દિલ્હી/રાજકોટઃ આ વર્ષે માર્ચ મહિનામાં તબક્કાવાર ત્રણેય ઋતુનો અનુભવ થયો છે. માર્ચ મહિનામાં કાશ્મીર જેવા ઠંડી પ્રદેશમાં હિમવર્ષા થઈ જેની અસર સમગ્ર મેદાની વિસ્તારમાં જોવા મળી. એ પછી ઉનાળાનું આગમન થતા મે મહિનામાં પડે એવો તાપ માર્ચ મહિનામાં અનુભવાયો અને માર્ચ મહિનામાં જ વરસાદે હાઉકલી કરતા વાતાવરણ ફરી ઠંડું થઈ ગયું. આ કમૌસમી વરસાદને કારણે પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
ગુજરાતમાં વરસાદથી કેરીના પાકને અસર
ગુજરાતમાં ચૈત્રી નોરતાના પ્રથમ દિવસે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા જાણે મિનિ વાવાઝોડું હોય એવું ચિત્ર જોવા મળ્યું, જ્યારે બપોરના સમયે રાજકોટ, જામગરન, અમરેલી અને કચ્છ જેવા પંથકમાં કરા સાથે વરસાદ થયો. કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે જાણે રસ્તા પર નદી વહેતી હોય એવું ચિત્ર જોવા મળ્યું જ્યારે રાજકોટ અને જામનગરમાં વરસાદથી વાતાવરણ કાશ્મીરના પહાડી વિસ્તારમાં હોય એવું ઠંડું થઈ ગયું. રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા અમીન માર્ગ પર વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. જોકે, કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. માર્ચ મહિનાના બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી પણ અમરેલીથી લઈને ઊના પંથક સુધી કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. ભારે વરસાદને કારણે કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગિરનાર પર વરસાદથી સૌરાષ્ટ્ર ઠંડુગાર
બીજી તરફ ગિરનારથી લઈને ભાવનગર પંથક સુધી ભારે પવનોને કારણે અનેક શહેરનું તાપમાન નીચે ઊતર્યું હતું. ગિરનાર પર બપોરના સમયે વરસાદ થતા રોપ-વે સેવા તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. જામનગર શહેર અને જિલ્લામાં કરા સાથે વરસાદ થયો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરી ઊઠતા ધોળા દિવસે વિઝિબિલિટી ઝીરો થઈ હોય એવું ચિત્ર ઉપસ્યું હતું. ગેસની કટોકટી વચ્ચે વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાતા લાકડા ભીના થઈ ગયા હતા. જ્યારે ઘઉં, જીરૂ, ધાણા, ચણા, રાયડો જેવા પાકમાં ભેજની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ પશુપાલકોનો ઘાસચારો ભીનો થઈ જતા સમસ્યા ઊભી થઈ હતી. સાંજના સમયે અમદાવાદ, વડોદરા અને મહેસાણા હાઈવે પર હળવો વરસાદ થતા અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન નીચું ગયું છે.
દિલ્હીમાં વરસાદ અને વિઝિબિલિટી ઝીરો
દિલ્હી તથા તેની આસપાસના શહેરોમાં વરસાદ થતા રાહત પ્રદૂષણમાં થઈ હતી. પ્રદૂષણનું સ્તર એકાએક ઘટી જતા દિલ્હીનું વાતાવરણ ચોખ્ખું થયું હતું, જોકે વાતાવરણમાં લાંબા સમય સુધી ભેજ રહેવાના કારણે હવામાન ઠડું અનુભવાયું છે. વહેલી સવારે થોડા સમયે માટે સૂર્યોદય થતા ગરમીનો અહેસાસ થયો હતો પછી વરસાદ પડતા સાંજ ઠંડી રહી હતી. આવનારા બેથી ત્રણ દિવસમાં દિલ્હીના તાપમાનમાં ઘટાડો જોવા મળશે. બીજી તરફ દિલ્હીમાં ઉત્તર અને પશ્ચિમથી આવતા પવનોનું જોર વધશે. આ કારણએ આવનારા દિવસોમાં દિલ્હીમાં ઠંડીનો એક રાઉન્ડ શરૂ થાય તો નવાઈ નહીં. દિવસે પણ વાહનની લાઈટ ચાલું રાખવી પડે એટલી હદે વિઝિબિલિટી ઘટી ગઈ હતી.
વિમાન સેવાને અસર
બુધવારે સાંજે અને ગુરૂવારે સવારથી વાતાવરણમાં આવેલા પલટાની એક અસર વિમાની સેવા પર થઈ હતી. ગુરૂવારે સાંજે આવેલા વરસાદને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ હતી. આ કારણે અનેક ફ્લાઈટ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી તો કેટલીક ફ્લાઈટ મોડી પડી હતી. દિલ્હી એરપોર્ટના રિપોર્ટ અનુસાર 16 ફ્લાઈટ અન્ય શહેરમાં ડાઈવર્ટ કરાઈ હતી. આવનારા બે દિવસ સુધી હજું પવનનું જોર વધતા વિઝિબિલિટીમાં અસર થઈ શકે છે. માત્ર દિલ્હી જ નહીં પશ્ચિમ બંગાળ, તમિલનાડું, ઓડિશા અને તેલંગણા સુધી વરસાદ પડી શકે છે. જોકે, હવામાન ઠંડુ થતા હવે ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થાય એવા અણસાર છે.