Wed Aug 19 2026

Logo

ટ્રમ્પે કર્યું પાકિસ્તાનને સાઇડલાઇન...અમેરિકા-ઇરાન વાતચીતથી મુનીર-શાહબાઝ બહાર

2026-08-04 10:58:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વાતચીત શરૂ કરવાના પ્રયાસો વચ્ચે પાકિસ્તાનની કથિત મધ્યસ્થતાને લઈને મોટો સવાલ ઊભો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું કે ઈરાન સાથે વાતચીતની પહેલ તેમના કહેવાથી થઈ રહી છે અને તેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) તથા કતારની મહત્વની ભૂમિકા છે. ખાસ વાત એ રહી કે આ વખતે ટ્રમ્પે પાકિસ્તાનનું નામ ન લીધું.  

ટ્રમ્પે કહ્યું કે સાઉદી અરેબિયા, UAE અને કતારે અમેરિકાને ઈરાન પર મોટા સૈન્ય હુમલાથી પીછેહઠ કરવા અને વાતચીતનો રસ્તો અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના જણાવ્યા મુજબ, હવે વાતચીતમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા મુદ્દાઓનું સમાધાન શોધવું મહત્વપૂર્ણ છે. જોકે, ઈરાને ટ્રમ્પના સીધી વાતચીત શરૂ થવાના દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે હાલમાં તેની વાતચીત ઓમાન સાથે હોર્મુઝમાં જહાજોની અવરજવરને લઈને થઈ રહી છે.

તો શું પાકિસ્તાન મધ્યસ્થતાથી બહાર થઈ ગયું?

જૂન 2026માં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર પછી પાકિસ્તાન અને કતારને મધ્યસ્થ ગણાવાયા હતા. કતારના વિદેશ મંત્રાલયે પણ જૂનમાં કહ્યું હતું કે તે પાકિસ્તાનની આગેવાની હેઠળની મધ્યસ્થતાનું સમર્થન કરી રહ્યું છે. 22 જૂને સ્વિટ્ઝરલેન્ડના બર્જેનસ્ટોકમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમેરિકા અને ઈરાન સાથે કતાર અને પાકિસ્તાન બંને મધ્યસ્થ પક્ષ તરીકે સામેલ થયા હતા. તે સમયે પરમાણુ મુદ્દે, પ્રતિબંધો અને આગળની વાતચીત માટે મંચ તૈયાર કરવા પર ચર્ચા થઈ હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનથી એવો સંકેત જરૂર મળે છે કે વર્તમાન તબક્કામાં ખાડી દેશો વધુ પ્રમુખ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, પરંતુ એવું કહેવું ઉતાવળ ગણાશે કે પાકિસ્તાન સંપૂર્ણપણે મધ્યસ્થતાથી બહાર થઈ ગયું છે.

પાકિસ્તાનને લઈને કેમ સવાલો ઉઠ્યા?

પાકિસ્તાનની સમસ્યા એ છે કે તે એક તરફ ઈરાન સાથેના પોતાના ભૌગોલિક અને ધાર્મિક-સામાજિક સંબંધોનો ફાયદો ઉઠાવી શકે છે, તો બીજી તરફ અમેરિકા અને સાઉદી અરેબિયા સાથે તેના રણનીતિક સંબંધો પણ છે. આ જ સંતુલન તેની મધ્યસ્થતાને મુશ્કેલ બનાવે છે. જોકે, એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જૂનમાં ખુદ ટ્રમ્પે પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાને વાતચીત આગળ વધારવામાં મદદરૂપ ગણાવી હતી.