Sun May 03 2026

Logo

પ્રિન્ટિંગ પ્રેસની એક ભૂલ અને દુનિયાને મળ્યું પહેલું એસી! ફેક્ટરીઓ માટેનું એસી કઈ રીતે આપણા બેડરૂમ સુધી પહોંચ્યું...

2026-05-03 16:22:35
Author: Darshana Visaria
Article Image

અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીમાં આપણને એરકંડીશન્ડ (એસી)ની ઠંડક એ શાંતિ અને સ્વર્ગનો અહેસાસ કરાવે છે. એક સમયે લક્ઝરી ગણાતું એસી હવે જરૂરિયાત બની ગયું છે. પરંતું શું તમે જાણો છો કે એસીની શોધ એ એક મજબૂરીમાં લેવાયેલો એક નિર્ણનું પરિણામ હતી? જે એસીને આપણે ઠંડક માટે ઉપયોગમાં લઈએ છીએ એ હકીકતમાં જ એક પ્રિન્ટિંગ પ્રેસમાં ભેજને દૂર રાખવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું? ચોંકી ઉઠ્યા ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ... 

સ્ટોરી શરૂ થાય છે 1902માં, જ્યારે ન્યૂયોર્કના બ્રુકલિન વિસ્તારમાં આવેલી 'સેકેટ-વિલ્હેમ્સ લિથોગ્રાફિંગ એન્ડ પબ્લિશિંગ' નામની પ્રિન્ટિંગ પ્રેસમાં ઉનાળાની આકરી ગરમી અને હવામાં રહેલા અતિશય ભેજને કારણે આ પ્રેસના માલિકો પરેશાન હતા. ભેજને લીધે પ્રિન્ટિંગ માટે વપરાતા કાગળો ફૂલી જતા હતા અથવા તો સંકોચાઈ જતા હતા. પરિણામે, કલર પ્રિન્ટિંગ વખતે શાહી બરાબર બેસતી નહોતી અને ડિઝાઇન બગડી જતી હતી.

પ્રિન્ટિંગ પ્રેસના માલિકો દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે એક 25 વર્ષના યુવાન એન્જિનિયર વિલિસ કેરિયરને બોલાવવામાં આવ્યો હતો. હવે કેરિયરે જોયું કે માત્ર તાપમાન ઘટાડવાથી કામ નહીં ચાલે, પરંતુ હવામાં રહેલાં ભેજ એટલે કે હ્યુમિડિટીને પણ દૂર કરવો પડશે. હવે સમસ્યા શું છે એ તો ખ્યાલ આવી ગયો, પણ હવે એનો ઉકેલ શું? 

એક રાતે જ્યારે કેરિયર ટ્રેન સ્ટેશન પર ધુમ્મસની વચ્ચે ઉભા હતા, ત્યારે તેમને વિચાર આવ્યો કે જો હવાને પાણીના સ્પ્રેમાંથી પસાર કરીને તેને ઠંડી કરવામાં આવે, તો હવામાં રહેલો ભેજ ઠરીને પાણી બની જશે અને બહાર આવતી હવા સૂકી અને ઠંડી હશે. 

17મી જુલાઈ, 1902ના રોજ તેમણે આ સિદ્ધાંત પર આધારિત એક મશીનની ડિઝાઇન તૈયાર કરી. આ મશીનમાં ઠંડા પાણીની પાઈપનો ઉપયોગ કરીને હવાને સૂકી અને ઠંડી બનાવવામાં આવતી હતી. આ રીતે દુનિયાના પહેલા એસીની શોધ થઈ, જેનો હેતુ માણસોને ઠંડક આપવાનો નહીં પણ કાગળ અને શાહીને બચાવવાનો હતો.

AI Generated Images
અહીંયા તમારી જાણકારી માટે કે શરૂઆતના દિવસોમાં એસીનો ઉપયોગ માત્ર ટેક્સટાઈલ મિલો, પાસ્તા ફેક્ટરીઓ અને તમાકુના ગોદામોમાં જ કરવામાં આવતો હતો, જ્યાં હ્યુમીડિટી કન્ટ્રોલ કરવું જરૂરી હતું. 1920ના દાયકામાં પહેલીવાર થિયેટરમાં એસી લગાવવામાં આવ્યા, જેથી ઉનાળામાં પણ લોકો ફિલ્મો જોવા આવે. ત્યારબાદ ઓફિસો અને છેક 1950 પછી એસી સામાન્ય લોકોના ઘરો સુધી પહોંચ્યું.

ચોંકી ઉઠ્યા ને આ સ્ટોરી વાંચીને? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...

વધુ જુઓ...