Wed Jun 17 2026

Logo

ટ્રમ્પને સુપ્રીમ કોર્ટનો 'ઝટકો': વિદેશી દેશો પર ટેરિફ લાદવો 'ગેરબંધારણીય' ઠર્યો...

washington dc   2026-02-20 21:33:49
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકન પ્રમુખે સત્તાનો દુરુપયોગ કર્યો: IEEPA કાયદા હેઠળ ટેરિફ લગાવવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં ટેરિફના નામે ટ્રેડ વોરનું સંકટ ઊભું કરનારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર અમેરિકન સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ ઝીંકીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસ્થિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટેરિફ મુદ્દે આજે અમેરિકન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પને ટેરિફ લગાવવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની છે.

ટ્રમ્પે અધિકારોનું કર્યું ઉલ્લંઘન
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ઈમરજન્સી માટે રાખેલા કાયદાનો ઉપયોગ કરીને સૌથી મોટો ટેરિફ વસૂલીને પોતાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.

ટ્રમ્પે IEEPAનો ખોટો ઉપયોગ કર્યો
કોર્ટે જણાવ્યું છે કે કાયદો રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો કોઈ અધિકાર આપતો નથી. ચીફ જસ્ટિસ રોબર્ટ્સે 6-3ના ચુકાદામાં કોર્ટે નીચલી કોર્ટના એ જ ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે મોટા પાયે ઈમ્પોર્ટ ટેક્સ લગાવવા માટે ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (આઈઈઈપીએ)નો ઉપયોગ કરીને પોતાના અધિકારોનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો.

કોર્ટે ટ્રમ્પની ઝાટકણી કાઢી
1977માં બનાવવામાં આવેલો કાયદો, રાષ્ટ્રપતિને નેશનલ ઈમરજન્સી વખતે કોમર્સ રેગ્યુલેટ કરવાની મંજૂરી આપે છે, પરંતુ એમાં ટેરિફનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ચુકાદામાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવા માટે પોતાના દાવાને સાચો ઠેરવવા માટે કોંગ્રેસ તરફથી મળેલી સ્પષ્ટ મંજૂરી બતાવવી પડશે. કોર્ટે કહ્યું કે તેઓ એમ કરી શકે નહીં એમ જણાવતા તેમની આકરી ટીકા કરી હતી. આ ચુકાદાને ટ્રમ્પે બીજી ટર્મના ઈકોનોમિક એજન્ડાના એક મહત્ત્વના ભાગને નબળો બનાવ્યો છે. 

ટેરિફને કારણે ટ્રેડ વોરની સ્થિતિ ઊભી થઈ
અમેરિકન કોર્ટે જણાવ્યું કે આ ચુકાદાથી દુનિયા પર અસર પડી શકે છે. ટ્રમ્પે પોતાની બીજી ઈનિંગમાં આક્રમક વિદેશ અને વેપાર નીતિ અપનાવી અને ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. ટ્રમ્પની આ નીતિને કારણે ગ્લોબલ ટ્રેડ વોરની પરિસ્થિતિ પણ ઊભી થઈ. આ કાયદોનો ઉપયોગ કરીને ભારત, ચીન, મેક્સિકો સહિત દુનિયાના અનેક દેશો પર હેવી ટેરિફ લગાવવામાં આવ્યો હતો. આ ટેરિફ મારફત દુનિયાના દેશો તરફથી અબજો ડોલર વસૂલવામાં આવ્યા હતા.