Wed Jun 10 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં થયેલી વાતચીત ફૂસ્સ, હવે 21 એપ્રિલ પર દુનિયાની મીટ!

washington dc   2026-04-13 19:30:08
Author: Devayat Khatana
Article Image

Julia Demaree Nikhinson / AP


વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે બંને દેશો પ્રથમવાર વાતચીતના ટેબલ પર આવ્યા હતા, પરંતુ ઈસ્લામાબાદમાં આયોજિત આ મંત્રણા બીજા દિવસે જ નિષ્ફળ સાબિત થઈ છે. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે સત્તાવાર જાહેરાત કરી છે કે, ઈરાને અમેરિકાની શરતો માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ નિવેદન બાદ શાંતિ વાટાઘાટોની આશા ધૂંધળી જણાઈ રહી હતી, પરંતુ હજુ પણ આશા જીવંત છે. અહેવાલો મુજબ, બંને કટ્ટર દુશ્મનો વચ્ચે આગામી 21 એપ્રિલના રોજ ફરી એકવાર મંત્રણાના દોર શરૂ થઈ શકે છે.

અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદમાં વાતચીત નિષ્ફળ ગઈ હોવા છતાં મધ્યસ્થી દેશો હજુ હાર માનવા તૈયાર નથી. પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી જેવા દેશો હવે 'સુપર-એક્ટિવ' મોડમાં આવી ગયા છે, જેથી દુનિયાને સંભવિત પરમાણુ યુદ્ધની જ્વાળાઓમાં હોમાતી બચાવી શકાય. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો હજુ પણ સમજૂતીની કોઈ સંભાવના જોઈ રહ્યા છે, જેના કારણે 21 એપ્રિલ પહેલા વાટાઘાટોનો બીજો રાઉન્ડ શરૂ કરવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.

આ સમગ્ર વિવાદનો મુખ્ય પેંચ પરમાણુ વિરુદ્ધ પૈસા પર આવીને અટક્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રની ચોખ્ખી શરત છે કે, ઈરાન તેનું યુરેનિયમ સંવર્ધન તાત્કાલિક બંધ કરે અને પોતાનો તમામ સ્ટોક ખતમ કરી દે. બીજી તરફ, તેહરાને પણ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, જ્યાં સુધી અમેરિકા તેમના જપ્ત કરેલા અબજો ડોલરના ફંડને મુક્ત નહીં કરે, ત્યાં સુધી તેઓ એક ડગલું પણ પાછળ નહીં હટે.

ટ્રમ્પ તેમની જૂની પ્રેશર પોલિટિક્સની રણનીતિ પર અડગ દેખાઈ રહ્યા છે. તેઓ એક તરફ મધ્યસ્થીઓ દ્વારા વાતચીતનો માર્ગ ખુલ્લો રાખી રહ્યા છે, તો બીજી તરફ લશ્કરી નાકેબંધી પણ ચાલુ રાખી છે. જો 21 એપ્રિલ સુધીમાં કોઈ ચોક્કસ પરિણામ નહીં આવે, તો ટ્રમ્પ ફરીથી મોટા હુમલા શરૂ કરી શકે છે. પાકિસ્તાન અને તુર્કી જેવા દેશોને ડર છે કે જો આ વાટાઘાટો નિષ્ફળ જશે તો મધ્ય-પૂર્વની આ આગ સમગ્ર વિશ્વને લપેટમાં લેશે.