એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થયો નથી છતાં નરેન્દ્ર મોદી સરકાર અભિનંદનો ઝીલી રહી છે ત્યાં જ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી જાત બતાવી છે. ડોનલ્ડ ટ્રમ્પે ભારતમાંથી થતી સૌર ઊર્જા ઉત્પાદનોની આયાત પર અધધધ 126 ટકા કાઉન્ટર વેઈલિંગ ડ્યૂટી ઠોકી દીધી છે. આ ડ્યૂટી પાછી પ્રાથમિક છે તેથી ભવિષ્યમાં વધી શકે છે એ જોતાં ટ્રમ્પે ભારતની સૌર ઊર્જાની આયાત માટેના દરવાજા બંધ કરી દેવાનો તખ્તો જ ઘડી દીધો છે.
કોઈ સરકાર પોતાની ચોક્કસ પ્રોડક્ટની નિકાસ વધે એ માટે સબસિડી આપે તેના જવાબમાં લગાવાતી ડ્યૂટીને કાઉન્ટર વેઈલિંગ ડ્યૂટી કહે છે. વિદેશી સરકાર સબસિડી આપીને પોતાના ઉત્પાદકોને ફાયદો કરાવે પણ તેના કારણે જ દેશમાં આયાત થતી હોય એ દેશના ઉત્પાદકોને નુકસાન થતું હોય છે કેમ કે વિદેશી પ્રોડક્ટ સસ્તા ભાવે મળે છે.
સ્થાનિક ઉદ્યોગોને સબસિડીવાળી ઓછી કિંમતની આયાતથી થતા નુકસાનથી બચાવવા માટે કાઉન્ટરવેઈલિંગ ડ્યુટી વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)ના નિયમો હેઠળ પણ માન્ય છે ને તેના પર કોઈ મર્યાદા નથી. જે દેશમાં આયાત થતી હોય એ દેશની સરકાર ધારે એટલી કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટી લગાવી શકે છે ને ટ્રમ્પે તેનો જ ફાયદો ઉઠાવીને સૌર ઊર્જા પર 126 ટકા કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટી ઠોકી બેસાડી છે.
ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સોલર સેલ્સ એટલે કે સૌર કોષો અને સોલર પેનલ્સ મોકલે છે. આપણી સરકાર સોલર સેલ્સ અને સોલર પેનલ્સની નિકાસ વધે એ માટે સબસિડી આપે છે પણ ટ્રમ્પને તેની સામે વાંધો પડ્યો છે. અમેરિકાના વ્યાપાર વિભાગના કહેવા પ્રમાણે, ભારત સરકાર તેનાં સૌર ઉત્પાદનો પર 125.87 ટકા સબસિડી આપે છે તેથી 126 ટકા ડ્યૂટી લગાવવી જરૂરી છે. ટ્રમ્પ સરકારે ઈન્ડોનેશિયાનાં સૌર ઊર્જા ઉત્પાદનો પર 105 ટકા અને લાઓસનાં ઉત્પાદનો પર 81 ટકા ડ્યૂટી લગાવી દીધી છે કેમ કે ઇન્ડોનેશિયાની સરકાર 104.38 ટકા અને લાઓસની સરકાર 80.67 ટકા સબસિડી આપેે છે.
અમેરિકન સરકારનો આ નિર્ણય ટ્રમ્પની લુચ્ચાઈનો વધુ એક નાદાર નમૂનો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા લગાવાયેલા ટૅરિફને ગેરકાયદે ઠેરવીને રદ કરી દીધા તો ટ્રમ્પે તરત જ કાયદા હેઠળ પહેલાં 10 ટકા ને પછી 15 ટકા ગ્લોબલ ટૅરિફ ઠોકી બેસાડેલો. ગ્લોબલ ટૅરિફ દ્વારા ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધેલું કે, પોતે સુધારવાના નથી ને કોઈ પણ રીતે ટૅરિફ તો લાદશે જ.
ભારતમાં એક વર્ગ રહસ્યમય કારણોસર ટ્રમ્પ જે કંઈ કરે તેનો બચાવ જ કરે છે. આ વર્ગનું કહેવું હતું કે, ટ્રમ્પના ગ્લોબલ ટૅરિફની મુદત 150 દિવસની જ છે એટલે 5 મહિના પછી ટ્રમ્પે જખ મારીને ટૅરિફ બંધ કરવા જ પડશે. આ નમૂના લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે કેમ કે ટ્રમ્પ 5 મહિના પછી આ ગ્લોબલ ટૅરિફને લંબાવી જ શકે છે. ટ્રમ્પ એ તો કરશે જ પણ સાથે સાથે કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટી પણ ઠોકશે જ એ આ જાહેરાતનો બોધપાઠ છે.
આ જાહેરાતના કારણે ભારતની સોલાર નિકાસને તો ફટકો પડશે જ પણ અમેરિકા સાથેના ટ્રેડ ડીલથી આપણે ફાયદામાં રહેવાના છીએ એ ભ્રમનો પણ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. અત્યારે ચીન વિશ્ર્વમાં સોલર સેલ અને સોલર પેનલોનું સૌથી મોટું ઉત્પાદક છે. ચીન દુનિયામાં સૌથી ઓછા ભાવે સોલર સેલ અને સોલર પેનલો વેચે છે તેથી ચીનની સોલર સેલ અને સોલર પેનલો લેવા માટે આખી દુનિયા પડાપડી કરે છે. ભારતમાં પણ સોલર સેલ અને સોલર પેનલો બને છે પણ સૌર ઊર્જા ક્ષેત્રના મોટા ખેલાડીઓ ચીનથી જ સોલર સેલ અને સોલર પેનલો આયાત કરીને ધંધો કરે છે.
ટ્રમ્પે ઉપરાછાપરી ટૅરિફ લાદ્યા તેના કારણે ચીન અને અમેરિકાના સંબંધો બગડેલા છે. ટ્રમ્પે ચીન પરનો ટૅરિફ લગભગ અઢીસો ટકાની આસપાસ કરી નાખેલો. સામે ચીને પણ એટલો જ ટૅરિફ કર્યા તેથી ટ્રમ્પે વાંકા વળીને સમાધાન કરવું પડ્યું પણ ટ્રમ્પની આડોડાઈના કારણે ચીન સમજી ગયું કે, આ માણસ પર ભરોસો કરવા જેવો નથી. ચીન કોઈની સાડાબારી પણ રાખતું નથી એટલે ચીને પોતાનાં ઉત્પાદનો માટે નવાં બજાર શોધવા માંડ્યાં. ચીનનો માલ સસ્તો હોય છે તેથી ચીનને નવા ગ્રાહકો પણ તરત મળી જ જાય છે એટલે ચીને ફરી અમેરિકામાં પગપેસારો કરવાની મથામણ ના કરી. તેનો લાભ ભારતને મળ્યો હતો.
મોદી સરકારે સમયસૂચકતા વાપરીને આપણાં સોલર ઉત્પાદનો પર સબસિડી જાહેર કરી દીધી તેના કારણે આપણો માલ સસ્તો થઈ ગયો તેથી તેની ડિમાન્ડ વધી ગઈ ને અમેરિકનો અમેરિકામાં બનતી સોલર સેલ અને સોલર પેનલો લેવાના બદલે ભારતની સોલર સેલ અને સોલર પેનલો લેવા માંડ્યા હતા. તેની સામે એલાયન્સ ફોર અમેરિકન સોલાર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડે વાંધો ઉઠાવીને અરજી કરેલી.
ટ્રમ્પ સરકારે તેમની અરજ કાને ધરીને ભારત પર કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટી ઠોકી દીધી છે. ભારત ઉપરાંત ઈન્ડોનેશિયા અને લાઓસની સરકારોએ પણ સબસિડી જાહેર કરેલી તેથી એ પણ લપેટમાં આવી ગયા છે. આ ત્રણેય દેશે 2025માં લગભગ 4.5 અબજ ડૉલરની નિકાસ કરેલી ને તેમાં અડધાથી વધારે નિકાસ ભારતની હતી તેથી ભારતને સૌથી મોટો ફટકો પડશે.
ભારતમાં તો સૌર ઊર્જા ઉત્પાદનો બનાવનારા પણ રાતા પાણીએ રડશે કેમ કે અમેરિકામાં નિકાસ થવા માંડી તેમાં ભારતમાં ધડાધડ ફેક્ટરીઓ ઊભી થઈ ગયેલી. ભારત જાન્યુઆરી 2026 સુધીમાં સ્થાપિત ક્ષમતા 160 ગીગાવોટથી વધારે છે જ્યારે સ્થાનિક માગ વાર્ષિક 40 થી 45 ગીગાવોટની રેન્જમાં છે. આ માગ પણ મોટા ભાગે ચાઈનીઝ માલથી પૂરી થાય છે તેથી ભારતમાં ઉત્પાદકોની હાલત કફોડી થઈ જશે.
ટ્રમ્પનો નિર્ણય એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, ભારત સરકાર નિકાસ વધારવા માટે જે ઉત્પાદનોને સબસિડી આપી રહી છે એ તમામ ઉત્પાદનો પર ટ્રમ્પ કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટી ઠોકી શકે છે. ભારતની નિકાસ કરતાં આયાત વધારે છે તેથી વ્યાપાર ખાધ ઘટાડવા માટે ભારત સરકાર નિકાસ વધારવા મથ્યા કરે છે. તેના ભાગરૂપે મોદી સરકાર ઘણી બધી ચીજોની નિકાસને સબસિડી આપે છે એ જોતાં ભવિષ્યમાં બીજી ઘણી ચીજો પર પણ કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટી લાદી શકે છે. બીજું એ કે, ટ્રેડ ડીલ થયા છતાં ટ્રમ્પ આ રીતે વર્તે છે એ જોતાં તેમનો ભરોસો કરી શકાય તેમ નથી. કાલે અમેરિકાનાં હિતો જોખમાય તો ટ્રમ્પ ટ્રેડ ડીલને અભરાઈ પર ચડાવીને બીજાં પણ એવાં પગલાં ભરી શકે કે જેના કારણે ભારતને ફટકો પડે.