Tue Apr 21 2026

Logo

સ્વામી શિવાનંદ સરસ્વતીનો આધ્યાત્મિક માર્ગ

2026-04-20 12:30:00
Author: Harish Vatavvala
Article Image

સંગમતીર્થ સંત - હરીશ વટાવવાળા

સાધનામાં આગળ વધેલા ઉચ્ચકોટિના સાધકો માટે એકાન્તની આવશ્યકતા ઉપર ભાર મૂકતાં સ્વામી શિવાનંદ `કૉન્સન્ટે્રશન ઍન્ડ મેડિટેશન (એકાગ્રતા અને ધ્યાન) નામના પુસ્તકમાં લખે છે: `ઈસુ ખ્રિસ્ત અઠાર વર્ષ એકાન્તમાં રહ્યા. ભગવાન બુદ્ધે આઠ વર્ષ ઉરૂવલ વનમાં એકાન્તવાસ કર્યો હતો.

સ્વામી રામતીર્થ બે વર્ષ બ્રહ્મપુરીના જંગલમાં ગાળ્યાં હતાં અને એકાન્તમાં સાધના કરી હતી. પ્રવૃત્તિઓ કરતાં કરતાં જ માણસે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો જોઈએ.' એવું કહેનાર અરવિંદ ઘોષ પણ વીસ વર્ષ એક જ ઓરડામાં બેસી બંધ બારણે સાધના કરેલી. સાધના દરમિયાન ઘણા સાધકોએ એકાન્તનો આશ્રય લીધો છે. સાધનાની શરૂઆત તમે ભલે સંસારમાં રહીને કરો, પરંતુ સાધનામાં આગળ વધ્યા પછી ઉચ્ચતર સાધના માટે તમારે એવી જગ્યાએ વાસ કરવો જોઈએ કે જ્યાં તમને એકાન્ત અને આધ્યાત્મિક આંદોલનો પૂરતા પ્રમાણમાં મળી રહે.'

એકાન્તવાસ દરમિયાન જો કોઈ મહાત્મા સર્વોચ્ચ આધ્યાત્મિક શિખરો સર કરે અને સિદ્ધિ મેળવે તો સ્વામી શિવાનંદ તેને એકાન્તમાંથી બહાર આવવાની વિનંતી કરતા અને તેમના અનુભવ અને જ્ઞાનમાં સૌને ભાગીદાર બનાવવા માટે પ્રાર્થના કરતા.

આ પ્રમાણે શિવાનંદ જાતજાતની આધ્યાત્મિક ચિકિત્સાઓ કરતા હતા. તેઓ કોઈ એક નિશ્ચિત પદ્ધતિને જ અનુસરતા ન હતા. કોઈ પણ નક્કી કરેલા નિયમો તેઓ દરેકને એકસરખા લાગુ પાડતા નહિ. કોઈને ગુફામાં બેસીને સાધના કરવાનું કહેતા, તો કોઈને શહેરી જીવન ચાલુ રાખી સાધના કરવાની સલાહ આપતા. તો વળી કોઈને કોઈ સારી આધ્યાત્મિક સંસ્થામાં જોડાઈને સાધુ સંન્યાસીઓનો સંગ કરવાની સૂચના આપતા.

ગુફાના જીવન કરતાં પ્રવૃત્તિઓથી ધમધમતા સંસારમાં રહીને આધ્યાત્મિક જીવન જીવવું કેટલું વધારે કઠણ છે તેનો ખ્યાલ આપતાં સ્વામીજી કહે છે: `ગુફામાં રહીને આધ્યાત્મિક જીવન જીવવું ઘણું સહેલું છે. એમાં કંઈ ખાસ ધાડ મારવાની નથી. તમારી પાસે બેસીને કોઈ વાત જ કરવાવાળું ન હોય તો પછી તમે કોની સાથે બોલશો? ગુફામાં રહી સત્યપાલન કરવું સહેલું છે. કોઈ મળવા જ ન આવતું હોય પછી આત્મપરીક્ષણ અને આત્મનિરીક્ષણ કરવા સિવાય બીજું તમારી પાસે છે શું? આવા સંજોગોમાં ક્રોધ ઉત્પન્ન ન થાય તે સ્વાભાવિક છે. તેનો અર્થ એ નથી કે તમે ક્રોધને જીતી લીધો છે. તમારી આજુબાજુ મનને લલચાવે તેવી કોઈ વસ્તુ જ ન હોય પછી મનને કાબૂમાં રાખવાની વાત જ ક્યાં આવી? આ તો ડાબા હાથનો ખેલ છે. પરંતુ જે માણસ સંસારનાં અસંખ્ય પ્રલોભનો વચ્ચે પોતાના મનને કાબૂમાં રાખે છે અને નિ:સ્વાર્થ ભાવે લોકસેવાનાં કાર્યો કરે છે તે જ માણસ સાચા અર્થમાં યોગી અથવા જ્ઞાની છે. તે જ ખરો મહાત્મા છે અને તેમાં જ તેની મહાનતા છે.'

ગંગોત્રીની હિમાચ્છાદિત ગુફામાં અનેક વર્ષોથી ઉગ્ર તપશ્ચર્યા કરી રહેલા એક સંન્યાસીને શિવાનંદે પત્ર લખી જણાવ્યું: `તમારે અહંકારને જડમૂળથી ઉખેડીને દૂર ફેંકી દેવો જોઈએ. તમામ સાધનાનો આ જ એક મૂળભૂત હેતુ છે. આ જ એક સાર તત્ત્વ છે. અહંકાર એ એક બહુરૂપી જેવો છે. તે જુદા જુદા વેશ ધારણ કરે છે અને પછી સાધકને છેતર્યા કરે છે. સાધકે તેને ઓળખીને પકડી પાડવો જોઈએ. આ માટે તેણે સતત સાવધાન રહેવાની જરૂર છે. સાધકે અપમાન અને નિંદા સહન કરવાની શક્તિ પણ મેળવવી જોઈએ. જો કોઈ માણસ અપમાન અને નિંદા સહન કરી શકતો ન હોય તો તેની સાધના ફળી નથી એમ સમજવું. 

સમૂહ સાધના અને વ્યક્તિગત સાધના વિશે પણ તેમનું ચિંતન વિચાર જાણવા જેવા છે: `વ્યક્તિગત સાધના કેટલીક વખતે ઊંઘ જેવી બની જાય છે, જ્યારે સમૂહમાં બેસીને ધ્યાન અને પ્રાર્થના કરવાથી એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રવાહ શરૂ થાય છે જે તમામ સાધકોના મનને ઉચ્ચ આધ્યાત્મિક શિખર ઉપર લઈ જાય છે.'

સમૂહ સાધના કરવાથી એક પ્રકારની વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે. એવી સ્વામીજીની માન્યતા હતી. તેથી તેઓ રામનવમી અને નવરાત્રિના તહેવારો દરમિયાન સાધના સપ્તાહનું આયોજન કરતા. આખો આશ્રમ એક અઠવાડિયાં માટે એક આધ્યાત્મિક તાલીમ શિબિરનું સ્વરૂપ ધારણ કરતો. સાધના સપ્તાહ દરમિયાન સૈદ્ધાંતિક વાર્તાલાપો થતા, પૂરતું વિશેષ ભાર તો આ સિદ્ધાંતોને આચરણમાં ઉતારવા ઉપર જ મૂકવામાં આવતો. જપ ધ્યાન, યોગાસન, મૌન, નિષ્કામ સેવા વગેરે દ્વારા સાધના સપ્તાહ ઉજવાતું.

નિષ્કામ સેવા અને પવિત્ર પ્રેમને જીવન સમર્પિત કરી શિવાનંદે ઈશ્વરવિમુખ જગતને સાબિત કરી આપ્યું છે કે  દરેક માનવીના અંતરાત્મામાં કેટલી પાર વગરની શક્તિઓ આવી રહેલી છે. તેઓ ગીતા, કુરાન અને અન્ય ધર્મશાસ્ત્રઓનું જીવંત મૂર્તસ્વરૂપ હતા. તેમના શબ્દો અને કામમાં પ્રેમનો ધ્વનિ ગુંજતો હતો. સ્વામી શિવાનંદ એટલે સત્યમ્, શિવમ્‌‍ અને સુંદરમ્નો ત્રિવેણી સંગમ. આવા આધ્યાત્મિક માર્ગના પ્રણેતા સ્વામી શિવાનંદ સરસ્વતીજી તા. 15 જુલાઈ 1963ના રોજ ઉત્તરાયનના છેલ્લા દિવસે બ્રહ્મલીન થયા. તેમણે સ્થાપેલ `દિવ્યજીવન સંઘ' સંસ્થામાં અને તેની શાખાઓમાં શિવાનંદ પ્રેરિત આધ્યાત્મિક પ્રવૃત્તિ આજે પણ થાય છે.