મનન - હેમંત વાળા
મન અણુમાં પણ પ્રવેશી શકે અને સૃષ્ટિને પાર પણ જઈ શકે. મન અનંત અંતરને તસુ માત્ર માની શકે અને તસુને પાર કરી શકવાની અસમર્થતા દર્શાવી શકે. મન ક્ષણભરમાં ચંદ્ર પર લટાર મારીને પરત આવી શકે અને સૂર્યની સપાટી પર ભ્રમણ પણ કરી શકે. મન કડકડતી ઠંડીમાં ગરમી અનુભવી શકે અને દાહક પરિસ્થિતિમાં ઠંડકની અનુભૂતિ પણ કરી શકે. મન અગ્નિથી અગ્નિને બુઝવવાનો વિચાર કરી શકે અને પાણીથી પાણીને ભીંજવવાનું પ્રયાસ પણ કરી શકે. ક્યારેક મન સૃષ્ટિ કરતાં પણ વધુ વિસ્તાર પામી જાય અને ક્યારેક શૂન્યમાં પણ પ્રવેશી શકે. બધો જ વિસ્તાર મનનો છે.
મન સ્વાદને વિકૃત બનાવી શકે અને વિકૃતિને સ્વાદિષ્ટ વાનગી તરીકે સ્વીકારી શકે. મન સુગંધિત પુષ્પમાં કંઈક અજુગતું શોધી શકે અને ગંદકી પણ તેને ભાવી જાય. મન સુંદરતાને છોડીને કદરૂપી પરિસ્થિતિ તરફ આકર્ષિત થઈ શકે અને તેમાં અનેરો આનંદ પણ મેળવી શકે. મન સનાતન સત્યનો ત્યાગ કરી અસત્ય તરફ આકર્ષાઈ શકે અને અન્યને તેમ કરવા પ્રેરી પણ શકે. મન પ્રકાશનો ત્યાગ કરી અંધકારને વધુ મહત્ત્વ આપી શકે અને તે અંધકારમાં જ અદભુત સુખની પરિકલ્પના પણ કરી શકે.
મન જ્ઞાનથી વિમુખ થઈ અજ્ઞાનને આધારે પરિસ્થિતિને સમજવાનો, મુલવવાનો પ્રયત્ન કરી શકે અને અજ્ઞાનને જ જ્ઞાન તરીકે સ્વીકારી શકે. ક્યારેક મન અવિદ્યાને વિદ્યા અને વિદ્યાને અવિદ્યા તરીકે સ્થાપિત કરી એક પ્રકારનો ભ્રમ ફેલાવી શકે. મન સ્વજનને દુશ્મન માની શકે અને દુશ્મનને પ્રીત કરી શકે. આ મન ક્યારેય અંધકારથી ડરી જાય તો ક્યારેક તે અંધકારમાં જ સગવડતા અનુભવે. મનનો ખેલ નિરાળો છે.
મન પ્રપંચ કરી શકે અને સંયમ પણ રાખી શકે. મન અભિમાનને પોષી શકે અને વિનમ્રતા માટે પ્રોત્સાહન પણ આપી શકે. મન કપટ કરી શકે અને સદભાવના પણ રાખી શકે. મન હિંસાનું કારણ બની શકે અને સાથે સાથે દયા પણ દાખવી શકે. મન ધર્મ આધારિત કાર્ય માટે પ્રેરણા આપે અને ક્યારેક અધર્મનું નિમિત્ત પણ બની શકે. મન ભેદી અસ્તિત્વ છે. તે બધું જ કરવા સમર્થ છે, છતાં પણ તેનું સામર્થ્ય પરાવલંબી છે.
અપાર ક્ષમતાવાળું જણાતું મન હકીકતમાં લાચાર અને પામર હોય છે. મન ત્યાં સુધી જ સશક્ત રહે જ્યાં સુધી તેને શક્તિશાળી બનાવવામાં આવે. મન ત્યાં સુધી જ પ્રબળ રહે જ્યાં સુધી તેની ઈચ્છા પ્રમાણે વ્યવહાર કરવામાં આવે. મન ત્યાં સુધી જ પોતાનું પ્રભુત્વ અને મહત્ત્વ સ્થાપિત કરી શકે જ્યાં સુધી તે સ્વીકારવાની તૈયારી હોય. મન ત્યાં સુધી જ જે તે સ્વરૂપે કાર્યરત રહે જ્યાં સુધી તેનાં અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે. મન એ સ્વરૂપ ધારણ કરે જે પ્રકારે તેને સ્વતંત્રતા આપવામાં આવી હોય કે જે પ્રકારે તેનાં પર નિયંત્રણ રાખવામાં આવ્યું હોય. ભલે તેની પાસે એક તબક્કા સુધી અદભુત સામર્થ્ય હોય તેમ પ્રતીત થતું હોય તો પણ, વાસ્તવિકતા એ છે કે મન પરતંત્ર અસ્તિત્વ છે.
મન એ વચગાળાની વ્યવસ્થા છે, રચના છે. એક તરફ છે કારણ અસ્તિત્વ અને બીજી તરફ સ્થૂળ અસ્તિત્વ. અંત:કરણના ચાર સ્વરૂપોમાંનું એક, `મન' આ બે છેડાને ચોક્કસ રીતે જોડતું માધ્યમ છે. એક તરફ ભૌતિક ઇન્દ્રિયો તથા તેનાં વિષયો છે અને બીજી તરફ સાક્ષી-સ્વરૂપ `કારણ' છે. મન છે એટલે સાક્ષી એ સાક્ષી બનવું પડે છે અને મન છે એટલે જ ઇન્દ્રિયોને વિષયો પ્રત્યે ખેંચાણ થાય છે. કારણ અર્થાત આત્મા છે એટલે જ મનનું અસ્તિત્વ રહ્યું છે અને બાહ્ય ભૌતિક સૃષ્ટિ છે એટલે જ ઇન્દ્રિયને જે તે બાબતમાં રાગદ્વેષ ઊભો થઈ શકે છે. જો મન ન હોય તો બાહ્ય અને અંદર વચ્ચેનું જોડાણ લુપ્ત થઈ જાય. મન આ વાત પણ સમજે છે અને તેથી જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તે સતત પ્રયત્નશીલ રહે છે.
અસ્તિત્વની એક અદભુત ઘટના એટલે મન. અસ્તિત્વનું સ્વરૂપ એટલે મનની જે તે પ્રકારની સ્વીકૃતિ. અસ્તિત્વ દ્વારા જો મનને નિયંત્રિત કરવામાં ન આવે તો મન અસ્તિત્વને નિયંત્રિત કરે. મન ગમે તે બાજુ ઢળી શકે, પરંતુ તેનાં સૂચનને સરળતાથી અવગણી શકાય. મનની સ્થિતિ ક્યારેય એક સમાન નથી રહી, તે તો અસ્થિરતા સભર ભટકતું મર્કટ છે. આ મર્કટને જે પ્રમાણેનો આદેશ આપવામાં આવે અથવા તો તેને જે પ્રકારની સંભાવના દેખાય તે પ્રમાણે તે કૂદકા મારે. મન રમતિયાળ છે, તેને ગંભીરતાથી ન લેવાય. પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે મન પ્રપંચ આદરી શકે, તેના સ્વભાવ પર વિશ્વાસ ના મૂકી શકાય. ઊંડાણમાં જોતાં સમજાશે કે મન અવાસ્તવિક છે, તેનાં અસ્તિત્વનો અસ્વીકાર કરવામાં જ શાણપણ છે.
સમય પણ મનની પરિકલ્પના છે અને સમયનું બંધન પણ મન દ્વારા જ સ્થાપિત કરાયેલ સમજણ છે. મન બંધનનું કારણ પણ બની શકે અને મુક્તિ માટેનું નિમિત્ત પણ. મન મૂળે નિષ્પક્ષ હોય છે, તટસ્થ હોય છે, તેની પાસેથી દરેક પ્રકારનું કાર્ય લઈ શકાય. મન સફેદ રંગ સમાન છે, તેના પર કોઈ પણ રંગ ચઢી શકે. મનને જે જોવું હોય તે દેખાડી પણ શકાય અને તેનાથી તેને રોકી પણ શકાય. મન વિશે તો શાસ્ત્રોમાં સચોટતાથી, સરળતાથી, સ્પષ્ટતાથી બધી જ વાતો કહેવાઈ ગઈ છે, વાસ્તવમાં કશું કહેવાનું બાકી જ નથી. આ તો એટલાં માટે લખવામાં આવે છે, જણાવવામાં આવે છે, કે ક્યાંક શાસ્ત્ર તરફ નજર કરવાની ઈચ્છા થઈ આવે.