કુશીનગરઃ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં ચાલી રહેલા એક મોટા નેટવર્કિંગ ફ્રોડ અને માનવ તસ્કરીના રેકેટનો યુપી પોલીસે પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ અને વિવિધ એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન ચલાવીને બંધક બનાવાયેલા 453 નેપાળી નાગરિકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા છે. નેપાળી સત્તાધિશો અને એજન્સીઓ સાથે મળીને આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ સફળતા બદલ ભારતમાં સ્થિત નેપાળી દૂતાવાસે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર, યુપી પોલીસ અને ઓપરેશનમાં સામેલ અન્ય સંસ્થાઓનો સત્તાવાર રીતે આભાર વ્યક્ત કર્યો છે.
કુશીનગરમાં થતું હતું નેપાળી નાગરિકોનું શોષણ
નેપાળની સરહદને અડીને આવેલા ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં નેપાળી નાગરિકો સાથે છેતરપિંડી અને તેમના આર્થિક-માનસિક શોષણની ફરિયાદો મળી હતી. આ ગુપ્ત માહિતીના આધારે યુપી પોલીસે કુશીનગરના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. પોલીસની આ રેડ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસની સાથે ભારત સરકારની સંબંધિત એજન્સીઓ અને 'કિન ઇન્ડિયા' નામની બિન-સરકારી સંસ્થાએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર સારી નોકરીની લાલચ આપી છેતરપિંડી
દિલ્હી સ્થિત નેપાળી એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મોટી અને ફાયદાકારક નોકરીઓની જાહેરાતો મૂકવામાં આવતી હતી. આ લાલચમાં આવીને ભારતીય બોર્ડર વિસ્તારમાં પહોંચતા નેપાળી યુવક-યુવતીઓને બંધક બનાવીને તેમનું શોષણ કરવામાં આવતું હતું. આ રેકેટની જાણ થતાં જ નેપાળી દૂતાવાસે ભારત સરકાર અને યુપી પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સંયુક્ત રીતે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મેગા ઓપરેશન દરમિયાન છેતરપિંડીનો ભોગ બનેલી 115 મહિલાઓ અને 338 પુરુષો સહિત કુલ 453 નેપાળી નાગરિકોને બંધનમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.
નેપાળી નાગરિકોને સાવધાન રહેવા અપીલ
નેપાળી દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, નેપાળ સરકાર અને ભારતમાં સ્થિત નેપાળી એમ્બેસી પોતાના નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ સાથે જ તેમણે નાગરિકોને ખાસ સલાહ આપી છે કે તેઓ વિદેશમાં કે સરહદી વિસ્તારોમાં નોકરીના નામે ઓનલાઈન અપાતી લોભામણી ઓફરો અને છેતરામણી લાલચોથી સાવધ રહે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનો ભોગ બનવું ન પડે.