Tue Apr 21 2026

Logo

સાધન પંચકમ્

2026-04-20 12:10:00
Author: Hemu Bhikhu
Article Image

ચિંતન - હેમુ ભીખુ

સાધન પંચકમ્‌‍ એ મહા-આચાર્ય આદિ શંકરાચાર્ય દ્વારા લખાયેલાં પાંચ શ્લોકોનો સંગ્રહ છે, જેમાં આધ્યાત્મ માર્ગ માટે જરૂરી એવી પાંચ બાબતોનો ઉલ્લેખ કરાયો છે. સાધનાના આ પાંચ ડગલાંથી માનવી સંપૂર્ણપણે આધ્યાત્મિકતાની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે, બ્રહ્મ સાથેનું ઐક્ય પામી શકે, નિર્વાણ એટલે કે મોક્ષ મેળવી શકે.

અહીં સૌ પ્રથમ દૈનિક જીવનની કેટલીક મહત્ત્વની શરતો સ્થાપિત કરવામાં આવી છે. રોજિંદા જીવનમાં વેદોનો અભ્યાસ કરવો, તેમાં જણાવવામાં આવેલાં કર્મોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું, ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી પૂરાં સમર્પણથી ભક્તિ કરવી, અસત્ય અને અધર્મને આધારિત પાપ કર્મથી દૂર રહેવું, સંસારમાં જે સુખ પ્રતીત થાય છે તેની અસ્થિરતા અને તેમાં રહેલા દોષો વિશે વિચાર કરવો, આત્મજ્ઞાન તથા આત્મસાક્ષાત્કાર માટે દ્રઢ સંકલ્પ કરી માયામોહથી બચવું તથા દરેક પ્રકારનું મમત્વ છોડી દરેક પ્રકારના બંધનનો ત્યાગ કરવા માટે અહીં આગ્રહ રખાયો છે. 

સંસાર કે ભૌતિક સુખ કે ભાવનાત્મક સમીકરણ, સત્ય તેમજ શાશ્વતને જાણવામાં બાધા રૂપ થઈ શકે અને તેથી મનને, ઈચ્છાઓને નિયંત્રણમાં અહંકારનો ત્યાગ કરી વૈરાગ્યના માર્ગે ડગલાં ભરવાની વાત છે. અહીં વિવેક અને સંયમથી મનોબળ વધારવાનું સૂચન છે. એમ કહી શકાય કે આ શ્લોકમાં એક પૂર્વભૂમિકા સમાન છે. અહીં જણાવવામાં આવ્યું છે કે માનવીએ ઇન્દ્રિય-સુખ અને કામના-યુક્ત કર્મો પ્રત્યેની મનોવૃત્તિનો ત્યાગ જરૂરી છે. જ્યાં સુધી મન ઇન્દ્રિયોના વિષયમાં ભટકતું રહેશે ત્યાં સુધી આધ્યાત્મિકતાના માર્ગ પર પ્રગતિની સંભાવના નથી. ઈશ્વર પ્રાપ્તિ માટે સૌ પ્રથમ તો મનના પ્રપંચથી, વ્યભિચારથી, નિયંત્રણથી, આકર્ષણથી, કલ્પનાથી અને વાસનાથી મુક્તિ જરૂરી છે.

આધ્યાત્મના માર્ગનાં દ્વિતીય ચરણમાં ભક્તિ, સત્સંગ, ગુનું માર્ગદર્શન, વિદ્વાનોની સેવા તથા પોતાનાં વાસ્તવિક સ્વરૂપને સમજવાનું મહત્ત્વ દર્શાવ્યું છે. આદિ શંકરાચાર્ય દ્વારા અહીં જણાવવામાં આવ્યું છે કે શુદ્ધ ભાવના અને પૂર્ણ સમર્પણ સાથે તત્ત્વજ્ઞાનમાં પ્રવૃત્ત થવાં માટે સત્પુષો સાથેનો સત્સંગ, પરમજ્ઞાની તેમજ કણાસભર ગુનું માર્ગદર્શન તથા `શીલવંત સાધુ'નો સત્સંગ અપનાવવાની આવશ્યકતા છે. સનાતની સંસ્કૃતિમાં સદગુનું અનેં સ્થાન છે. 

ગીતામાં પણ ગુની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી, જ્ઞાન પ્રાપ્ત કરવાનું સૂચન કરાયું છે. સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત, જ્ઞાની કે સંતપુષ દરેક શ્રેણીની પ્રેરણા આપે, માર્ગદર્શન આપે અને રક્ષણ પણ કરે. આ શ્લોકમાં શાંતિ, દયા, ક્ષમાશીલતા જેવાં ગુણોના અભ્યાસનો પણ ઉલ્લેખ છે. આદિ શંકરાચાર્ય દ્વારા આ શ્લોકમાં બ્રહ્મ-ધ્વનિ `ૐ'કારનો પણ ઉલ્લેખ કરાયો છે. મનને શાંત કર્યા પછી આગળનાં પ્રવાસ માટેની આ માર્ગદર્શિકા છે.

સાધન પંચકમ્‌‍ નાં ત્રીજા ચરણમાં વેદ-વાક્યોના ગહન વિચારની, ઉપનિષદના વિધાનને તથા તેના અર્થને સત્ય તરીકે સ્વીકારવાની, બિન જરૂરી વાદ-વિવાદથી દૂર રહેવાની, `અહમ્‌‍ બ્રહ્માસ્મિ' કે `તત્ત્વમસિ' જેવાં મહા-વિધાનના મનન-ચિંતનની, શાસ્ત્ર આધારિત તર્કથી ઈશ્વર પ્રત્યેની ભક્તિ તથા શ્રદ્ધા મજબૂત બનાવવાની, દિન-પ્રતિદિન બ્રહ્મ-વિચાર અને આધ્યાત્મ-જ્ઞાન માટે પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતા પર ભાર અપાયો છે. 

શરીર માત્રને અસ્તિત્ત્વ ન સમજી, અસ્તિત્ત્વ સાથે સંકળાયેલ અહંકારથી મુક્ત થઈ, મૌન તેમજ વિનય જાળવી રાખી, સુયોગ્ય ગુરુજન પાસે શાસ્ત્રાર્થ કરતાં કરતાં આગળ વધવાનું અહીં સૂચન છે. શાસ્ત્ર-વાક્ય અને તેનાં અર્થ પર વિચાર કરવો પડે, તે માટેનાં સંદર્ભ સમજવાં પડે, શ્રુતિ સાથે સ્થાપિત મૂલ્ય તથા તર્ક માટે શ્રદ્ધા રાખવી પડે, `હું અને માં'થી પ્રત્યેક સ્તરે મુક્ત થવું પડે અને પ્રવાસમાં આગળ ડગલું ભરવું પડે.

પછીના ચરણમાં શારીરિક અસ્તિત્ત્વને લગતી બાબતો અને ભાવના ઉપર નિયંત્રણ લાવવાની વાત છે. ભૂખને ક્ષણીક રોગ ગણી, રોજ મળતી ભિક્ષાને સહારે, અન્નને ઔષધ માની તેને ગ્રહણ કરવું જોઈએ. ભોજનમાં કે અન્ય કોઈપણ શારીરિક જરૂરિયાત માટે કોઈપણ પ્રકારનાં રસની ઈચ્છા ન હોવી જોઈએ. જે મળે તે, જેટલું મળે તેટલું;  ઈશ્વર ઈચ્છા સમજી તેમાં સંતોષ માનવો જોઈએ. શીત હોય કે ઉષ્ણ, સુખ હોય કે દુ:ખ, માન હોય કે અપમાન, પ્રિય હોય કે અપ્રિય; દરેક પ્રકારનાં દ્વંદ્વથી મુક્ત રહી સ્થિરતા અને તટસ્થતાથી સાક્ષીભાવે વ્યવહાર કરવો જોઈએ. ઇન્દ્રિયો તથા તેનાં વિષયોની નિરર્થકતા સમજી જીવનમાં કોઈપણ પ્રકારનાં ખેંચાણથી ઉદાસીન રહેવાની આ વાત છે. અહીં અદેખાઈ, સાંસારિક સંલગ્નતા, વ્યર્થ વાણીથી દૂરી, લોકોની કૃપા મેળવવાની અથવા નારાજ થવાની ચિંતા જેવી ભાવનાને અવગણી માર્ગ પર આગળ વધવા વિશ્વાસ આપવાનો પ્રયત્ન છે.

આધ્યાત્મના પાંચમાં ચરણમાં એકાંત, ધ્યાન, સ્થિરતા, શાંતિ, એકાગ્રતા તથા શાસ્ત્રોનાં અભ્યાસ જેવી બાબતો સાથે પ્રારબ્ધની સ્વીકૃતિ પર પણ ભાર મુકાયો છે. શાસ્ત્રો દ્વારા જણાવાયેલ સત્યને આધારે એકાંતમાં બેસી, આત્મિક જ્ઞાન માટે નિશ્ચય કરી, ચિત્તને તે પરમ તત્ત્વ તરફ વાળી, બધાં જ વિચારોનો ત્યાગ કરી, પ્રારબ્ધ કર્મનો સ્વીકાર કર્યાં બાદ જ્ઞાનથી પૂર્વકર્મોને વિલય કરી, અંતે શૂન્યતામાં પ્રવેશની અહીં વાત છે. સાધનાનું આ પાંચમું અને અગત્યનું ચરણ છે. આમ તો પ્રત્યેક ચરણનું વિશેષ મહત્ત્વ છે જ પરંતુ એમ જણાય છે કે અહીં આંતરિક ગતિની શરૂઆત થાય છે. અત્યાર સુધી બાહ્ય પરિસ્થિતિથી, બાહ્ય વિશ્વથી, બાહ્ય પ્રપંચથી મુક્તિની વાત હતી; જ્યારે અહીં આંતરિક સત્ય, આંતરિક ચેતના, આંતરિક અનુભૂતિ પામવાની વાત છે. ભૌતિક સંબંધોને ક્ષણિક માનીને પરમ-સત્ય તરફ, પરમ-આનંદ તરફ પ્રયાણની અહીં વાત છે. `જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય'ની અનુભૂતિ અહીં થઈ શકે.

એકવાર એમ જણાય કે આ પાંચ શ્લોક ગીતામાં જણાવાયેલ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, કર્મ તેમજ સાધનાનો ટૂંકસાર છે. આત્મચિંતન, સમર્પણ, નિસ્પૃહતા, નિષ્કામ ભાવ તથા ધ્યાન-સાધના, બધું જ અહીં એક માર્ગની જેમ સમજાવવામાં આવ્યું છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે `સાધના પંચકમ્' આધ્યાત્મ માર્ગનો માર્ગદર્શક નકશો છે.