરવી હતી, પરંતુ ટ્રમ્પે પોતાની પાસે ટૅરિફ અંગેનો બેક અપ પ્લાન હોવાનું જણાવ્યું હતું. જોકે, વર્ષ 2025નાં ચોથા ત્રિમાસિકગાળાના જાહેર થયેલા અમેરિકાના જીડીપીના ડેટા બજારની ત્રણ ટકાની અપેક્ષા સામે માત્ર 1.4 ટકાની સપાટીએ રહ્યાના નિર્દેશો સાથે સપ્તાહના અંતે સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે 1.5 ટકાનો અને 5.8 ટકાનો ઉછાળો આવ્યો હતો.

જોકે, તે પૂર્વે વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલા અમેરિકા-ઈરાન અને રશિયા તથા યુક્રેન વચ્ચેના ભૂરાજકીય તણાવને કારણે સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોના-ચાંદીના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. તેમ જ વૈશ્વિક બજારને અનુસરતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવ બેતરફી વધઘટે અથડાઈ ગઈ હતી. 

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના 1,52,765ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,54,080ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,51,195 અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 1,55,066ના મથાળે બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ભાવમાં 1.50 ટકાનો અથવા તો રૂ. 2301નો ઉછાળો નોંધાયો હતો.

તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંતના કિલોદીઠ રૂ. 2,42,433નાં બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 2,39,484ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,32,955 અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 2,50,314ના મથાળે બંધ રહ્યા હતા. આમ ચાંદીમાં સાપ્તાહિક ધોરણે 3.25 ટકાનો અથવા તો રૂ. 7881નો ઉછાળો નોંધાયો હતો. 

એકંદરે સપ્તાહ દરમિયાન સોનામાં ભારે ચંચળતા રહેતાં લગ્નસરાની મોસમ હોવા છતાં અપેક્ષિત માગનો વસવસો રહ્યો હતો. જોકે, જ્વેલરો ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જીસ અથવા તો ઘડામણના ખર્ચમાં ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા હોવા છતાં માગ ખૂલતી ન હોવાનું નવી દિલ્હી સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું.

આમ એકંદરે નિરસ માગને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવમાં વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 18 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ 12 ડૉલરની સપાટીએ હતું. એકંદરે સોનામાં રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવા છતાં ગયા મહિને સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં પ્રબળ આંતરપ્રવાહ રહેતાં હાજર માગમાં જોવા મળેલી ઘટ સરભર થઈ ગઈ હોવાનું મુંબઈ સ્થિત એક બુલિયન ડીલરે જણાવ્યું હતું.

એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાની આંકડાકીય માહિતી અનુસાર ગત જાન્યુઆરી મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ આગલા ડિસેમ્બર મહિનાની સરખામણીમાં બમણો થઈને રૂ. 240.4 અબજનો રહ્યો હતો.

વધુમાં સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ઉપરાંત સિંગાપુર તથા હૉંગકૉંગની બજારો લ્યુનાર નવાં વર્ષની ઉજવણી નિમિત્તે બંધ રહ્યા હોવાથી એકંદરે વૈશ્વિક બજારમાં ગત સપ્તાહે કામકાજો પાંખાં રહ્યાના અહેવાલ હતા. એકંદરે વૈશ્વિક બુલિયન માર્કેટમાં ગત જાન્યુઆરી મહિનામાં ભારે ચંચળતા જોવા મળ્યા બાદ ગત સપ્તાહમાં ગુરુવાર સુધી કોન્સોલિડેશન જોવા મળ્યું હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને એશિયાની ચીન સહિતની ઘણી બજારો લ્યૂનાર નવા વર્ષની ઉજવણી માટે બંધ રહી હોવા છતાં અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવને કારણે સલામતી માટેની માગને ટેકે સોનાના ભાવ આૈંસદીઠ 5000 ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત અંગે સાવચેતીનું વલણ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સુધારો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હતો. જોકે, ગત શુક્રવારે અમેરિકાના જાહેર થયેલા ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી હવે અમેરિકી ફેડરલ રિઝર્વ ભાવી નાણાનીતિ માટે અને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ ટૅરિફ અંગે કેવું વલણ અપનાવે છે તેના પર બજારની મીટ છે. 

તેમ છતાં અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક કોમેક્સ વિભાગ પર સોનાના આૈંસદીઠ ભાવ 4880થી 5120 ડૉલર આસપાસની અને ચાંદીના ભાવ આૈંસદીઠ 76થી 86 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ  રૂ. 1,49,000થી 1,60,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,30,000થી 2,76,000ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

ગત સપ્તાહના અંતે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની ટૅરિફને ગેરકાયદે ઠેરવવાની સાથે જ ટ્રમ્પે નવાં ટૅરિફની જાહેરાત કરવામાં આવશે, એમ જણાવ્યું હોવા છતાં જીડીપીના ડેટા નબળાં આવ્યા હોવાથી સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.5 ટકાની તેજી સાથે આૈંસદીઠ 5071.48 ડૉલર અને એપ્રિલ વાયદામાં ભાવ 1.7 ટકા વધીને 5080.90 ડૉલર આસપાસ તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 5.8 ટકાની તેજી સાથે આૈંસદીઠ 82.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટના ફેંસલાને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ સહેલાઈપૂર્વક સ્વીકારી લેશે તેવું કહેવુ મુશ્કેલ છે. તેઓ અન્ય સ્વરૂપે ટૅરિફનો અમલ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા બજારમાં ચંચળતાનું વલણ જળવાઈ રહેશે, એમ અગ્રણી વિશ્લેષક તાઈ વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે આગામી મધ્યમ સમયગાળા સુધી સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓને વૈશ્વિક અનિશ્ચિતતાઓનો ટેકો મળતો રહેશે.

નોંધનીય બાબત એ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાયેલી તેમની કેટલીક કટોકટીની ડ્યૂટી બદલવા માટે 150 દિવસ માટે 10 ટકા ગ્લોબલ ટૅરિફ લાદશે. નોંધનીય બાબત એ છે કે સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર ઍક્ટ હેઠળ લાદવામાં આવેલી ડ્યૂટી ગેરકાયદેસરની લેખાવતા ટ્રમ્પે તે કાયદા હેઠળની સત્તા ઓળંગી હોવાનું જણાવ્યું હતું. 

સુપ્રીમ કોર્ટના આ ફેંસલા પછી વૉલસ્ટ્રીટના ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો હતો. તેમ જ જીડીપીના ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી અમેરિકન અર્થતંત્રની આસપાસ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા હોવાથી આગામી ટૂંકાથી મધ્યમ સમયગાળામાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહે તેવી શક્યતા આરજેઓ ફ્યુચર્સના વિશ્લેષક બોબ હેબરકોર્ને વ્યક્ત કરી હતી.