Fri Oct 02 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ જ્યારે સંબંધનો સેતુ બને છે દીકરી...

2026-09-10 07:55:58
Author: Shweta Joshi Antani
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ જ્યારે સંબંધનો સેતુ બને છે દીકરી...

શ્વેતા જોષી અંતાણી


સાંજનું આકાશ ધીમે ધીમે રંગ બદલતું હતું. સૂર્યાસ્તનો કેસરી રંગ હવે રાખોડી થઈ રહ્યો હતો અને ફૂટબૉલના મેદાન પર લાંબા પડછાયાઓ ઊતરવા લાગ્યા હતા. મેદાનના એક ખૂણે સુપ્રિયા ઊભી હતી. એની નજર સતત દીકરી દેવયાનીને શોધી રહેલી. મૅચ પૂરી થઈ. રેફરીએ સીટી વગાડી. ખેલાડીઓ મેદાનમાંથી બહાર આવવા લાગ્યા. દેવયાનીની ટીમ જીતી હતી અને વિજયી ગોલ પણ દેવયાનીએ જ કર્યો હતો. સાથી ખેલાડીઓ એને ઘેરીને અભિનંદન આપી રહી હતી. સુપ્રિયાએ દૂરથી હાથ હલાવ્યો. દેવયાનીએ એને જોઈ, પણ એના ચહેરા પર ખુશી નહોતી. એ ધીમા પગલે મા પાસે આવી. ‘મમ્મી, તમે ફરી મોડાં આવ્યાં.’ સુપ્રિયાએ હળવું સ્મિત કર્યું.

‘માફ કરજે બેટા... ઑફિસમાં કામ વધારે હતું.’
‘દર વખતે એવું જ હોય છે.’

દેવયાની આગળ ચાલી ગઈ. સુપ્રિયા એની પાછળ જોતી રહી. એને ખબર હતી કે દેવયાનીની નારાજગી માત્ર આજે મોડા આવવા માટે નહોતી. છેલ્લા ઘણા મહિનાઓથી ઘરમાં જે કંઈ ચાલી રહ્યું હતું એની અસર દીકરીના મન પર પડી રહી હતી. સુપ્રિયા અને એના પતિ વચ્ચે મતભેદો વધી રહ્યા હતા. શરૂઆતમાં નાની નાની વાત પર થતી દલીલો હવે લાંબા મૌનમાં ફેરવાઈ ગઈ હતી. બન્ને એક જ ઘરમાં રહેતાં હતાં, પરંતુ દુનિયા અલગ હતી. અને વચ્ચે દેવયાની ઊભી હતી. ઘરે પહોંચ્યા પછી સુપ્રિયાએ દીકરી માટે એની મનપસંદ સૅન્ડવિચ બનાવી.

‘દેવુ, તને ભૂખ લાગી હશે.’ દેવયાનીએ માત્ર માથું હલાવ્યું. જમતી વખતે સુપ્રિયાએ વાત કરવાનો પ્રયત્ન કર્યો.
‘આજે મૅચમાં તારો ગોલ સરસ રહ્યો હશેને?’
‘હા.’
‘પપ્પા આવ્યા નહોતા?’
દેવયાની થોડી વાર ચૂપ રહી.
‘પપ્પા પાસે સમય ક્યાં છે?’

આ વાક્ય સુપ્રિયાના હૃદયમાં ઊતરી ગયું. દેવયાની જમવાનું પૂરું કરીને પોતાના રૂમમાં ચાલી ગઈ. રાત્રે સુપ્રિયા એની પાસે ગઈ.
‘ગુડ નાઇટ, બેટા.’
કોઈ જવાબ ના મળ્યો. સુપ્રિયા પાછી ફરી રહી હતી ત્યારે પાછળથી અવાજ આવ્યો.

‘મમ્મી...’
એ અટકી.
‘હા?’
‘તમે પપ્પાને હજુ પ્રેમ કરો છો?’
સુપ્રિયા થોડી ક્ષણ માટે નિ:શબ્દ રહી.
‘હા.’ 
‘તો પછી તમે બંને સાથે કેમ નથી રહેતાં?’

સુપ્રિયા પાસે જવાબ નહોતો. ક્યારેક બાળકનો એક સીધો પ્રશ્ર્ન વર્ષોથી છુપાવેલી સત્યતાને બહાર લાવી દે છે. સુપ્રિયાએ માત્ર એટલું કહ્યું, ‘કેટલાક સંબંધોમાં પ્રેમ હોવા છતાં ગેરસમજો ઊભી થઈ જાય છે.’ 
દેવયાનીએ ધીમેથી કહ્યું, ‘પણ ગેરસમજ માટે ઘર કેમ તૂટવું જોઈએ?’ 

સુપ્રિયાની આંખો ભીની થઈ ગઈ. એ રાત્રે તેને ઊંઘ ન આવી. દિવસો પસાર થતા ગયા. દેવયાની અભ્યાસમાં સતત આગળ વધતી ગઈ. શાળાની ડિબેટમાં પ્રથમ, ક્વિઝમાં વિજેતા, વક્તૃત્વમાં પ્રશંસા અને રમતગમતમાં પણ અગ્રેસર. પેરેન્ટ્સ-ટીચર મીટિંગના દિવસે શિક્ષકે સુપ્રિયાને કહ્યું, ‘તમારી દીકરી ખૂબ જ પ્રતિભાશાળી છે, પરંતુ બહુ સંવેદનશીલતા છે.’ સુપ્રિયાએ સ્મિત કયું, પરંતુ શિક્ષકના શબ્દો સાંભળીને એને અંદરથી એક ચિંતા થઈ. સંવેદનશીલ બાળકો ઘણી વખત ઘરમાં બોલાતી વાતો કરતાં વધુ, મૌન વધુ અનુભવતા હોય છે. તે સાંજે દેવયાની ઘરે આવી અને સીધી પોતાની મા પાસે બેસી ગઈ.

‘મમ્મી, તમે મને એક વાત કહેશો?’
‘પૂછ.’
‘જો બે લોકો એકબીજાને પ્રેમ કરતા હોય, તો શું તેઓ પોતાના અહંકારને કારણે અલગ થઈ શકે?’
સુપ્રિયા દીકરી તરફ જોઈ રહી.

‘હા... ક્યારેક એવું થાય છે.’
દેવયાનીએ તેનો હાથ પકડી લીધો.
‘તો તમે અને પપ્પા પણ એવો અહંકાર રાખો છો?’    

સુપ્રિયા પાસે ફરી કોઈ જવાબ નહોતો. થોડા દિવસ પછી દેવયાનીએ એક નાનું કાર્ડ બનાવ્યું. એના પિતાનો જન્મદિવસ હતો. કાર્ડમાં એણે લખ્યું, ‘પપ્પા, હું તમને બન્નેને પ્રેમ કરુંં છું.’ સુપ્રિયાએ કાર્ડ વાંચ્યું ત્યારે એની આંખોમાં આંસુ આવી ગયાં. એને સમજાયું કે દીકરીએ પોતાનાં માતા-પિતાના ઝઘડાને ક્યારેય પક્ષપાતથી જોયો નહોતો. એ બન્નેને પ્રેમ કરતી હતી. અને કદાચ આ જ કારણ હતું કે એ બન્નેને ફરી સાથે જોવા માગતી હતી. થોડા દિવસ પછી દેવયાનીએ કહ્યું, 

‘હું તમારી બંનેની દીકરી છું. મને બન્ને જોઈએ છે.’     

આટલું સરળ વાક્ય સુપ્રિયાને અંદરથી તોડી ગયું. એણે સાંજે પતિ સાથે સામેથી સંવાદ શરૂ કર્યો. બન્નેની આંખોમાં વર્ષોની ફરિયાદ હતી, પરંતુ પાછળ હજુ પણ ક્યાંક પ્રેમ જીવતો હતો.

સુપ્રિયાએ ધીમેથી કહ્યું, ‘મને માફ કરજો.’ જવાબમાં એણે પણ કહ્યું, ‘મારે પણ માફી માગવી જોઈએ.’ દેવયાની થોડે દૂર ઊભી રહીને બન્નેને જોઈ રહી હતી. એની આંખોમાં સંતોષ હતો. એ દિવસે સુપ્રિયાને સમજાયું કે મા તરીકે પોતે દીકરીને ભલે જીવનના ઘણા પાઠ શીખવતી આવી હોય, પરંતુ આજે દીકરીએ જ એને સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. ‘સંબંધમાં જીતવું એટલે પોતાના અહંકારને ઓગાળી આગળ વધવું.’ અને એક દીકરીને માતા-પિતામાંથી કોઈ એકની જીત જોઈતી નથી. એને બંનેનો સાથ જોઈએ છે.

દેવયાનીની અનેક સિદ્ધિઓ હતી. રમતમાં વિજય, અભ્યાસમાં સફળતા, વક્તૃત્વમાં ઇનામો અને શાળામાં મળેલી અનેક ટ્રોફીઓ, પરંતુ એની સૌથી મોટી સિદ્ધિ કોઈ ટ્રોફીમાં નહોતી. એણે પોતાનાં માતા-પિતા વચ્ચેનું મૌન તોડી નાખ્યું હતું. એણે ઘરમાં ફરી હૂંફ ઊભી કરી હતી. બસ, એ જ એની સૌથી મોટી સિદ્ધિ હતી કદાચ.

સુપ્રિયા દીકરીને ભેટી પડી. દેવયાનીએ આંખો બંધ કરી. એના ચહેરા પર શાંતિ અને મનમાં સુકુન હતું.