Tue Oct 06 2026

Logo

મિર્ઝાપુરમાં ભયાનક અકસ્માત; બ્રેક ફેલ થયેલા ટ્રકે મચાવ્યો કહેર, ચાર વાહનો ટકરાયાં, 11ના મોત

2026-04-23 10:08:00
Author: Vimal Prajapati
મિર્ઝાપુરમાં ભયાનક અકસ્માત; બ્રેક ફેલ થયેલા ટ્રકે મચાવ્યો કહેર, ચાર વાહનો ટકરાયાં, 11ના મોત

મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બુધવાર રાત દરમિયાન એક ભયાનક સડક અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ અકસ્માતમાં કેટલાય પરિવારો વેરાન થઈ ગયાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રીવા–મિર્ઝાપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલા ડ્રમડગંજ ઘાટ વિસ્તારમાં એક ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકની બ્રેક ફેલ થઈ તેના કારણે ટ્રકે આગળ ચાલતા વાહનોને ટક્કર મારી અને એક પછી એક અનેક વાહનોને અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયાં હોવાનું રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

ગાડી થોડી જ મિનિટમાં આગનો ગોળો બની

આ અકસ્માતમાં ચાર વાહનો અથડાયા છે, જેમાં એક બોલેરો, બે ટ્રક અને એક કાર સામેલ છે. અકસ્માત થતાની સાથે જ બોલેરોમાં આગ લાગી ગઈ, જે એટલી તીવ્ર હતી કે ગાડી થોડી જ મિનિટમાં આગનો ગોળો બની ગઈ હતી. આગ લાગી હોવાના કારણે અંદર બેઠેલા લોકોને બચીને બહાર નીકળવાનો સમય જ નહોતો મળ્યો! આ ઘટનામાં કુલ 11 લોકોનું મોત થયું, જેમાં 9 લોકો તો બોલેરોમાં જીવતા જ ભડથું થઈ ગયાં હતાં. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

સાંજે 8:30 વાગ્યાના અરસામાં રાજમાર્ગ પર સર્જાયો અકસ્માત

આ અકસ્માત લગભગ સાંજે 8:30 વાગ્યાના અરસામાં રાજમાર્ગ પર સર્જાયો હતો. મધ્ય પ્રદેશમાં ચણા લઈને જતો ટ્રક ઘાટ પર આવતાં જ તેની બ્રેક ફેલ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળ પર ચીસો અને રાડો સંભળાઈ રહી હતી. આસપાસના લોકો સત્વરે મદદ માટે દોડી આવ્યાં હતા, પરંતુ આગ એટલી ભયાનક હતી કે કોઈ પણ બોલેરો તરફ જઈ શક્યું નહીં. આખી ગાડીને બળીને ખાખ થઈ ગઈ હતી. 

9 મૃતકો પ્રયાગરાજ જિલ્લાના રહેવાસી હતા

પોલીસના જણાવ્યાં પ્રમાણે બોલેરોમાં સવાર તમામ લોકો પ્રયાગરાજ જિલ્લાના માંડા વિસ્તારના હાટા ગામના રહેવાસી હતા અને મૈહર ધામના દર્શન પછી પાછા લૌટી રહ્યા હતા. એક જ ગામના આટલા લોકોને એકસાથે કાળ ભરખી ગયો તેના કારણે આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. ઘટના જાણતાં જ પોલીસ અને અગ્નિશામક દળોએ તરત જ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી પરંતુ જાનહાનિને ટાળી શકાઈ નહીં. હાલમાં પોલીસ મૃતકોની ઓળખ કરાવાની અને અકસ્માતની કારણો જાણવા અંગે તપાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માત પર દુઃખ વ્યક્ત કરી મૃતક પરિવારોને સંવેદન આપી છે.